રોહિત વેમુલા દલિત નહોતો, માતાએ ખોટું જાતિ પ્રમાણપત્ર બનાવ્યું હતું
તેલંગાણા પોલીસે ગઈકાલે ચકચારી રોહિત વેમુલા કેસમાં ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો જેમાં મૂકવામાં આવેલી બાબતોએ સૌ કોઈને ચોંકાવી દીધાં છે.
તેલંગાણામાં હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલા(Rohit Vemula)ની આત્મહત્યા મામલે પોલીસે પોતાની તપાસ બંધ કરી દીધી છે. પોલીસ આજે તેલંગાણા હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસે અહેવાલ આપ્યો છે કે રોહિત અનુસૂચિત જાતિ (SC)નો નથી અને એવું માનવામાં આવે છે કે તેણે તેની અસલી જાતિ જાહેર થવાના ડરથી આત્મહત્યા કરી છે. રિપોર્ટ અનુસાર, રોહિતના પરિવારનું જાતિ પ્રમાણપત્ર પણ કોઈ પુરાવા વગર બનાવવામાં આવ્યું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત વેમુલાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, અને તેના મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી પોલીસે રિપોર્ટમાં કહ્યું છે કે રોહિત જાણતો હતો કે તે દલિત નથી. તેને પોતાની ડિગ્રી અને કાનૂની કાર્યવાહીનો ડર હતો, રિપોર્ટ અનુસાર, રોહિત ઘણી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો, તે સાંસારિક જીવનથી પણ ખુશ નહોતો. તેમણે તેનો મોટાભાગનો સમય રાજકીય પ્રવૃત્તિઓમાં ફાળવ્યો હતો.
સ્મૃતિ ઈરાની સહિતના ભાજપ નેતાઓને ક્લિન ચીટ
તેલંગાણા પોલીસે ગઈકાલે રોહિત વેમુલા(Rohit Vemula) આત્મહત્યા કેસમાં એક ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. રિપોર્ટમાં તત્કાલિન સિકંદરાબાદના સાંસદ બંડારુ દત્તાત્રેય, વિધાન પરિષદના સભ્ય એન. રામચંદર રાવ, કુલપતિ અપ્પા રાવ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)ના નેતાઓ અને મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સહિત તમામ આરોપીઓને ક્લિનચીટ આપી દીધી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રોહિત વેમુલાએ આત્મહત્યા કરી કેમ કે તે અનેક કારણોસર ટેન્શનમાં હતો. કેમ્પસમાં તેની રાજકીય વ્યસ્તતાઓને કારણે શૈક્ષણિક મોરચે તેનું ખરાબ પ્રદર્શન પણ એક કારણ હતું. એ સિવાય, તેની માતા દ્વારા તેના માટે નકલી અનુસૂચિત જાતિ(SC)ના પ્રમાણપત્રની વ્યવસ્થા કરવામાં આવી હતી તે પણ તણાવનું એક કારણ હતું.
રોહિત અનેક બાબતોને લઈને તણાવમાં હતો
પોલીસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો મૃતકનો અભ્યાસ જોવામાં આવે તો એવું લાગે છે કે તે તે અભ્યાસને બદલે કેમ્પસમાં વિદ્યાર્થીઓના રાજકીય મુદ્દાઓમાં વધુ સામેલ હતો. તેણે પોતાનું પહેલું પીએચડી બે વર્ષ સુધી કર્યા બાદ બંધ કરી દીધું હતું અને અન્ય પીએચડી કરવા લાગ્યો હતો, જેમાં બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓના કારણે વધુ પ્રગતિ થઈ નહોતી.
રિપોર્ટ અનુસાર, રોહિત એ હકીકતથી વાકેફ હતો કે, તેની માતાએ તેના માટે એસસી(SC) પ્રમાણપત્રની વ્યવસ્થા કરી હતી અને તેને ચિંતા હતી કે જો તેના સાથીઓને તેની જાણ થશે તો તેની પ્રતિષ્ઠાને નુકસાન થશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ સિવાય મૃતકને પોતાને ખબર હતી કે તે અનુસૂચિત જાતિમાંથી નથી અને તેની માતાએ તેને એસસી સર્ટિફિકેટ અપાવ્યું હતું. આ સતત ભય પૈકીનું એક કારણ હોઈ શકે છે કેમ કે, આ ઉજાગર થવાથી તેણે વર્ષોની મહેનત બાદ મેળવેલી પોતાની શૈક્ષણિક ડિગ્રીઓથી હાથ ધોઈ નાખવા પડશે અને કેસનો સામનો કરવા માટે મજબૂર થવું પડશે. આ રીતે, મૃતક રોહિત વેમુલાને અનેક મુદ્દાઓ પરેશાન કરી રહ્યા હતા જે તેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરી શકતા હતા. સર્વશ્રેષ્ઠ પ્રયત્નો છતાં એ સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી મળ્યાં કે આરોપીઓના કામોએ રોહિત વેમુલાને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યો હતો.
આ પણ વાંચો: ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો
લોકસભા ચૂંટણીના સમયે રિપોર્ટ આવ્યો
ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટ તેલંગાણામાં 13 મેના રોજ લોકસભા ચૂંટણીના મતદાનના બરાબર 10 દિવસ પહેલા આવ્યો છે. 17 જાન્યુઆરી 2016ના રોજ હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં 26 વર્ષીય રોહિત વેમુલાએ પોતાની હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. તેની પાછળનું કારણ એવું ગણાવવામાં આવ્યું હતું કે, રોહિત અને ચાર અન્ય દલિત વિદ્યાર્થીઓને યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા શિસ્તભંગના પગલાંનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો અને રાષ્ટ્રીય વિવાદ જગાવ્યો હતો. જેમાં અનેક લોકોએ જાતિગત ભેદભાવ અને યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા સતામણીનો આક્ષેપ કર્યો હતો. 17 જાન્યુઆરી 2016ના રોજ વેમુલાએ હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. તેના મોતથી સમગ્ર દેશના દલિત, આદિવાસી અને લઘુમતી સમાજમાં વિરોધ અને આક્રોશ જોવા મળ્યો હતો. આ કેસમાં ભાજપના નેતા બંડારૂ દત્તાત્રેય, વિધાન પરિષદના સભ્ય એન. રામચંદર રાવ, હૈદરાબાદ યુનિવર્સિટીના કુલપતિ અપ્પા રાવ અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અહીં એ પણ યાદ રાખવું રહ્યું કે, વર્ષ 2016માં કોંગ્રેસે જસ્ટિસ ફોર વેમુલા અભિયાન શરૂ કર્યું હતું અને હાલ તેલંગાણામાં કોંગ્રેસની જ સરકાર છે ત્યારે આ પ્રકારનો ચૂકાદો આવ્યો છે.
દલિતોનો બૌદ્ધિકો વર્ગ શું માને છે?
જો કે, દલિત સમાજના લોકો હજુ પણ આ ચૂકાદાને સ્વીકારવા તૈયાર નથી. બૌદ્ધિકોનો એક વર્ગ એવું સ્પષ્ટપણે માને છે કે, રોહિત વેમુલાના કેસમાં મોટા માથાઓ સંડોવાયેલા હોવાથી સમગ્ર કેસને જુદી દિશામાં વાળી દેવાનો આ પ્રયાસ છે. ખાસ કરીને કેન્દ્રીય સત્તાધારી ભાજપના નેતાઓના નામ સંકળાયેલા હોવાથી પોલીસે અન્ય મોટા કેસોમાં કરે છે તેમ રોહિતના કેસમાં પણ ફરિયાદીને જ આરોપી બનાવીને આખા મામલાનો વીંટો વાળી દેવા માંગે છે.
આ પણ વાંચો: ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Maheshbhai Ramabhai Makwanaલોકસભાની ચુંટણી સમયે જ ભાજપના પક્ષમાં ચુકાદો કેમ આવ્યો??? આ એક જાણી જોઈને કરવામાં આવેલું ષડયંત્ર છે, ભાજપ એની સત્તા ના જોરે એના પક્ષમાં ચુકાદો આપ્યો છે.