અયોધ્યામાં ટાટા ગ્રુપ 650 કરોડના ખર્ચે મંદિરોનું સંગ્રહાલય બનાવશે

અયોધ્યામાં એક બાજુ સ્થાનિકો માટે જમીન હદ બહાર મોંઘી થઈ ગઈ છે, બીજી બાજુ સરકાર ટાટા ગ્રુપને 1 રૂપિયાના ટોકન ભાવે જમીન આપી મંદિરોનું મ્યૂઝિયમ બનાવડાવશે.

અયોધ્યામાં ટાટા ગ્રુપ 650 કરોડના ખર્ચે મંદિરોનું સંગ્રહાલય બનાવશે
image credit - Google images

એકબાજુ દેશમાં બેરોજગારી અને બેકારી આંટો લઈ ગઈ છે. સમયાંતરે ફૂટતા રહેતા સરકારી ભરતી પરીક્ષાઓ પેપરોને કારણે દેશનો યુવાન ચિંતામાં ગરકાવ થઈ ગયો છે, મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે યુપીની યોગી આદિત્યનાથ સરકારે મૂળ સમસ્યાઓને સાઈડમાં રાખીને ફરી ધર્મનું અફીણ લોકોને ચટાડવાનું નક્કી કર્યું છે. મળતી માહિતી પ્રમાણે ટાટા ગ્રુપ રૂ. 650 કરોડના ખર્ચે અયોધ્યા શહેરમાં મંદિરોનું મ્યૂઝિયમ બનાવવા જઈ રહ્યું છે. આ પ્રસ્તાવને ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

ઉત્તર પ્રદેશના પર્યટન મંત્રી જયવીર સિંહે જણાવ્યું છે કે, ટાટા ગ્રૂપને મ્યુઝિયમ ઑફ ટેમ્પલ્સ માટે ૧ રૂપિયાની ટોકન રકમ પર ૯૦ વર્ષ માટે જમીન ભાડાપટ્ટે આપવામાં આવશે. આ મ્યુઝિયમ અત્યાધુનિક હશે અને આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે બનાવવામાં આવશે. મ્યુઝિયમમાં ભારતના પ્રખ્યાત મંદિરોના સ્થાપત્ય અને ઈતિહાસ વિશેની માહિતી પ્રદર્શિત કરવામાં આવશે.

ટાટા ગ્રુપ પોતાના વતી આ મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યું છે. મંદિરોનું આ મ્યુઝિયમ બનાવવા માટે ગ્રુપ ૬૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ કરવામાં આવશે. યુપી સરકારે કહ્યું કે ટાટા જૂથે કેન્દ્ર સરકાર દ્વારા અયોધ્યામાં આ મ્યુઝિયમ બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો.

આ મ્યુઝિયમ અંગેનો પ્રસ્તાવ ગયા વર્ષે પ્રથમ વખત સામે આવ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના વરિષ્ઠ અધિકારીઓને આ પ્રોજેક્ટ વિશે વિગતવાર જણાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ પ્રોજેક્ટ અંગે અગાઉથી જ જાણ કરવામાં આવી હતી. મંદિર મ્યુઝિયમનો આ પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ પસંદ આવ્યો હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં પણ ભાજપ જીતી ન શકી

સૂચિત મ્યુઝિયમમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે ટાટા ગ્રુપને અયોધ્યા શહેરમાં અન્ય વિકાસ કાર્યો માટે પણ મંજૂરી આપી હતી. ટાટા ગ્રૂપ દ્વારા શહેરમાં અન્ય વિકાસ કામો પર રૂ. ૧૦૦ કરોડનું વધારાનું રોકાણ કરવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશનું અયોધ્યા શહેર ધાર્મિક પર્યટનના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં રામ મંદિરના ઉદ્‌ઘાટન બાદ શહેરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.

જો કે, બીજી તરફ સ્થાનિકોમાં આ કહેવાતા વિકાસ સામે ભારે રોષ છે. અહીં સરકારમાં પહોંચ ધરાવતા સત્તા પક્ષના લોકોએ રામ મંદિર આસપાસની મોકાની જમીનો પર કબ્જો જમાવી લીધો છે અને ગરીબ લોકોના ધંધા પર તરાપ મારી છે. બુલડોઝરથી ગમે તેનું ઘર પાડી દેવાની આ વૃત્તિથી લોકો ભારે નારાજ થયા હતા અને અયોધ્યામાં ભાજપનો પરાજય થયો હતો.

અયોધ્યાામાં લોકો ઘર બનાવી શકે તેટલી જમીન પણ ખરીદી શકે તેમ નથી, ત્યાં ટાટા ગ્રુપને એક રૂપિયાના ટોકન ભાવે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી દેવાની વાતથી સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.

આ પણ વાંચોઃ બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.