કલોલના ડીંગુચા ગામે દાખલો બેસાડ્યો, પ્રજાસત્તાક દિને દલિત દીકરીના હાથે ધ્વજવંદન કરાવ્યું
જાતિવાદીનું જોર દિવસેને દિવસે ઘટવાને બદલે વધતું જઈ રહ્યું છે ત્યારે કલોલ તાલુકાના એનઆરઆઈ ગામ તરીકે જાણીતા ડીંગુચા ગામના વડીલોએ સાસરિયે રહેલી એક દલિત દીકરીને આમંત્રણ આપીને ખાસ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે બોલાવી હતી. તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે. વાંચો સમગ્ર અહેવાલ.
ગાંધીનગર પાસે આવેલું કલોલ તાલુકાનું ડીંગુચા ગામ હમણાં વિદેશ જવાની ઘેલછાના કારણે સમાચારોમાં ચમક્યું હતું. જો કે પ્રજાસત્તાક દિવસે અહીંની એક શાળામાં એક સરસ પરંપરા છે. જેમાં દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોના દિવસે ગામની જ કોઈ પૂર્વ હોંશિયાર અને સફળ દીકરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને આ વખતે એક દલિત દીકરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
ડીંગુચા ગામની પ્રાથમિક શાળામાં આ પરંપરા છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલે છે. જેમાં દર વર્ષે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ પાસે ધ્વજવંદન કરાવવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, તેમાં દીકરી ક્યા સમાજની છે તે નહીં, પણ તે કેવો અને કેટલો સંઘર્ષ કરીને અભ્યાસમાં આગળ વધી છે તે ધ્યાનમાં લેવાય છે. એટલે જ અહીં અત્યાર સુધીમાં દલિત, વાલ્મિકીથી લઈને દરેક સમાજની પ્રતિભાશાળી દીકરીઓ ધ્વજવંદન કરાવી ચૂકી છે.
આ વર્ષે ધ્વજવંદન માટે સર્વાનુમતે ખુશ્બુ અમૃતભાઈ વાઘેલાનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. ખુશ્બૂ એક મધ્યમવર્ગીય દલિત પરિવારમાંથી આવે છે. તે ડીંગૂચાની આ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. તેણે માસ્ટર ડિગ્રી સાથે કોમ્પ્યૂટરનું શિક્ષણ લઈને તેના પરિવારે જે સંઘર્ષ કર્યો હતો તેનું સફળ પરિણામ આપ્યું હતું. ખુશ્બુ શાળાના દિવસોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ આગળ રહેતી હતી. તેણે દરેક કાર્યક્રમોમાં ભાગ લઈને શાળાની પ્રવૃત્તિઓને વેગ આપવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ખુશ્બુની આ તમામ લાયકાતોને ધ્યાને લઈને શાળાએ તેને પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે ખાસ તેના સાસરેથી આમંત્રિત કરી હતી.
ડીંગુચાની પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ પટેલને જ્યારે અમે સવાલ કર્યો કે ગામડાઓમાં જ્યાં જાતિવાદ કાયમ ટોચ ઉપર હોય છે ત્યાં એક દલિત સમાજની દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવ્યું તો તમને કોઈના વિરોધનો સામનો કરવો પડ્યો? તો જયેશભાઈએ જણાવ્યું કે “ના હજુ સુધી આવો કોઈ અનુભવ થયો નથી. અમે દર વર્ષે ધ્વજવંદન ગામની કોઈને કોઈ એવી દીકરીના હાથે કરાવીએ છીએ જે બીજી દીકરીઓને પ્રેરણા પુરી પાડે. આવી દીકરીઓને ધ્વજવંદન કરતી જોઈને કે તેનું સન્માન થતું જોઈને જે દીકરીઓ અભ્યાસ છોડી દેવાનું વિચારતી હોય અથવા અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય તેને ભણવાની પ્રેરણા મળે છે. સાથે જ આ કાર્યક્રમથી એવા માતાપિતાને પણ પ્રોત્સાહન મળે છે જેઓ એમ વિચારતા હોય કે દીકરીને ભણાવીને શું કામ છે? સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આપણા બંધારણના ઉદ્દેશ્યને બાળકો આ ઉંમરે સમજે અને અનુસરે તે આશયથી અમે લગભગ દરેક સમાજની સફળ દીકરીઓને બોલાવીને તેમને અવારનવાર આવા સન્માન આપતા હોઈએ છીએ. જ્યાં પ્રતિભા અને પ્રેરણામૂર્તિ શોધવાની વાત આવે ત્યાં અમે તેની જાતિને વચ્ચે લાવતા નથી. એક શિક્ષક તરીકે એ જ તો અમારી ફરજ છે.”
જયેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, “તમે દલિત દીકરીના હાથે ધ્વજવંદનના વિરોધની આશંકા જતાવો છો, પણ અહીં તો રાષ્ટ્રીય તહેવાર આખા ગામનો સહિયારો તહેવાર હોય છે. જેમાં પાટીદારથી લઈને વાલ્મિકી સુધીના દરેક સમાજના વિદ્યાર્થીઓ, યુવાનો અને વડીલો હરખથી ભાગ લેતા હોય છે. દીકરી ખુશ્બૂ વાઘેલા દ્વારા કરતા ધ્વજવંદન પ્રસંગે ગામના સરપંચ મથુરજી ઠાકોર અને પાટીદાર અગ્રણી કાંતિભાઈ બાપુએ પણ હાજરી આપી હતી અને તેમના હસ્તે ટ્રોફી આપી દીકરીને સન્માનિત કરવામાં આવી હતી. આ રીતે ગામના છેવાડાના પરિવારોની દીકરીઓ પણ ખુશ્બુ જેવી દીકરીઓને જોઈને તેમાંથી પ્રેરણા મેળવી ભણે-ગણે અને આગળ વધે તેવી શુભેચ્છાઓ અમે દીકરીઓને આપીએ છીએ.”
અહેવાલ - જીતેન્દ્ર વાઘેલા
આ પણ વાંચો : એમણે કહ્યું કે ગામ જમે છે તો તમે પણ ‘કાયમ આવો છો એ રીતે’ જમવા આવજો. હવે કાયમની જેમ એટલે?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.