દિવાળીની રાતે ગાંજો પીવા માચિસ ન આપી તો દલિતોના ઘર સળગાવી દીધાં
હિંદુઓનું નવું વર્ષ શરૂ થયું એના આગલા દિવસે દલિતો પર અત્યાચારની ઘટનાઓ પણ નવેસરથી શરૂ થઈ ચૂકી છે, નવા વર્ષની સાથે જાતિવાદી તત્વોની માનસિકતામાં તસુભાર પણ ફરક પડ્યો નથી.
એકબાજુ દેશ આખો દિવાળીની રાત્રે દીવડા પ્રગટાવી ઉત્સવ ઉજવવામાં મગ્ન હતો, બીજી તરફ એક ગામ એવું પણ હતું જ્યાં જાતિવાદી તત્વો દલિત પરિવારના ઘરને આગ લગાવી રહ્યા હતા. કથિત રીતે અંધકારમાંથી ઉજાસ તરફ જવાના ઉત્સવની રાતે જ જાતિવાદી તત્વો દલિત પરિવારની પરવા કર્યા વિના તેમના ઘરો સળગાવી રહ્યા હતા. પરિવારમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ છે, જેમના માથે હવે છત નથી રહી.
બિહારના નાલંદાની ઘટના
ઘટના બિહારના નાલંદાની છે. અહીં ગાંજો-સિગરેટ ફૂંકવા માટે માચિસ ન આપવા બદલ જાતિવાદી તત્વોએ એક દલિત પરિવારના ઘરને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં બીજા 5-6 પરિવારોના ઘર પણ આગની ઝપટે ચડી ગયા હતા અને તેઓ પણ ઘરવિહોણા થઈ ગયા હતા. આ તમામ પરિવારો દલિત સમાજના છે.
ઘટના છિતર બિગહા ગામની છે, જ્યાં દિવાળીની રાત્રે જ આ ઘટના બની હતી. આ આગના કારણે 5-6 ઘર બળી ગયા હતા અને તેમાં તેમના ઢોર પણ મરી ગયા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પીડિતોએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ગાંજો-સિગરેટ પીવા માચિસ ન આપી એટલે ઘર સળગાવી દીધું
મળતી માહિતી પ્રમાણે જાતિવાદી તત્વોએ એક મહાદલિત પરિવાર પાસે સિગરેટ અને ગાંજો ફૂંકવા માટે માચિસની માંગ કરી હતી, જો કે તેમની પાસે માચિસ ન હોવાથી તેમણે ના પાડી હતી. જેનાથી ઉશ્કેરાયેલા જાતિવાદી તત્વોએ તેની થોડી જ વારમાં પરત આવીને ઘરને સળગાવી દીધું હતું.
પીડિત દલિત મહિલાએ જણાવ્યું કે દિવાળીના દિવસે ઘરે પૂજા ચાલી રહી હતી ત્યારે ચાર લોકો માચીસ માંગવા આવ્યા હતા. મારી દીકરીએ માચીસ આપવાની ના પાડી. થોડીવાર પછી એ લોકો પાછા આવ્યા અને મારામારી કરીને અમારા ઘરને આગ ચાંપી દીધી. આ ઘટનામાં 6 ઘર બળીને રાખ થઈ ગયા હતા. એક બાજુ શિયાળો શરૂ ચૂક્યો છે અને બરાબર નવા વર્ષે જ અમારા માથે છત નથી. આવું કોઈની સાથે ન થાય.
આગમાં દલિત પરિવારના 6 ઘર બળીને ખાખ
ઘટના દિવાળીની રાત્રે બની હતી, જેને લઈને સમગ્ર નાલંદા જિલ્લામાં હોબાળો મચી ગયો હતો. લુખ્ખા તત્વોએ રસ્તાના કિનારે આવેલી દલિત વસાહતમાં આગ લગાડી દીધી હતી. જેમાં 6 ઘર બળી ગયા હતા. એક સાથે આટલા બધાં ઘરો સળગતા જોઈને ગામમાં આક્રોશ ફેલાયો હતો. માચિસ ન આપવા જેવી નજીવી બાબતે એક મહાદલિત પરિવારની ઝૂંપડીને આગ લગાવી દીધી હોવાનું જાણ્યા પછી આ વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં જ પોલીસ પહોંચી ગઈ અને મામલાની તપાસ શરૂ કરી હતી.
આજુબાજુની ઝૂંપડીઓ પર ઝપટમાં આવી ગઈ
આ ઘટનામાં જેમનું ઘર સળગી ગયું હતું તે, મંગલ માંઝીએ જણાવ્યું કે કેટલાક લોકો ઘરની નજીકમાં બેસીને દારૂ પીને જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે સિગરેટ અને ગાંજો પીવા માટે દિવાસળીની માંગ કરી, જે આપવાનો તેમની દીકરીએ ઈનકાર કરી દીધો હતો. જેનાથી ગુસ્સે ભરાયેલા લુખ્ખા તત્વોએ તેમના ઘરમાં ઘુસીને મારામારી અને તોડફોડ કરી તેમના ઘરને આગ લગાડી દીધી. જેના કારણે આસપાસના ઝૂંપડા પણ આગની લપેટમાં આવી ગયા હતા. ભીષણ આગને ગ્રામજનોએ ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી. ત્યાં સુધીમાં ઝૂંપડું અને તેમાં રાખેલી તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી.
હજુ સુધી કોઈની પણ ધરપકડ નથી કરાઈ
આ પણ વાંચો: ભારતની પહેલી દલિત અભિનેત્રીએ ફિલ્મમાં એક સવર્ણ મહિલાનું પાત્ર ભજવ્યું તો જાતિવાદીઓએ તેનું ઘર સળગાવી નાખ્યું!
આ ઘટનાને લઈને હિલસાના ડીએસપી સુમિત કુમારે જણાવ્યું હતું કે મંગલ માંઝીની પત્નીના નિવેદનના આધારે ચાર લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસને બે પક્ષો વચ્ચે બબાલ થયાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બિગહા છિતર ગામના મંગલ માંઝીના ઘરમાં આગ લાગી હતી. મંગલ માંઝીની પત્ની ધર્મશીલા દેવીએ આ કેસમાં ચાર લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય લોકોની શોધખોળ શરૂ કરી છે.
મનુવાદી મીડિયાએ ફરી એકવાર પોત પ્રકાશ્યું
દલિત અત્યાચારની દરેક મોટી ઘટનામાં આ દેશનું જાતિવાદી મીડિયા જે રીતે જાતિવાદી તત્વોનો બચાવ કરે છે તેવું આ ઘટનામાં પણ જોવા મળ્યું હતું. ખબરઅંતર.કોમ દ્વારા આ ઘટનામાં આરોપીઓ કઈ જાતિના છે તેની તપાસ કરવા માટે હિંદી ભાષાના અનેક મોટા સમાચારપત્રો અને ન્યૂઝ પોર્ટલ પર તપાસ કરી હતી. પણ એકેય મીડિયા હાઉસના રિપોર્ટમાં ન તો આરોપીઓનું નામ જોવા મળે છે, ન તેમની જાતિનો ઉલ્લેખ છે. જે સ્પષ્ટ કરે છે કે, ભારતનું મીડિયા દલિત અત્યાચારના કેસોમાં સંપૂર્ણપણે સવર્ણોની તરફેણ કરે છે. એ સ્થિતિમાં દલિત-બહુજન સમાજના પ્રશ્નોને મનુમીડિયા કદી ન્યાય આપશે તેવી અપેક્ષા રાખવી નકામી છે.
તેનો એકમાત્ર ઉકેલ એ છે કે, દલિતો-આદિવાસીઓ ખબરઅંતર.કોમ જેવા બહુજન મીડિયાને દરેક મોરચે સપોર્ટ કરે અને તેને મજબૂત બનાવે. જેથી જાતિવાદી તત્વોને ખૂલ્લા પાડી શકાય અને મનુમીડિયા દ્વારા દાખવવામાં આવતા જાતિવાદને પણ ખૂલ્લો પાડી શકાય.
આ પણ વાંચો: જમીન પર ગેરકાયદે કબ્જાની ફરિયાદ કરી તો દલિતનું ઘર સળગાવી દીધું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
B R Solankiઆવા અસામાજિક તત્ત્વો ને પકડીને કડક સજા કરવામાં આવે