Bhavnagar: ગટરમાં ગૂંગળાઈને મૃત્યુ પામેલા સફાઈ કર્મચારી રાજેશભાઈ વેગડનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો

Bhavnagar: ગટરમાં ગૂંગળાઈને મૃત્યુ પામેલા સફાઈ કર્મચારી રાજેશભાઈ વેગડનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો
Photo: Kantilal Parmar

Bhavnagar: ભાવનગર મહાપાલિકાના સફાઈ કર્મચારીનુ ગત શુક્રવારે સફાઈ કામગીરી દરમિયાન મોત નિપજ્યું હતું. વળતર સહિતની કેટલીક માંગણી મૃતક કર્મચારીના પરિવારજનોએ કરી હતી અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો, જેના પગલે મૃતકના પરિવારજનોને બે દિવસથી સમજાવવામાં આવી રહ્યા હતા. રવિવારે મૃતકના પરિવારજનો માની ગયા હતા અને મૃતદેહ સ્વીકાર્યો હતો. મનપાએ વળતરનો ચેક કર્મચારીના પરિવારજનોને આપ્યો હતો. 

શું મામલો હતો?

મીડિયા રિપોર્ટ અનુસાર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇન્સ્ટિટયુટની કચેરીના પટ્ટાંગણમાં ગત શુક્રવારે ડ્રેનેજની સેપ્ટિક ટેન્કની કામગીરી દરમિયાન અન્ય કર્મચારીને બચાવવા જતા મનપાના ડ્રેનેજ વિભાગના સફાઈ કર્મચારી રાજેશભાઈ પરસોત્તમભાઈ વેગડ (ઉ.૪પ)નુ ગુંગળાઈ જતા મોત નિપજ્યું હતું, જેના પગલે અરેરાટી મચી જવા પામી હતી. મૃતક રાજેશભાઈના પરિવારજનોએ વળતર, સરકારી નોકરી સહિતની માંગણી કરી હતી અને આ માંગણી ના સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. શનિવારે પણ તમામ માંગણી નહી સ્વીકારાતા મૃતક કર્મચારીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો ન હતો.

પરિવારની માગણીઓ સ્વીકારાઈ

રવિવારે સફાઈ કર્મચારીના પરિવારજનોને તંત્રએ સમજાવ્યા હતા અને તેઓ માની ગયા હતા. કર્મચારીના પરિવારજનોને રૂ. ૩૦ લાખનો વળતરનો ચેક મનપા દ્વારા આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ મૃતક સફાઈ કર્મચારીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. 

મીડિયા રિપોર્ટમાં મહાનગરપાલિકાના સૂત્રોને ટાંકીને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે મૃતક કર્મચારીના વારસદારોની નોકરીની માંગણીના પગલે ભાવનગર મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકારમાંથી જે નિર્ણય આવશે તે મુજબ કાર્યવાહી કરાશે. 

ઉલ્લેખનીય છે કે, મૃતક કર્મચારીના વારસદારને નોકરી આપવાની ખાતરી મનપાના અધિકારીઓ લેખિતમાં આપે તેવી પરિવારજનોની માંગણી હતી પરંતુ મનપા દ્વારા લેખિતમાં ખાતરી આપવામાં આવી નથી. મહાપાલિકાએ રાજ્ય સરકારમાં નોકરી માટે દરખાસ્ત કરવાની મૌખિક ખાતરી આપતા હાલ મૃતક કર્મચારીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો અને અંતિમક્રિયા કરી હતી.

આ પણ વાંચોઃ રેશનાલિસ્ટોની મહેનત ફળીઃ કાળી ચૌદશનો ડર છોડી અમદાવાદના સ્મશાનમાં 4000થી વધુ બહુજનો ઉમટી પડ્યાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.