મારા માટે સાહિત્ય દલિતોને દમનમાંથી મુક્તિ અપાવવાનું હથિયાર છે

કપિલ ક્રિષ્ના ઠાકુરના લેખન અને બિનનિવાસી દલિત તરીકેના જીવનના અનુભવથી એમનું લેખન કેવી રીતે પ્રભાવિત છે એ અંગે લેખક પ્રસૂન ચૌધરીનો એમની સાથેનો વાર્તાલાપ.

મારા માટે સાહિત્ય દલિતોને દમનમાંથી મુક્તિ અપાવવાનું હથિયાર છે
image credit - Google images

આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે ‘નાગરિકતા સુધારા કાયદો’ (CAA)ના નિયમો જાહેર કર્યા તે વખતે બંગાળી લેખક-કર્મશીલ કપિલ ક્રિષ્ના ઠાકુર અગરતાલામાં સાહિત્ય સંમેલનમાં ભાગ લઈ રહ્યા હતા. એ યાદ કરતા તેઓ કહે છે કે એમના ફોન પર ઈમરજન્સીમાં કરાયેલ કૉલ સતત આવતા હતા, “મોટા ભાગના દલિતો હતા જે વિભાજન પછી પૂર્વ પાકિસ્તાનથી સ્થળાંતરિત થયા હતા અને એમની નાગરિકતાના ભાવિ અંગે અત્યંત મૂંઝવણમાં હતાં.”

નાગરિકતાની જટિલ સમસ્યા અંગેનો ઠાકુરનો ડર સાચો ઠર્યો છે અથવા સાચો ઠરેલો દેખાઈ રહ્યો છે. એ કહે છે, “૨૦૦૩માં એન.ડી.એ. સરકાર ‘નાગરિકતા સુધારા બિલ’ લાવી ત્યારથી શરૂઆત થયેલી. ધારાસભ્યોને એની વિસ્તૃત અસરો અંગે સમજાવવામાં નિષ્ફળ રહ્યાં અને  કોઈ પણ અડચણ વગર બિલ પસાર થઈ ગયું.” આ “કાળા કાનૂન” વિરુદ્ધ ઠાકુરે અમુક સાથી કર્મશીલો સાથે મળીને મજબૂત વિરોધ નોંધાવ્યો. એમને અણસાર આવી ગયો હતો કે વિભાજનના લાખો પીડિતોને “ગેરકાનૂની બિનનિવાસી” જાહેર કરી દેવામાં આવશે.

પાંચ દાયકા ઉપરના સમયથી લેખક તરીકે ઠાકુર પછાત લોકોના જીવનની, ખાસ કરીને આઝાદી વખતે અને ત્યારબાદ પોતાના ઘરબાર છોડવાની ફરજ પડી હતી તેવાની ત્વારીખ નોંધતા આવ્યા છે. એમણે કાવ્યો, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, નિબંધો લખ્યાં છે અને વિવિધ લઘુ સામયિકો પણ ચલાવ્યાં છે. ૧૯૮૦ના દાયકાની મધ્યમાં પાંગરેલી બંગાળી દલિત સાહિત્યિક ચળવળના અગ્રેસર એવા ઠાકુર કહે છે, “મારા માટે ઉચ્ચ જ્ઞાતિઓના દમનથી દલિતોને મુકિત અપાવવાનું હથિયાર સાહિત્ય છે.”

ઘણા નિષ્ફળ પ્રયત્નો બાદ હું ઠાકુર સાથે સેલ્દાહથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલા બામગાચીમાં મુલાકાત કરી શક્યો. ‘નાગરિકતા સુધારા કાયદો’ના જાહેરનામાને કારણે એમની દિનચર્યામાં ભારે ઉત્પાત મચી ગયેલો છે. નાગરિકતા ગુમાવવાના ભયથી પીડાતા વધુ અને વધુ લોકોને એમણે મળવા અને સાંભળવા પડે  છે. 

ઠાકુરના વાંચનખંડમાંથી લીલીછમ કો-ઑપરૅટીવ સોસાયટીના સુંદર ઘર નજરે પડે છે. મોડી બપોર છે અને સૂરજના સોનેરી અજવાસથી પુસ્તકો અને મૅગૅઝીનો, ટ્રોફીઓ અને સર્ટીફિકૅટો ભરેલો ખંડ પ્રકાશિત છે. એમનો દીકરો ખંડમાં પ્રવેશીને ઑડિયો રૅકૉર્ડિંગ ફોન ઍપ ચાલુ કરી આપે છે. સવારથી હું બીજો પત્રકાર એમને મળવા આવેલો છું. ઠાકુર સમજાવે છે, “નવા કાયદાની સુક્ષ્મતાઓ ખાસ્સી જટિલ છે. લોકોમાં મૂંઝવણ પેદા કરવાનો અને ડર ઊભો કરવાનો આશય છે.”

ઠાકુરનો જન્મ ૧૯૫૬માં પૂર્વ પાકિસ્તાનના ફરિદપુર જીલ્લાના સાતપાર ગામમાં થયો હતો. એમના જન્મના પાંચ મહિના બાદ એમના માતાપિતાને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને બર્દવાનના કન્સકા ટ્રાન્ઝીટ કૅમ્પમાં આશરો લેવાની ફરજ પડી હતી. થોડા સમય બાદ એમના મોટા ભાઈ અને માતા મૃત્યુ પામ્યા. દારુણ ગરીબીમાં એ ઉછર્યા. બાળપણમાં એ વિચરતા રહ્યાં, ઘર બદલતા, શાળા બદલતા, કોઈક વખત સરહદની આ તરફ તો કોઈ વખત સરહદની પેલી તરફ જીવતા રહ્યા—એ દિવસોમાં વચ્ચે કાંટાળી વાડ નહોતી.

ઠાકુરના સાહિત્યિક સર્જનોમાં દલિત બિનનિવાસી તરીકેની કસોટીઓ અને વિપત્તિઓની સ્મૃતિની ઊંડી છાપ છે. “જિંદગીના મારા અનુભવો અને મારી આસપાસના લોકોની યાતનાઓ મારા સાહિત્યને ઈંધણ પૂરું પાડે છે,” ઠાકુર કહે છે. એમની નવલકથા ‘ઉજાનતલીર ઉપકથા’માં પારંપારિક રીતે ખેત મજૂરો, નાવીકો અને માછીમારો તરીકે કામ કરતા નામશુદ્રોની કથાનું આલેખન છે. “નવલકથાના બધાં પાત્રો વાસ્તવિક જીવનમાંથી  લીધેલા છે; ઘણા કિસ્સામાં અસલ નામ પણ જાળવેલા છે,” ઠાકુર જણાવે છે. 

પૂર્વ બંગાળના, જેનો મોટો હિસ્સો હવે બાંગ્લાદેશમાં છે, નદીના પરિવેશની જીવંત છબીઓથી એમનું લેખન ભરપૂર છે. ઠાકુર કહે છે, “નવલકથાનું બીજ મારી ટૂંકી વાર્તા ‘મધુમતિ ઑનૅક દૂર’માં મળે છે. વિભાજન પછી નાયક એના જન્મસ્થળની મુલાકાત લે છે ત્યારે મધુમતિ નદીના કિનારે એક નૌકા ઘાટ પર વાર્તાની શરૂઆત અને અંત થાય છે.

પ્રક્ષોભકારી બાળપણ હોવા છતાં ઠાકુરે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં અનુસ્નાતકની પદવી મેળવી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની કલકત્તા ઑફિસમાં સિક્કા અને નોટના પરિક્ષક તરીકે નોકરીમાં જોડાયા. તે દરમ્યાન સંયુક્ત ધોરણે દલિત લેખકોને તૈયાર કરવા અમુક લઘુ સામયિકો શરૂ કર્યા જેમાં ‘નિખિલ ભારત’ અને ‘ચતુર્થ દુનિયા’નો સમાવેશ થાય છે. સાહિત્યિક પ્રવૃત્તિઓની સાથોસાથ એમણે ભારતભરમાં દલિત શરણાર્થીઓની મદદ કરવા સામાજીક કર્મશીલતા ચાલુ રાખી.

ઠાકુરની કર્મશીલતા ડાબેરી છે. “મારા કૉલૅજકાળ દરમ્યાન હું વિદ્યાર્થીઓની ડાબેરી ચળવળમાં જોડાયો. દલિત રાજકારણના પ્રતિક એવા જોગેન્દ્રનાથ માંડલથી પ્રેરિત થઈ હું રાજકારણ તરફ આકર્ષાયો.” ડાબેરી પક્ષોના ટેકા સાથે રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયાના ઉમેદવાર તરીકે માંડલના રાજકીય અભિયાન દરમ્યાન એમની સાથે જોડાયાની સ્મૃતિ વાગોળતા ઠાકુર જણાવે છે. તે વખતે ઠાકુર શાળામાં અભ્યાસ કરતા હતા.

૨૦૦૩ના નાગરિકતા બિલને કારણે ઠાકુર સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા. એ કહે છે, “ જન જાગૃતિ ઊભી કરવા મેં મકુઆ પંથના બોરોમા બિનાપાની દેવી સહિતના આગેવાનોને સાંકળ્યા. આ બિલની જોખમી યોજના અંગે ઘણા ડાબેરી મોરચાના આગેવાનોને સંવેદનશીલ બનાવ્યા.” દાયકાઓથી ઠાકુરનગરના મતુઆ મહાસંઘ સાથે ઠાકુર ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. એમનું પુસ્તક ‘મતુઆ આંદોલન ઓ બાંગ્લાર અનુનતા સમાજ’ પંથના આગેવાનો તથા અનુયાયીઓ દ્વારા આદરથી જોવાય છે. 

૨૦૧૬માં નાગરિકતા સુધારા મુદ્દાને રાજકીય ઝુંબેશમાં પરિવર્તિત કરવા માટેના એમના પ્રયાસને સશક્ત કરવા ઠાકુર ગાયઘાટ વિધાનસભા બેઠક પરથી સી.પી.આઈના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા. ઠાકુર જીત્યા નહીં પરંતુ એમના રાજકીય વિરોધીઓ દ્વારા નાગરિકતાના મુદ્દાઓ વિશે ગેરમાર્ગે દોરવાવવાના જોખમો અંગે એમના સંદેશનો પ્રસાર કરી શક્યા.

અત્યારે નાગરિક્તા સુધારા કાયદાથી લોકોમાં વ્યગ્રતા અને અનિશ્ચિત્તા ઉત્તેજીત થઈ રહ્યા હોવાથી ઠાકુરની કર્મશીલતા સક્રીય થઈ ગઈ છે. ૨૦૧૮માં એમણે ‘છિન્નોમૂલ’(મૂળરહિત) કાવ્ય લખ્યું હતું. એની અંતિમ પંક્તિઓ છે:
ઍકાદિન અમરાઓ છિન્નોમૂલ હોએ જાબો
બિસવાસ કૉરૉ, સૅકૉથા ભાભીની કૉખૉનૉ…
કોઈક દિવસ આપને બધાં મૂળરહિત થઈ જઈશું
વિશ્વાસ કરો, મેં વિચાર્યું નહોતું કે આવું શક્ય બનશે.”
(લેખક પ્રસૂન ચૌધરીનો આ લેખ ધ ટેલિગ્રાફ ઓનલાઈનમાં છપાયો હતો, જેનો રૂપાલી બર્ક દ્વારા ગુજરાતી અનુવાદ કરાયો છો.)

આગળ વાંચોઃ 'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.