રેશનાલિસ્ટોની મહેનત ફળીઃ કાળી ચૌદશનો ડર છોડી અમદાવાદના સ્મશાનમાં 4000થી વધુ બહુજનો ઉમટી પડ્યાં
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા સપ્તર્ષિ સ્મશાન ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી કાળી ચૌદશના દિવસે અંધશ્રદ્ધા દૂર કરવાના અનોખા કાર્યક્રમ યોજાતા રહે છે. ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ એસોસિયેશન આયોજિત આ કાર્યક્રમથી કાળી ચૌદશને લઈને લોકોમાં રહેલા વહેમ અને અંધશ્રદ્ધાને દૂર કરવામાં નોંધપાત્ર સફળતા મળી છે, પરિણામે આજે દર કાળી ચૌદશની રાત્રિના બાર વાગ્યા પછી જ્યાં પગ મૂકવાની પણ લોકો હિંમત નથી કરતા એવા સ્મશાનમાં લોકો પિકનિક મનાવતા હોય એવા દ્રશ્યો જોવા મળે છે.
હિન્દુ ધર્મમાં સ્ત્રીઓ તો અંતિમ સમયે જ સ્મશાનમાં જાય જ્યારે તે મૃત્યુ પામે પછી ભલે ને તેની એકદમ નજીકની વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો પણ સ્ત્રીને સ્મશાનમાં જઈ શકતી નથી. પરંતુ ગુજરાત મુંબઈ રેશનાલીસ્ટ એસોસિએશનના જાદુગર પીયૂષ, લંકેશ ચક્રવર્તી, સુનીલ ગુપ્તા, સુરેશ પરીખ, અરુણ પટેલ સાથે તેમની પૂરી ટીમ અને જાગૃત યુવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અંધશ્રદ્ધા દૂર કરવા માટે ચાલી રહેલ ઝુંબેશનું એ પરિણામ આવ્યું છે કે આજે સ્ત્રીઓ પણ સ્મશાનમાં મુક્ત મને વિચરી રહી છે.
અમદાવાદના રેશનાલિસ્ટ અરૂણ પટેલ કહે છે કે, "હું છેલ્લાં ઘણાં વર્ષોથી મારા પરિવાર સાથે કાળી ચૌદશની રાત્રે સપ્તર્ષિ સ્મશાન ગૃહ ખાતે આવું છું. મારી દીકરી નાની હતી ત્યારથી તે આ કાર્યક્રમમાં આવે છે. મૃતદેહને બાળવા માટેના સ્ટેન્ડ પર ચડીને તે ફોટાં પણ પડાવે છે. પહેલેથી જ તેને ભૂત-પ્રેત જેવી કાલ્પનિક વાતોનો ડર આ જ કારણે નથી લાગતો. સામાન્ય રીતે મહિલાઓ ભૂતપ્રેતની કાલ્પનિક વાતોથી સૌથી વધુ ડરતી હોય છે. પણ અહીં અમે જોયું છે કે મહિલાઓ પણ તૈયાર થઈને, લાલ કપડાં પહેલીને સ્મશાનમાં આવે છે. આવી અનેક મહિલાઓ છે જે વર્ષોથી અહીં આવે છે. હવે તેમને કાળી ચૌદશનો કે ભૂતપ્રેતનો ડર નથી લાગતો. આ રેશનલ વિચારધારાની જીત છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે લોકો ભૂતપ્રેત જેવી કપોળકલ્પિત માન્યતાઓથી ડરવાનું બંધ કરી દેશે. તેના કારણે અનેક ઢોંગી લોકોના ધંધા બંધ થઈ જવાના છે."
આ અહેવાલ સાથે આ કાળી ચૌદશની રાતની જમાલપુરના સ્મશાનની તસવીરો તમે જોઈ શકશો. અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓને કારણે કાળી ચૌદસની રાતે બાળકો તો શું પુખ્ત વયના લોકો પણ રાત્રે ઘરની બહાર નીકળતા ડરે છે ત્યારે હવે દર વર્ષે જમાલપુર સ્મશાન રાત્રે 12 વાગ્યા પછી એક પિકનિક પોઇન્ટની જેમ બની જાય છે. લોકો પોતાની ફેમિલી સાથે આવે છે અને મોજ મસ્તી કરે છે. કોઈ પણ જાતના ડર રાખ્યા વગર સેલ્ફી અને ફોટા પડાવતા જોવા મળે છે.
ગુજરાત મુંબઈ રેશનાલીસ્ટ એસોસિએશનના અગ્રણીઓ લોકોને વહેમ, અંધશ્રધ્ધા, ભુત-પ્રેતનો ડર દૂર કરવા માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગ કરી બતાવે છે. આ સિવાય લોકોને વિશ્વાસ અપાવે કે ભૂત-પ્રેત જેવું કશું હોતું જ નથી અને આ માત્ર એક માન્ચતા છે.
કાળી ચૌદશની રાત્રીએ થતા ખાદ્ય પદાર્થનો બગાડ અટકાવવા માટે અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિસભર કાર્યક્રમ યોજવામાં આવે છે. દર વર્ષે સપ્તર્ષિ સ્મશાન ખાતે કાળી ચૌદશની રાત્રીએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેના લીધે લોકોમાં જાગૃતિ આવે.
આગળ વાંચોઃ RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?