રાજસ્થાનની શાળાઓમાં હવે ‘ગૌમાતા’ વિશે ભણાવવામાં આવશે
AI ના જમાનામાં ભાજપની ભજનલાલ શર્મા સરકાર ગૌમાતા વિશે બાળકોને ભણાવશે. પેટાચૂંટણી પહેલા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપશે.
schools in rajasthan will be taught about gaumata : થોડા દિવસો પહેલા રાજસ્થાન (Rajasthan) માં ગાય (Cow) ને ‘રખડતી’ કહેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને હવે તેમને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર પ્રાથમિક શાળા (primary school) ના પુસ્તકો (text books) માં ગાય આધારિત પ્રકરણ (Lessons related to cows) નો સમાવેશ કરી શકે છે.
રાજસ્થાનમાં પેટાચૂંટણી યોજાવાની છે અને રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. દરમિયાન રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપ ગાયો પર ભારે મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા રસ્તા પર રખડતી ગાયોને ‘આવારા પશુ કે રખડતા ઢોર’ કહેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અને હવે સરકારી શાળાઓમાં પણ ગાયને અભ્યાસક્રમનો ભાગ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર પ્રાથમિક શાળાના પુસ્તકોમાં ગાય આધારિત પ્રકરણનો સમાવેશ કરી શકે છે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે આ અંગે માહિતી આપી હતી.
શિક્ષણ મંત્રી મદન દિલાવરે (Madan Dilawar) જણાવ્યું હતું કે, “અમે વિદ્વાનો અને નિષ્ણાતો સાથે વાત કરીશું અને બની શકે તો પ્રાથમિક શાળાના પુસ્તકોમાં ગાય માતા વિશેની માહિતી આપવાનો પ્રયાસ કરીશું. અમે ગાય માતા પર સારી ફિલ્મો બતાવવાનો પણ પ્રયાસ કરીશું. જો કે, આ વિષય પર પહેલા નિષ્ણાતો અને વિદ્વાનો સાથે ચર્ચા કરવામાં આવશે.”
ગાયને ‘રખડતું ઢોર’ કહેવા પર પ્રતિબંધ
તાજેતરમાં રાજસ્થાનના પશુપાલન વિભાગે ગાયને ‘રખડતું ઢોર’ કહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વિભાગે આવી ગાયો માટે 'રખડતી' ને બદલે 'નિરાધાર' શબ્દ વાપરવાનું કહ્યું હતું. પશુપાલન મંત્રી જોરારામ કુમાવતે ગાયને સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ ગણાવી હતી અને જાહેર સ્થળોએ નિ:સહાય અવસ્થામાં રખડતી ગાયોને ‘રખડતાં ઢોર’ ને બદલે 'નિ:સહાય' કે 'નિરાધાર' કહીને સંબોધવાનું નક્કી કર્યું હતું.
ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવા માંગ
મહારાષ્ટ્ર સરકારે દેશી ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. જે બાદ રાજસ્થાનમાં પણ ગાયને રાજ્ય માતા બનાવવાની માંગ ઉઠી છે. રાજસ્થાનમાં ભાજપ અને અપક્ષ ધારાસભ્યોએ ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે એક અભિયાન શરૂ કર્યું છે. તેમની માંગ છે કે ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. રાજસ્થાન સરકારે પણ આ મામલે તમામ ધારાસભ્યો અને કાર્યકર્તાઓને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ અંગે જલ્દી નિર્ણય લેશે. અત્યાર સુધી ભાજપ અને અપક્ષ સહિત કુલ 31 ધારાસભ્યોએ આ માટે મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં સાત વિધાનસભા બેઠકો માટે 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં દૌસા, દેવલી-ઉનિયારા, ઝૂંઝણું. રામગઢ, ચૌરાસી, સલૂંબર અને ખીંવસર સીટનો સમાવેશ થાય છે. 25 ઓક્ટોબર સુધી આ બેઠકો માટે કુલ 118 ઉમેદવારીપત્રો ભરાયા હતા, જેમાંથી 11 રદ થયા છે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ટૂંકમાં આખો મામલો ચૂંટણી આવી રહી હોવાથી હિંદુત્વ મુદ્દે લોકોનું ધ્યાન ખેંચવા માટે કરાઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, આપણે હિંદુ નથીઃ આદિવાસી સમાજ