રાજકોટમાં તસ્કરો એક જ રાતમાં 8 મંદિરોમાં ચોરી કરી ફરાર થઈ ગયા
રાજકોટમાં તસ્કરો એક જ રાતમાં મહાદેવજી, હનુમાનજી, ગણપતિ દાદા અને કાળકા માતા સહિત 8 દેવી-દેવતાઓના મંદિરમાંથી દાનપેટી સાફ કરી ગયા હતા.
ચોમાસામાં સાંજ પડ્યે વરસાદ શરૂ થતા જ લોકો પોતપોતાના ઘરોમાં ભરાઈ જતા હોય છે. જેના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી જતું હોય છે. ગુજરાતના મોટા શહેરોમાં ચોમાસામાં મોટાપાયે ચોરીના બનાવો બનતા હોય છે. ત્યારે આવી જ એક ચોરીની મોટી ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જેમાં તસ્કરોએ એક જ રાતમાં કુલ 8 મંદિરોની દાનપેટી સાફ કરી નાખી હતી.
મામલો રાજકોટનો છે, અહીંના કોઠારીયા રોડ પર આવેલા ગોવિંદનગર-6માં આવેલા શાતેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો એક જ રાતમાં મંદિર પરિસરમાં આવેલ અલગ અલગ 8 મંદિરોને નિશાન બનાવી તેની દાનપેટીમાંથી રોકડની ચોરી ગયાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે. હજુ બે દિવસ પહેલા જ ગોંડલના આશાપુરા મંદિરમાં થયેલી ચોરીની ઘટના બાદ રાજકોટમાં આ બનાવ બન્યો હોવાથી આ મંદિર ચોરીના બન્ને બનાવોમાં એક જ ટોળકીની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરોની ચોરીની આખી ઘટના કેદ થઈ ગઈ છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, રાજકોટનાં કોઠારીયા મેઈન રોડ પર મેઘાણીનગર શેરી નં.1માં રહેતા અને અહીંની ગોવિંદનગર શેરી નં. 6માં આવેલા શાતેશ્વર મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારી લાભુભારતી ગૌસ્વામીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અહીંના શાતેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સ્થાપિત અલગ અલગ 8 દેવી દેવતાઓના મંદિરોમાં રાખેલી દાનપેટીઓમાંથી રોકડ રકમની ચોરી થઈ ગઈ છે. તસ્કરોએ ગણપતિ દાદા, હનુમાનજી, કાળકા માતા અને મહાદેવ મંદિર સહિત કુલ 8 મંદિરોમાં ચોરી કરી હતી.
આ પણ વાંચો: રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા જ ધુતારા એક્ટિવ, QR કોડથી પૈસા ઉઘરાવવાનું કૌભાંડ પકડાયું
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘટના બે જુલાઈની મધરાતે બેથી પાંચ વાગ્યા વચ્ચેની છે. શાતેશ્વર મહાદેવ મંદિરની દિવાલ કૂદીને અંદર પ્રવેશેલા તસ્કર અલગ અલગ મંદિરોની દાન પેટી તોડી તેમાં રાખેલ રોકડ અંદાજે 20 હજાર ચોરી ગયો હતો.
ભક્તિનગર પોલીસના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા સહિતનો સ્ટાફ મંદિર ખાતે દોડી ગયો હતો અને આ મામલે સીસીટીવી ફુટેજના આધારે ચોરી કરનાર તસ્કરનું પગેરૂ મેળવવા અને ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરી છે.
હનુમાન જયંતિના દિવસે પણ ચોરી થઈ હતી
શાતેશ્વર મંદિરના પૂજારી લાભુભારતી ગૌસ્વામીએ જણાવ્યું કે ચાર મહિના પૂર્વે હનુમાન જયંતિના દિવસે પણ અહીં ચોરીનો બનાવ બન્યો હતો અને તસ્કર હનુમાનજી મંદિરમાંથી ટોકરી અને પરચુરણ ચોરી ગયો હતો. અને હવે એક સાથે આઠ મંદિરમા ચોરી થઈ છે. સીસીટીવીમાં દેખાતો શખ્સ હનુમાન જયંતિના દિવસે પણ ચોરી કરી ગયો હોય અને જેની ફરિયાદ કરવામાં આવી ન હોય જેથી આ તસ્કરે ફરીથી આ મંદિરને નિશાન બનાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: અયોધ્યામાં ટાટા ગ્રુપ 650 કરોડના ખર્ચે મંદિરોનું સંગ્રહાલય બનાવશે