અમેરિકાના H1-B વિઝાની અરજીઓમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો

અમેરિકાએ તાજેતરમાં જ તેના H1-B વિઝા મેળવવાની પ્રક્રિયામાં કેટલાક સુધારા કર્યા છે. જેના કારણે તેની અરજીઓમાં સીધો 40 ટકાનો ઘટાડો નોંધાયો છે.

અમેરિકાના H1-B વિઝાની અરજીઓમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો

અમેરિકાના એચ-૧બી વિઝા માટે ગુજરાત સહિત ભારતભરમાં હંમેશા જોરદાર ડિમાન્ડ રહે છે અને કંપનીઓ આ વિઝા મેળવવા માટે જાત જાતના હથકંડા અપનાવે છે. જો કે, અમેરિકાએ તાજેતરમાં એવા કેટલાક સુધારા કર્યા છે જેના કારણે H1-B વિઝાની અરજીઓમાં સીધો ૪૦ ટકાનો ઘટાડો થયો છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસે તાજેતરમાં જાહેરાત કરી છે કે H1-B વિઝા માટે લોટરી એપ્લિકેશનમાં ઘટાડો થયો છે. કેટલાક લોકો લોટરી સિસ્ટમમાં ફાયદો ઉઠાવવા માટે એકથી વધારે અરજીઓ કરતા હોય છે. તેને રોકવાના પગલાં લેવાતા અરજીઓની સંખ્યા તરત ઘટી ગઈ છે.

USCIS એ જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે H1-B વિઝા માટે ઘણા ઓછા પ્રયાસ કરવામાં આવ્યા છે. તેનું કારણ છે કે અમે લાભાર્થી કેન્દ્રિત સિલેક્શન પ્રોસેસ અપનાવી છે. કેટલાક લોકો ખોટી રીતે ફાયદો લેવા સિસ્ટમમાં ચેડાં કરતા હતા, પરંતુ તેમને દૂર કરવામાં આવ્યા છે. હવેથી કોઈ પણ આવી રીતે ખોટી અરજી કરશે તો તેની સામે પગલાં લેવાશે.

માર્ચના અંતમાં અમેરિકામાં H1-B વિઝા માટે લોટરી થઈ ત્યારે સરકારે ૪.૭૦ લાખથી વધારે અરજીઓ મળી હતી. ગયા વર્ષે સમાન ગાળામાં ૭.૬૦ લાખની આસપાસ અરજીઓ મળી હતી. એટલે કે એક જ વર્ષમાં અરજીઓની સંખ્યામાં ૪૦ ટકા ઘટાડો થયો છે. ઓવરઓલ વર્કર્સની સંખ્યા જોવામાં આવે તો તે લગભગ સરખી જ છે. ગયા વર્ષના ૪.૪૬ લાખની સરખામણીમાં આ વખતે આંકડો ૪.૪૨ લાખનો છે.

H1-B વિઝા પ્રોગ્રામ ૧૯૯૦ના દાયકામાં શરૂ કરવામાં આવ્યો હતો. તેનો હેતુ જે ફિલ્ડમાં લેબર શોર્ટેજ હોય તેમાં બેચલર્સ ડિગ્રી અથવા તેનાથી વધારે એજ્યુકેશન ધરાવતા વર્કર્સને અમેરિકા લાવવાનો હતો. ખાસ કરીને સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના ક્ષેત્રમાં સ્કીલ્ડ લોકોને અમેરિકા લાવવા માટે આ વિઝાનો ઉપયોગ થાય છે. અમેરિકન કંપનીઓને આ વિઝા પ્રોગ્રામથી ટેલેન્ટેડ લોકો મળી રહે છે. પરંતુ તેના ટીકાકારોનું કહેવું છે કે આના કારણે લોકોના પગાર ઘટે છે અને લેબરને પ્રોટેક્શન મળતું નથી. કંપનીઓ સસ્તા પગારમાં વિદેશી વર્કર્સને લાવવા માટે સ્થાનિક લોકોની છટણી કરે છે. ઈન્ફોસિસ, એમેઝોન, માઈક્રોસોફ્ટ, એપલ, મેટા, ગૂગલ જેવી ટોચની ટેક્નોલોજી કંપનીઓ H1-B વિઝા પર સૌથી વધુ લોકોને હાયર કરે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન ફી માત્ર ૧૦ ડોલર રાખવામાં આવી હતી, આ ઉપરાંત ફિજિકલ પેપરવર્ક સબમિટ કરવાની પણ જરૂરિયાત નથી રહી. તેના કારણે તેનો ઘણો દુરુપયોગ થવા લાગ્યો હતો. USCIS પાસે એવા કિસ્સા પણ આવ્યા છે જેમાં એક વ્યક્તિએ એક જ વર્ષમાં ૮૩ જોબ ઓફર માટે અરજી સબમિટ કરી હતી. નવા રૂલ વ્યવસ્થિત છે અને તેમાં દરેકને સરખો ચાન્સ મળશે ભલે પછી તેની પાસે ગમે તેટલી જોબ ઓફર હોય.

2022માં મંજૂર કરાયેલી 72 ટકા અરજીઓ ભારતની હતી

એ તો સૌ જાણે છે કે, વિકાસના મસમોટા દાવાઓ વચ્ચે પણ ભારતે કાયમ H1-B વિઝાની સંખ્યા વધારવા માટે માંગણી કરી છે. કારણ કે આ વિઝાનો લાભ લેવામાં ભારતીયો હંમેશાથી આગળ રહ્યા છે. કેટલાક કડવા અનુભવો પછી અમેરિકન ઓથોરિટીને સમજાયું કે આ સિસ્ટમમાં કેટલીક ખામી છે જેનો અમુક કંપનીઓ ઘણો દુરુપયોગ કરે છે. USCIS ના આંકડા પ્રમાણે ૨૦૨૨માં ૪.૪૧ લાખ H1-B વિઝા એપ્લિકેશન મંજૂર કરવામાં આવી હતી જેમાંથી ૭૨ ટકા કરતા વધારે અરજીઓ ભારતની હતી. ત્યાર પછી ચીનની ૧૨.૫ ટકા અરજીઓ મંજૂર થઈ હતી કેનેડા ત્રીજા નંબર પર હતું અને તેની માત્ર એક ટકા અરજીઓને એપ્રૂવ કરવામાં આવી હતી.

કથિત સવર્ણોની અમેરિકા જવાની ઘેલછા

ભારતમાં જાતિવાદ અને આભડછેટને પ્રોત્સાહન આપતા કથિત સવર્ણોની બેવડી નીતિને અમેરિકાના વિઝાની બાબતમાં સ્પષ્ટ રીતે સમજી શકાય છે. આ એ લોકો છે, જેઓ અમેરિકામાં રહીને ભારતના વિકાસ અને સંસ્કૃતિના વખાણ કરવાથી થાકતા નથી. વર્તમાન સરકારની જાતિવાદી નીતિઓ, મુસ્લિમદ્વેષ, બેરોજગારીનો વધતો જતો દર, મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ છતાં તેઓ તેના વખાણ કરે છે. એકબાજુ તેઓ ભારતની સંસ્કૃતિ અને સનાતન ધર્મના રીતિરિવાજોના પાલનનુ ગર્વ લઈ પશ્ચિમી સંસ્કૃતિને ભાંડે છે, બીજી તરફ તેમના દીકરા-દીકરીઓને અમેરિકામાં સ્થાયી કરવા માટે વલખાં મારતા રહે છે. તેના માટે તેઓ ગમે તેવા ગેરકાયદે રસ્તાને અપનાવતા પણ ખચકાતા નથી. દર વર્ષે ગુજરાતમાંથી કોઈને કોઈ પરિવાર ગેરકાયદે અમેરિકામાં ઘૂસતી વખતે મોતને ભેટ્યાંના સમાચાર આવતા રહે છે અને તેમાં એકેય દલિત, આદિવાસી કે ઓબીસી નથી હોતો.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના વિઝાની લાલચ આપી 26 દલિતો સાથે રૂ. 65 લાખની ઠગાઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.