ગણેશોત્સવના 7 દિવસમાં ગુજરાતમાં 63 લોકો નદી, તળાવોમાં ડૂબાયા
108 ઈમરજન્સી સર્વિસના આંકડાઓ મુજબ ગણેશોત્સવના છેલ્લાં 7 દિવસમાં ગુજરાતમાં 63 લોકો નદી, તળાવોમાં ડૂબાયા હોવાના કોલ મળ્યા છે.

ગુજરાત સહિત દેશભરમાં હાલ ગણેશ મહોત્સવની ધૂમ મચેલી છે. જો કે દુંદાળા દેવની પૂજાનું આ પર્વ દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક પરિવારોમાં ખુશીઓને બદલે માતમ લઈને આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગણેશ ચતુર્થીથી લઈને અત્યાર સુધીમાં રાજ્યના અલગ અલગ ગામો, શહેરોમાં કુલ 63 લોકો ડૂબાયા હોવાનું જાણવા મળે છે.
હાલ નદી, તળાવોમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન થઇ રહ્યું છે. ત્યારે 108 ઈમર્જન્સી સર્વિસના આંકડાઓ પણ સામે આવ્યા છે. એ મુજબ 7 સપ્ટેમ્બરને ગણેશ ચતુર્થીના દિવસથી તા. ૧૩ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતભરમાં પાણીમાં ડૂબી જવાના કુલ ૬૩ કોલ આવ્યા હતા.
આ પણ વાંચો: ગણેશજીના વિસર્જનમાં સરસ્વતીએ એક જ પરિવારના 4નો ભોગ લીધો
ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સોગઠી ગામના આઠ યુવકો મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબ્યા હોવાના તાજેતરના કરૂણ બનાવે લોકોના હૈયા હચમચાવી મૂક્યા છે. એના બે દિવસ પહેલા પાટણમાં સરસ્વતી નદીમાં એક જ પરિવારના 4 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. ચોમાસામાં નદીઓમાં પાણીની આવક વધે છે અને બીજી તરફ ગણેશ વિસર્જન દરમિયાન પુરતી તકેદારી રખાતી ન હોવાથી આવી દુર્ઘટનાઓ દર વર્ષે બને છે, જેમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટે છે.
૧૦૮ ઈમરજન્સી સેવાના અધિકારીના જણાવ્યા મુજબ ગત તા. ૭ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાનના સાત દિવસમાં સૌથી વધુ રાજકોટમાં ૧૧ લોકો ડૂબી ગયા હોવાના કોલ આવ્યા હતા. જેમાં ૧૦૮ની ટીમે સ્થળ પર જઈ જરૂરી સારવાર કરી હોસ્પિટલમાં ખસેડયા હતા. જે ૬૩ લોકો રાજ્યમાં નદીઓમાં, તળાવમાં ડૂબ્યા હતા તેમાંથી કેટલાકના મોત થયા હતા તો કેટલાક સારવાર દરમિયાન બચી પણ ગયા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ તેઓ કોલ આવે ત્યારે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપે છે અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરે છે, જેથી તેમની પાસે મોત અંગેના આંકડા હોતા નથી. તેઓ માત્ર કોલ આવે ત્યારે દોડી જઈ જરૂરી મદદ પુરી પાડે છે. હાલ કેનાલો અને નદીઓમાં ભરપુર પાણી વહી રહ્યું છે ત્યારે નદીઓમાં નહાવા પડવાથી દૂર રહેવું જોઇએ. તેમજ ગણેશ વિસર્જન દરમિયાન જો તરતા ન આવડતું હોય તો મૂર્તિના વિસર્જન માટે બીજાને જોઈને નદી, તળાવોમાં કૂદી ન પડવું જોઈએ
આ પણ વાંચો: દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું..