દલિત મહિલાને થાંભલા સાથે બાંધી જીવતી સળગાવી દેવાનો પ્રયાસ

દલિત મહિલાના બાળકોને ક્રિકેટ રમવા મુદ્દે ઝઘડો થતા માથાભારે તત્વોએ મહિલાને વીજળીના થાંભલા સાથે બાંધી જીવતી સળગાવી દેવા પ્રયત્ન કર્યો.

દલિત મહિલાને થાંભલા સાથે બાંધી જીવતી સળગાવી દેવાનો પ્રયાસ
all image credit - Google images

દલિત-બહુજન સમાજ પર અત્યાચારની કોઈપણ ઘટનાના મીડિયા કવરેજમાં તમે એક વાત ચોક્કસ નોંધી હશે કે તેમાં આરોપી જ્યારે કથિત સવર્ણ જાતિનો હશે ત્યારે તેની અટક સાથેનું આખું નામ ભાગ્યે જ લખવામાં આવશે. તેની સામે પીડિત દલિત-બહુજન સમાજનો વ્યક્તિ હશે તો પણ તેનું, તેના પિતાનું, તેની અટક, ગામનું નામ, વ્યવસાય સુદ્ધાં લખશે. ભારતના સવર્ણ તરફી જાતિવાદી મીડિયાની આ લુચ્ચાઈ સામે લડવા માટે જરૂરી છે કે દલિત-બહુજન સમાજનું પોતાનું મજબૂત મીડિયા હોય. તો જ આપણા સમાચાર, આપણાં સમાજ સુધી યોગ્ય રીતે પહોંચશે. ખબરઅંતર.કોમ બહુજન સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યું છે, તમે ચાહો તો આ મિશનને વધુ મજબૂતી પ્રદાન કરી શકો છો. ભારે મહેનતથી તૈયાર થતા ખબરઅંતર.કોમના સમાચારોને છેવાડાના દલિત-બહુજન સમાજ સુધી પહોંચાડો, અમારી વોટ્સએપ ચેનલ અને ફેસબૂક પેજને ફોલો કરો અને અન્ય લોકોમાં શેર કરશો, વધુને વધુ ગ્રુપમાં તેને મૂકશો તો મહત્તમ લોકો સુધી આપણી વાત પહોંચી શકશે. આટલી પ્રસ્તાવના પછી મૂળ વાત પર આવીએ.

આ સ્ટોરીની શરૂઆતમાં જે બાબતનો ઉલ્લેખ કર્યો છે તેવું જ આ ઘટનામાં બન્યું છે. મામલો જાતિવાદ અને દલિત અત્યાચારનો હોવાથી અનેક પ્રયત્નો પછી પણ આરોપીઓ કોણ છે, કઈ જાતિના છે તે અમે શોધ્યું છતાં મળી શક્યું નથી. તેની સામે પીડિતા અને તેના પરિવારની વિગતો મળી આવે છે. આ છે સવર્ણ મીડિયાની ચાલાકી.

દલિત મહિલાને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ

મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં કૌશાંબી જિલ્લાના મંઝનપુર વિસ્તારમાં એક દલિત મહિલાને થાંભલા સાથે બાંધીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે કેટલાક યુવકોએ મળીને મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેની બૂમો સાંભળીને ગામ લોકો એકઠા થઈ જતા આરોપીઓ મહિલાને થાંભલા સાથે બાંધેલી હાલતમાં જ મૂકીને ભાગી ગયા હતા. પીડિતાના ચહેરા, હાથ, પગ અને શરીરના અન્ય ભાગો પર ઈજાના નિશાન છે. આ મામલે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપી છે.

દલિત અત્યાચારના કેસમાં ક્રોસ ફરિયાદની ચાલાકી

વધુ એક વાત નોંધ કરવા જેવી છે કે મોટાભાગના દલિત અત્યાચારના કેસમાં જાતિવાદી માથાભારે તત્વો દલિત પરિવારને માર માર્યા પછી પણ તેની સામે ક્રોસ ફરિયાદ નોંધાવે છે અને પોલીસ નોંધી પણ લે છે. જ્યારે દલિત પરિવાર એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવા માટે જાય તો પણ તેની ફરિયાદ લેવાતી નથી. આ કેસમાં પણ આવું થયું છે. પોલીસનું કહેવું છે કે બંને પક્ષોની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મારા માટે સાહિત્ય દલિતોને દમનમાંથી મુક્તિ અપાવવાનું હથિયાર છે

મામલો ઉત્તરપ્રદેશના કૌશાંબી જિલ્લાના મુખ્ય મથક મંઝનપુર પાસેના હાજીપુર પતૌના ગામનો છે. અહીં ઉર્મિલા સોનકર નામની દલિત મહિલા પોતાના બાળકો સાથે રહે છે. તેના પતિ જ્ઞાનચંદ સોનકર લુધિયાણામાં એક લોખંડની ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરે છે. જ્યારે ઉર્મિલા અહીં પોતાના બાળકો સાથે ગામમાં રહીને તેમને ઉછેરીને ભણાવી રહી છે.

ઘટના શું હતી?

ગત શનિવારે ઉર્મિલાના બાળકો ગામના અન્ય બાળકો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. એ દરમિયાન તેની પાડોશમાં રહેતા એક છોકરા સાથે તેમનો ઝઘડો થયો હતો. પરંતુ હાજર લોકોએ તેમાં દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. એ પછી રાત્રે આ યુવાનોએ ઉર્મિલાના ઘર પર હુમલો કરી દીધો હતો. તેને થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. તેમનો ઈદારો ઉર્મિલાને જીવતી સળગાવી દેવાનો હતો, તેના માટે તેમણે તેના પર જ્વલનશીલ પ્રવાહી પણ રેડી દીધું હતું પણ એ દરમિયાન ઉર્મિલાએ રાડારાડી કરી મૂકતા ગામના અન્ય લોકો દોડી આવ્યા હતા, જેથી આરોપીઓ તેને થાંભલા સાથે બાંધેલી હાલતમાં જ છોડીને ભાગી ગયા હતા. આ મામલે ઉર્મિલા સોનકરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ટોળું ધોકા-લાકડીઓ લઈ ઘરમાં ઘૂસી ગયું

મીડિયા સાથેની વાતચીતમાં ઉર્મિલાએ જણાવ્યું હતું કે, "મારા બાળકો સાથે ક્રિકેટને લઈને પડોશના છોકરાઓએ ઝઘડો કર્યો હતો, પણ અમે વિવાદ ઉકેલી નાખ્યો હતો. મેં મારા બાળકોને બકરી ચરાવવા મોકલી દીધા હતા. વિવાદ પૂરો થયા પછી રાત્રે 10 વાગ્યા આસપાસ તે બાળકોને ખાવાનું આપીને સૂવા જઈ રહી હતી. એ દરમિયાન આરોપી ગામના અડધો ડઝન યુવકો સાથે લાકડીઓ સાથે મારા ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેમની પાસે લાકડીઓ અને દંડા હતા. તેમણે સીધા જ અમને મારવાનું શરૂ કરી દીધું. તેઓ મને જીવતી સળગાવી દેવા માંગતા હતા પણ મેં રાડો પાડી એટલે ગામલોકો દોડી આવ્યા અને તેઓ ભાગી ગયા."

આ પણ વાંચો: દલિત યુવકને નગ્ન કરીને માર માર્યો, આઘાતમાં યુવકની આત્મહત્યા

આરોપ છે કે જ્યારે ઉર્મિલા સોનકર બાળકોને બચાવવા માટે બહાર દોડી આવી ત્યારે આરોપી યુવકે તેને પકડીને લાકડી વડે માર માર્યો અને વીજળીના થાંભલા સાથે બાંધી દીધી. હુમલાખોર યુવકે એ પછી ઉર્મિલા પર જ્વલનશીલ તેલ રેડ્યું હતું. તેનો ઈરાદો તેને જીવતી સળગાવી દેવાનો હતો. પણ ઉર્મિલાએ ચીસો પાડતા તેનો અવાજ સાંભળીને ગામલોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ગામલોકોને પોતાની તરફ આવતા જોઈને હુમલાખોરો ઉર્મિલાને બાંધેલી હાલતમાં જ મૂકીને ભાગી ગયા હતા. ગામલોકોએ ઉર્મિલાને મદદ કરી હતી. તેને થાંભલાથી છોડાવતા તે પોલીસ સ્ટેશને પહોંચી હતી.

પોલીસે જુદી જ વાત કરી

મોટાભાગના દલિત અત્યાચારોમાં એક પેટર્ન બની ગઈ છે કે, જેમાં આરોપીઓ દલિત પરિવાર પર અત્યાચાર કર્યા પછી ક્રોસ ફરિયાદ નોંધાવે અને પોલીસ તેને સ્વીકારી લે. એ પછી પીડિત દલિત પરિવારની ફરિયાદને નબળી પાડવા શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવે. છેલ્લે થાય એવું કે પીડિત પરિવાર કોર્ટ કચેરીના ધક્કાથી થાકી-હારીને ન્યાય મેળવવાની જીદ છોડીને સમાધાન કરવા મજબૂર થઈ જાય. આ કેસમાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંતોષ શર્માએ જણાવ્યું હતું કે, પાણીને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો અને આખો મામલો બે મહિલાઓ વચ્ચેની લડાઈનો છે. બંને પક્ષોને ઈજાઓ થઈ છે અને તેમની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લીધી છે અને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: દલિત મહિલાએ બળાત્કારીનો સામનો કર્યો તો જાતિવાદી તેના મોં પર થૂંક્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Jeshingbhai
    Jeshingbhai
    ખબરઅંતર. કોમ જે ખબર આપે. છે એ ખૂબ જ મહેનત અને સાહસ સામાજિક ઉત્થાન અને સમાજસેવાનું અને સામાજિક ઉત્તરદાયિત્વનું કામ છે. અભિનંદન.
    10 months ago