રાજ્યમાં વર્ષ 2005 પહેલાના સરકારી કર્મચારીઓને OPSનો લાભ મળશે
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને લઈને એક મહત્વની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર સચિવાલય ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટા નિર્ણયો લેવાયા છે. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી વર્ષ 2005 પહેલાં ભરતી થયેલા રાજ્ય સરકારના કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ મળશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 60, 254 કર્મચારીઓને સીધો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
60 હજારથી વધુ સરકારી કર્મચારીને સીધો લાભ થશે
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, આજે (રવિવાર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળોની રજૂઆતો સાંભળી હતી. 60, 254 કર્મચારીને સીધો ફાયદો થાય તે માટે નિર્ણય લેવાયો છે. તારીખ 01-04-2005થી જેઓ નોકરી લાગ્યા હતા એમને પાંચ વર્ષનો લાભ ના મળતો હોવાનું લખ્યાં છતાં પણ આવા કર્મચારીઓની નિમણૂક થઈ હતી અને પાછળથી કાયમી થયા હતા તેમને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવાનો નિર્ણય કર્યો છે.
સરકારી તિજોરીને અંદાજે રૂ. 200 કરોડનો બોજ પડશે
નિયમિત નિમણૂક થઈ ગઈ હોય કે નિમણૂક પ્રક્રિયા થઈ ગઈ હોય એને આ લાભ મળશે. આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. તેમને ઉચક મુસાફરી ભથ્થું 7માં પગારપંચ પ્રમાણે આપવામાં આવશે. તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવેલ મુદ્દાઓથી સરકારને 200 કરોડ રૂપિયાનો બોજો પડશે. હવે જે બાકીના મુદ્દા બાકી રહી ગયા છે જે આગળ વધારે અભ્યાસ કરી, કમિટી બેસી ખૂબ ઝડપથી નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી છે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, આનું ભારણ કેટલું આવશે તે નક્કી નથી પણ એનો પરિપત્ર સરકાર જલ્દી કરશે. ફિક્સ પે મુદ્દે મંત્રીએ જણાવ્યું કે ફિક્સ પેનો કોર્ટમાં મુદ્દો છે, તેનો નિર્ણય આવ્યા બાદ સરકાર કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકોએ ફરી સરકાર સામે બાંયો ચડાવી