'તું દરબાર નથી, સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?' કહી દલિત યુવકને માર્યો
હિંમતનગરના એક ગામમાં ઓટોરિક્ષા ચાલક દલિત યુવક સાથે જાતિવાદી લુખ્ખા તત્વોએ 'તું માથે સાફો બાંધેલો ફોટો કેમ મૂકે છે?' કહીને મારામારી કરી હતી.
એકબાજુ ગુજરાતમાં પોલીસ અર્ણેશકુમારના જજમેન્ટને આધારે એટ્રોસિટી એક્ટને નબળો પાડી જાતિવાદી તત્વોની તરફેણમાં માહોલ પેદા કરવા મથી રહી છે, ગુજરાત હાઈકોર્ટ એટ્રોસિટી એક્ટનો દુરૂપયોગ થઈ રહ્યાંની વાત કરી રહી છે, બીજી તરફ જમીની વાસ્તવિકતા એ છે કે, દલિતો પર અત્યાચાર ઓછાં થવાનું નામ નથી લઈ રહ્યાં. જાતિવાદી તત્વો અમુક મોજશોખ જાણે તેમના બાપદાદાની જાગીર હોય તેમ વર્તી રહ્યાં છે.
આવી એક ઘટના બનાસકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાયબાપુરા ગામમાં સામે આવી છે. અહીં એક દલિત યુવકને ગામના બે જાતિવાદી તત્વોએ અટકાવીને, "તું દરબાર નથી, છતાં કેમ માથે સાફો બાંધેલો ફોટો સોશિયલ મીડિયામાં મૂકે છે?" કહીને મારમારી કહી હતી. આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
હિંમતનગરના સાયબાપુરા ગામના અજયકુમાર રમેશભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તા. 17 જુલાઈ 2024ની રાત્રે ઓટોરિક્ષા લઈને નવાનગર બસ સ્ટેન્ડથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને ક્રિપાલસિંહ નવલસિંહ રાઠોડ અને મનુસિંહ લલિતસિંહ રાઠોડના છોકરાએ નીચે ઉતારીને, "તું તારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માથે સાફો બાંધેલો ફોટો કેમ મૂક્યો છે?, તું દરબાર નથી એટલે તારે આવો માથે સાફો બાંધેલો ફોટો મૂકવાનો નહીં." એમ કહીને જાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કરીને અપમાનિત કર્યા હતા.
એ પછી અજયભાઈ ત્યાંથી આગળ વધી ગયા હતા, ત્યાં રાજનગર ખાતે તેમને હિતેન્દ્રસિંહ ખુમાનસિંહ રાઠોડ અને શુકલસિંહ બકુસિંહ રાઠોડ નામના બે શખ્સોએ આવીને અટકાવ્યા હતા અને મારામારી કરી હતી. જેથી અજયકુમારના પિતા તથા અન્ય એક વ્યક્તિ ભાવેશભાઈ આવી જતા આ શખ્સોએ તેમને પણ જાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કરી, અપશબ્દો બોલીને ઝપાઝપી કરી હતી. સાથે જ આ ચારેય શખ્સોએ મળીને પીડિત અજયકુમારને ઘર સાથે જીવતા સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અજયભાઈએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: બોરમાં નહાવા પડેલા દલિત બાળકની વિધવા માતાને દબંગોએ ઢોર માર માર્યો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Anilઆવા લોકોને 5. વર્ષ ની જેલ થવી જોઇએ.