તમિલનાડુમાં BSP અધ્યક્ષની ઘરમાં ઘૂસીને 6 લોકોએ હત્યા કરી
તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષની ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું ટિશર્ટ પહેરીને આવેલા 6 લોકોએ તલવારોથી હુમલો કરી હત્યા કરી દીધી છે.

તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગની ગઈકાલે સાંજે તેમના ઘરની બહાર 6 અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી નાખી. પોલીસના જણાવ્યા પ્રમાણે આર્મસ્ટ્રોંગ સાંજે સાત વાગ્યે ચેન્નાઈ સ્થિત સેમ્બિયમ વિસ્તારમાં આવેલી વેણુગોપાલ શેરીમાં આવેલા પોતાના ઘરે પક્ષના કેટલાક કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન બે બાઈક પર 6 લોકો આવ્યા હતા અને તેમના પર ધારદાર હથિયારોથી હુમલો કરીને ભાગી ગયા હતા. ત્યાં ઉપસ્થિત પક્ષના કાર્યકરો આર્મસ્ટ્રોંગને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ પોલીસે આર્મસ્ટ્રોંગની હત્યાને ગયા વર્ષે થયેલી ગેંગસ્ટર અર્કોટ સુરેશની હત્યા સાથે જોડીને જોઈ રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, બદલો લેવાની વૃત્તિ સાથે આર્મસ્ટ્રોંગની હત્યા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ મામલે 8 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.
હત્યારા ઝોમેટોની ટીશર્ટ પહેરીને આવ્યા હતા
ચેન્નાઈ પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 6માંથી 4 હુમલાખોરોએ ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું ટિશર્ટ પહેર્યું હતું. આરોપીઓની શોધખોળ માટે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે. આર્મસ્ટ્રોંગની હત્યા બાદ બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ પોલીસ અને વહિવટી તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.
પોલીસે હત્યાનો કેસ નોંધીને આરોપીઓને શોધી કાઢવા માટે 10 અલગ અલગ ટીમો બનાવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, અટકાયતમાં લેવાયેલા 8 શંકાસ્પદોની પૂછપરછ પછી હત્યા પાછળના અસલી કારણનો ખ્યાલ આવશે.
ઉલ્લેખનીય છે કે, બીએસપી અધ્યક્ષ કે. આર્મસ્ટ્રોંગે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સામે પણ ચૂંટણી લડી હતી. તેઓ વ્યવસાયે વકીલ હતા. વર્ષ 2006માં તેઓ ચેન્નાઈ કોર્પોરેશનની ચૂંટણીમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2007માં તેઓ બીએસપીમાં જોડાયા હતા. 2011માં તેઓ તમિલનાડુની કોલાથુર વિધાનસભા સીટ પર વર્તમાન મુખ્યમંત્રી સ્ટાલિન વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા.
આ પણ વાંચોઃ આકાશ આનંદનું રાજકીય કદ વધ્યું, માયાવતીએ ફરી રાજકીય સંયોજક બનાવ્યા
કે. આર્મસ્ટ્રોંગ બે વર્ષ પહેલા ચેન્નાઈમાં એક મોટી રેલીનું આયોજન કર્યા બાદ લાઈમલાઈટમાં આવ્યા હતા. તેમણે આ રેલીમાં બીએસપી પ્રમુખ માયાવતીને બોલાવ્યા હતા. એ પછી રાજકારણમાં તેમનું કદ વધી ગયું હતું. તેમના પરિવારમાં તેમના પત્ની અને એક દીકરી છે.
કે. આર્મસ્ટ્રોંગની હત્યાને લઈને બીએસપી સુપ્રીમો માયાવતીએ જણાવ્યું હતું કે, આર્મસ્ટ્રોંગની હત્યા એક નિંદનીય ઘટના છે. તેઓ વકીલ હતા અને તમિલનાડુના દલિતોનો એક મજબૂત અવાજ હતા. રાજ્ય સરકારે હત્યારાઓને પકડીને કડકમાં કડક સજા કરવી જોઈએ.
બસપાના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદે જણાવ્યું હતું કે, મારા નજીકના મિત્રની હત્યા ચોંકાવનારી છે. તેઓ તમિલનાડુમાં દલિત સમાજનો બુલંદ અને મજબૂત અવાજ હતા. મારા માટે તેઓ મોટાભાઈ જેવા હતા. હું આ કાયરતાપૂર્ણ કાવતરાની આકરી નિંદા કરું છું અને દોષિતોને કડક સજા થાય તેવી અપેક્ષા રાખું છું.
આગળ વાંચોઃ તેલંગાણા બીએસપી પ્રમુખ ડો. આર.એસ. પ્રવિણકુમારે પક્ષ છોડ્યો