'જય ભીમ' નો નારો ખરેખર કોણે આપ્યો હતો, બાબુ હરદાસે, મહાર સૈનિકોએ કે પછી બીજા કોઈએ?

આજે 6 જાન્યુઆરી એટલે બહુજન સમાજની ઓળખ બની ચૂકેલો ‘જય ભીમ’નો નારો આપનાર બાબુ હરદાસની 119મી જન્મજયંતિનો દિવસ. તેમણે આંબેડકરવાદીઓને 'જય ભીમ' નો નારો આપ્યો હોવાનું કહેવાય છે. જો કે કેટલાક અભ્યાસુઓ ‘જય ભીમ’ના નારાના ઉદ્ભવને લઈને ભિન્ન મતો પણ ધરાવે છે. શું છે તે ભિન્ન મતો તેના વિશે અહીં ચર્ચા કરીએ.

'જય ભીમ' નો નારો ખરેખર કોણે આપ્યો હતો, બાબુ હરદાસે, મહાર સૈનિકોએ કે પછી બીજા કોઈએ?

- હિદાયત પરમાર

જય ભીમ એ બહુજન સમાજની નવી ઓળખ છે જે દરેકને એકસૂત્રમાં પરોવે છે. પરંતુ શું તમે જાણો છો કે ‘જય ભીમ’નો આ નારો ક્યાંથી આવ્યો? જય ભીમ બોલનાર સૌ પ્રથમ કોણ હતું? અને જય ભીમનો આ નારો આજે બહુજન સમાજની ઓળખ કેવી રીતે બન્યો છે? બાબુ હરદાસજીની જન્મજયંતિ પર જાણીએ શા માટે ‘જય ભીમ’ ના નારાના જનક કહેવામાં આવે છે. સાથે જ આ મામલે પ્રવર્તતા બીજા મતો વિશે પણ ચર્ચા કરવી છે. પહેલા બાબુ હરદાસ વિશે જાણીએ.

બાબુ હરદાસ એ વ્યક્તિ છે જેઓ હરહંમેશ બાબા સાહેબ સાથે રહ્યા. 1921ના સામાજિક આંદોલનમાં પણ તેઓ બાબા સાહેબની સાથે હતા. બાબુ હરદાસ લક્ષ્મણ નાગરાલે બાબા સાહેબની સાથે આંદોલનોમાં સક્રિયપણે ભાગ લેતા હતા. એવું નહોતું કે બાબુ હરદાસ કોઈ આંદોલનમાં બાબા સાહેબનો સાથ આપતા. હકીકતમાં, બાબુ હરદાસે 1930માં નાસિક કાલારામ મંદિર સત્યાગ્રહ અને 1932માં પૂના કરાર દરમિયાન બાબાસાહેબ આંબેડકરની સાથે રહીને ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

બાબુ હરદાસના મનમાં જય ભીમ શબ્દો પહેલીવાર કોઈ મુસ્લિમ વ્યક્તિને જોઈને આવ્યા હતા. થયું એવું કે તેમણે એક મુસ્લિમ સમુદાયના કાર્યકરને બીજા મુસ્લિમ ભાઈને ‘અસ્સલામુ-‘અલૈકુમ'(આપ પર અમારો સલામ પહોંચે. મુલાકાત, છુટા પડતી વખતે કે પત્રાચાર વખતે અભિવાદન) કહેતા જોયો. જેના જવાબમાં બીજા મુસ્લિમ વ્યક્તિએ પણ 'વ’અલૈકુમ - અસ્સલામ’(તમે પણ સલામત રહો) કહીને જવાબ આપી રહ્યા હતા. આ જ ક્ષણે બાબુ હરદાસે વિચાર્યું કે આપણે પણ મુસ્લિમ ભાઈઓની જેમ એકબીજાનું અભિવાદન કરવું જોઈએ.

પછી તરત જ તેમના મનમાં એક વિચાર આવ્યો કે અભિવાદનમાં કહેવું શું જોઈએ? તેમના મનમાં અચાનક આવ્યું કે આપણે એકબીજાને ‘જય ભીમ’ કહીને અભિવાદન કરીએ તો કેવું રહે? આ પછી તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, હું તમને બધાને 'જય ભીમ' કહીશ અને તમે જવાબમાં 'બળ ભીમ' બોલજો. ત્યારથી આ અભિવાદન શરૂ થયું. પરંતુ હવે ફરી એક પ્રશ્ન આપ સૌનાં મનમાં ઉદ્દભવશે કે જો આપણે શુભેચ્છામાં ‘જય ભીમ’ બોલીએ તો જવાબમાં ‘જય ભીમ’ પણ બોલાય. પરંતુ એ વખતે જય ભીમના નારાના અભિવાદનમાં ‘બળ ભીમ’ કહેવાનું હતું અને તેની પાછળ પણ એક કારણ છે.

હકીકતમાં થયું એવું કે બહુજન સમુદાયમાં શરૂઆતમાં જય ભીમના સંબોધનમાં બળ ભીમ જ કહેવામાં આવતું હતું. પરંતુ સમયની સાથે સમાજના લોકોએ તેમાં ફેરફાર કર્યો અને તેઓને તેનો ખ્યાલ પણ ન રહ્યો. તેમણે બળ ભીમને બદલે જય ભીમ કહેવાનું શરૂ કર્યું, જેના કારણે ‘બળ ભીમ’ ધીમે ધીમે ઉપયોગમાંથી ગાયબ થઈ ગયો અને તેનું સ્થાન ‘જય ભીમે’ લીધું. ત્યારથી લઈને આજ સુધી 'જય ભીમ'થી અભિવાદન ચાલુ છે. જય ભીમનો નારો આજે પણ દેશના તમામ બહુજન સમુદાયને એક સૂત્રમાં બાંધી રાખવાનું કામ કરી રહ્યો છે. જય ભીમનો અર્થ થાય છે ભીમની જીત કે ડૉ. ભીમરાવ આંબેડકર જિંદાબાદ.

આ વિષય પર એક અન્ય અભિપ્રાય પણ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત એક ઈન્ટરવ્યૂમાં જેએનયુના પ્રોફેસર વિવેક કુમારના જણાવ્યા અનુસાર, ‘જય ભીમ’ શબ્દની ઉત્પત્તિ બાબા સાહેબના જન્મ પહેલા જ થઈ હતી. એટલે કે લગભગ 73 વર્ષ પહેલાં 1818માં. તેમનો ઇન્ટરવ્યૂ 18 એપ્રિલ, 2016ના રોજ પ્રકાશિત થયો હતો. જેએનયુના સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ સોશિયલ સિસ્ટમ્સ, સ્કૂલ ઑફ સોશિયલ સાયન્સના પ્રોફેસર વિવેક કુમારે જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી, 1818ના રોજ કોરેગાંવની લડાઈમાં જય ભીમનો નારો સૌથી પહેલા ઉચ્ચારવામાં આવ્યો હતો.

આ યુદ્ધ પેશવા અને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે થયું હતું. પ્રોફેસર વિવેક કુમારે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે યુદ્ધ દરમિયાન મહાર સૈનિકોએ (તત્કાલીન બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો ભાગ) ભીમા નદી પાર કરીને ‘જય ભીમ’ના નારા લગાવ્યા હતા. આ સૂત્રએ તેમને નીલ નદી પર વિજય મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા. હવે એ હકીકતથી તો સૌ વાકેફ છે કે, મહાર સેનાએ પેશવાઓને હરાવ્યા હતા. બાબા સાહેબ પણ દર વર્ષે પૂણેમાં આ સ્થાનની મુલાકાત લેતા હતા અને મહારો દ્વારા પ્રદર્શિત કરાયેલ અનુકરણીય બહાદુરીને પુષ્પાંજલિ અર્પણ કરતા હતા. પ્રો. વિવેકે વધુમાં કહ્યું છે કે 1936માં ઈન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી (ILP) ની સ્થાપના પછી જ્યારે બાબાસાહેબ મુંબઈની એક ચાલમાં તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા, ત્યારે તેમના એક સમર્થકે તેમને શુભેચ્છા પાઠવવા માટે ‘જય ભીમ’ના નારા લગાવ્યા, ત્યારબાદ આ નારો સતત આગળ વધતો ગયો. આજે ‘જય ભીમ’ ખૂબ જ લોકપ્રિય નારો બની ગયો છે. પરસ્પર અભિવાદન સિવાય, સામાજિક ન્યાય સંબંધિત મુદ્દાઓ પર ચાલતા તમામ આંદોલનોમાં તમે ચોક્કસપણે ‘જય ભીમ’ના નારા સાંભળશો.

(લેખક વ્યવસાયે કમ્યૂટર નિષ્ણાત હોવાની સાથે બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)

આ પણ વાંચો : બાબુ હરદાસના મનમાં ‘જય ભીમ’ શબ્દો એક મુસ્લિમ વ્યક્તિને જોઈને આવેલા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.