બોમ્બે વિધાન પરિષદમાં માત્ર બે જ દલિત સભ્યો હતાઃ એક ડો. આંબેડકર, બીજા ડો. પી.જી. સોલંકી

20મી સદીના બીજા દાયકામાં બોમ્બે ઇલાકા (Bombay Province) માં મજલુમોની મુક્તિ માટે બે સિપેહસાલાર સંઘર્ષ કરી રહ્યા હતા. એક હતા દક્ષિણ ગુજરાતમાં માહ્યાવંશી તરીકે ઓળખાતા ડૉ. પુરુષોત્તમરાય ગોવિંદભાઇ સોલંકી અને બીજા મહારાષ્ટ્રના મહારવંશી ડો. બાબાસાહેબ આંબેડકર. આજે જેમની જન્મજયંતિ છે તેવા ડો. પી.જી. સોલંકી વિશે વાત કરીએ.

બોમ્બે વિધાન પરિષદમાં માત્ર બે જ દલિત સભ્યો હતાઃ એક ડો. આંબેડકર, બીજા ડો. પી.જી. સોલંકી

20મી સદીના બીજા દાયકામાં બોમ્બે ઇલાકા (Bombay Province) માં મજલુમોની મુક્તિ માટે બે સિપેહસાલાર સંઘર્ષ કરી રહ્યા હતા. એક હતા દક્ષિણ ગુજરાતમાં માહ્યાવંશી તરીકે ઓળખાતા ડૉ. પુરુષોત્તમરાય ગોવિંદભાઇ સોલંકી અને બીજા મહારાષ્ટ્રના મહારવંશી ડો. બાબાસાહેબ આંબેડકર. આજે જેમની જન્મજયંતિ છે તેવા ડો. પી.જી. સોલંકી વિશે વાત કરીએ.

ડૉ. પી. જી. સોલંકીનો જન્મ સુરતના માહ્યાવંશી વણકર આગેવાન ગોવિંદભાઇને ત્યાં 10-12-1876 ના રોજ થયેલો. પિતા પશુ ડોકટર હતા અને મુંબઇના ઠાકુર દ્વાર વિસ્તારમાં પોતાના બે માળના મકાનમાં રહેતા હતા. 1883-1886 દરમિયાન પ્રાથમિક શિક્ષણ તેમણે ધોબી તળાવ બોમ્બેની માસ્તર જમનાદાસ એન્ડ કાવસજી પારસી સ્કૂલમાં લીધું અને 1886થી ખેતવાડી વિલ્સન સ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ લેતા 1894માં મેટ્રીકની પરીક્ષા પાસ કરીને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ આર્થિક પરીસ્થિતિ નબળી પડતા અભ્યાસ અવરોધાયો અને છુટક નોકરીઓમાં લાગ્યા. એ અરસામાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી શિષ્યવૃત્તિની મદદ મળતા પુનઃઅભ્યાસ પ્રારંભ કર્યો અને 1917 માં વિષશાસ્ત્રમાં (Gold Medallist) ડોક્ટર બન્યા.

કોલેજના અભ્યાસ દરમિયાન જ તત્કાલિન સુધારાવાદી મહાનુભવોના સંપર્કમાં આવતા તેઓ સમાજ સેવામાં સક્રિય બનેલા. હિંદુ સમાજ સુધારક મંડળ, પ્રાર્થના સમાજ વગેરે સંસ્થાઓમાં તેઓ જોડાયા. Student Brotherhood માં કામ કરતા તેઓ ડો. કનૈયાલાલ મુન્શી, ચંદ્રશેખર પંડ્યા, મહાદેવ ગોવિંદભાઇ રાનડે વગેરેના સંપર્કમાં આવ્યા. જેમની સંગતે તેઓની સમાજ સુધારણાની વિચારસરણીને બળ મળ્યું અને દલિતોના ઉત્થાન અંગે કામ કરતા થયા. તેઓ પોતે પણ અસ્પૃશ્ય સમાજમાંથી આવેલા અને વ્યવસાય તેમજ અભ્યાસ વખતે અસંખ્ય જાતિવાદી મુશ્કેલીઓને ભોગવી હોવાથી તેઓ આ પરીસ્થિતિને બદલવા મક્કમ બન્યા અને દલિત સમુદાયની સેવા માટે રાજકારણમાં જોડાયા.

અંત્યજ વર્ગોના ઉત્થાન માટે ચાલતી ડિપ્રેસ્ડ ક્લાસ મિશન સોસાયટીના અધ્યક્ષ ન્યાયમુર્તિ નારાયણ ગણેશ ચંદાવકરની આગેવાનીમાં સમગ્ર દલિત સમાજનુ પ્રતિનિધિત્વ કરતા 1917ની મોન્ટેગ્યુ કેમ્સફોર્ડ પરિષદમાં આવેદન પત્ર રજૂ કર્યુ. તે સમયના બોમ્બે ઇલાકા(Bombay Province) માં તેઓની રજૂઆતનો પડઘો પડ્યો, જેમાં કોલ્હાપુરના નરેશ છત્રપતિ શાહુ મહારાજ પણ જોડાયા અને જાતિપ્રથાને જાકારો આપવાનું એલાન કરતા 14-12-1918ની આર્ય ધર્મ પરિષદના અધ્યક્ષસ્થાને ડૉ. પી. જી. સોલંકીની નિમણૂંક કરી. ગાંધીજીના પ્રયત્નોથી ગોધરા ખાતે 1918માં અંત્યજ પરીષદ મળી જ્યાં સુરતના વીર છત્રસિંહ ઉટેકર પણ ઉપસ્થિત રહેલ. આ સમયે તેઓ ડો. બાબાસાહેબ આંબેડકરના પરિચયમાં આવ્યા અને 27-01-1919ના રોજ સાઉથબરો સમિતિ સમક્ષ ભારતના દલિતોની દુઃખદ સ્થિતિ વર્ણવતું આવેદન પત્ર રજૂ કર્યુ. આ સાથે ડૉ. પી. જી. સોલંકીએ તેમના વતન સુરત, તાપી, નવસારી, વલસાડ વિસ્તારમાં દલિતોના ઉત્થાન અને કુરિવાજ નાબુદી માટેના સુધારાવાદી કાર્યો આરંભ્યા. તેઓની કામગીરીથી પ્રસન્ન થઈ દલિતોના પ્રતિનિધિ તરીકે ગવર્નર સર લેસ્લી વિલ્સન તરફથી બોમ્બે વિધાન પરિષદના સભ્ય (Member of Legislative Council) તરીકે પસંદગી થઈ અને તેઓએ 18-02-1927 રોજ મુંબઈ ટાઉન હોલમાં ડો. બાબા સાહેબ આંબેડકર સાથે સોગંદવિધિમાં ભાગ લીધો. એ સમયે 114 સભ્યોની બોમ્બે વિધાન પરિષદમાં માત્ર બે જ દલિત સભ્યો હતા, એક ડૉ. પી. જી. સોલંકી અને બીજા ડો. બાબા સાહેબ આંબેડકર.

બ્રિટિશ સરકારે ભારતની સ્થિતિની સમીક્ષા અને તેના બંધારણ માટે નિમેલું સાયમન કમીશન જ્યારે ભારત આવ્યું ત્યારે દલિતોના પ્રતિનિધિ તરીકે સર જોહન સાયમનનું ડૉ. પી. જી. સોલંકીએ મોલ સ્ટેશને સ્વાગત કરેલું અને 23-10-1927ના રોજ દલિતોની વ્યથા અંગે ડો. બાબા સાહેબ આંબેડકર સાથે કમીશન સમક્ષ સંયુક્ત રજૂઆત કરતા દલિતોને બોમ્બે વિધાન પરિષદમાં વસ્તીના ધોરણે 22 બેઠકોની જોગવાઇ સાથે દલિતોને કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓના અત્યાચારોથી રક્ષણ આપતા કાયદાની માંગ મૂકી 1984 ના એટ્રોસિટી એક્ટનું બીજ રોપેલું.

દલિત વર્ગો અને આદિમ જાતિઓના વિકાસ માટે એક સમિતિ નિમાવાનો પ્રસ્તાવ 08-08-1928 ના રોજ તેઓએ બોમ્બે વિધાન પરિષદમાં મૂક્યો જે સર્વાનુમતે સ્વીકારાતા એચ. બી. સ્ટાર્ટની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ. આ સ્ટાર્ટ સમિતિએ બોમ્બે પ્રાંત(Bombay Province) માં પ્રવાસ કરી તે સમયની સામાજિક પરીસ્થિતિનો અભ્યાસ કર્યો અને તેના આધારે અંત્યજ વર્ગ(આજની અનુસૂચિત જાતિ - જનજાતિ અને અન્ય પછાત જાતિની ઓળખ) માટેના ધારા-ધોરણો નક્કી કર્યા તેમજ તેઓના ઉત્થાન માટે 1931માં The Bombay Presidency Backward Class Boardની રચના કરી અને દરેક જીલ્લામાં બેકવર્ડ ઓફિસરોની નિમણૂંક કરી. ડૉ. પી. જી. સોલંકીએ 1928માં અમદાવાદ ખાતે The Gujarat Depressed Class Associationની સ્થાપના કરી હતી જેના પ્રયત્નોથી દલિત વર્ગના બાળકોને અભ્યાસ માટે અલગ આશ્રમ શાળા સ્થપાયેલ.

મુંબઇના હિંદુ-મુસ્લીમ તોફાનોમાં સુલેહ-શાંતિની કામગીરી માટેની શાંતિ સમિતિમાં તેઓની નિમણૂંક થઇ જ્યાં તેઓની પ્રસંશનીય કામગીરી માટે જે. પી. જસ્ટીસ ઓફ પીસના ખિતાબ દ્વારા સન્માનિત કરવામાં આવેલ. પહેલી અને બીજી ગોળમેજી પરિષદમાં ડો. બાબા સાહેબ આંબેડકરની ઐતિહાસિક કામગીરીને બિરદાવતા અસંખ્ય સમારંભો બોમ્બે પ્રાંત (Bombay Province)માં થયા હતા જેમાં મોટા ભાગના સમાંરંભોનું અધ્યક્ષસ્થાન ડૉ. પી. જી. સોલંકીએ શોભાવેલ.

1931-1937 દરમિયાન તેઓ બોમ્બે યુનિ.ના સેનેટર રહ્યા હતા. ગર્વનર સર ફ્રેડરિક દ્વારા 1931માં ફરી તેઓની બોમ્બે વિધાન પરિષદના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી અને બોમ્બે રાજ્યની નાણાકીય સમિતિના સભ્ય પણ બનાવવામાં આવ્યા, જ્યાં તેઓ 1937 સુધી કાર્યરત રહેલ. 1932 માં લોર્ડ લુથીયને બોમ્બે પ્રાંત (Bombay Province)માં મતાધિકારની સમીક્ષા કરવા બોમ્બે ફ્રેન્ચાઇઝ સમિતિ નીમી. જેમાં Gujarat Depressed Class Association અને ડૉ.બાબાસાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત બહિષ્કૃત હિતકારિણી સભા સહિત સમગ્ર દલિતોના પ્રતિનિધિ તરીકે તેઓને સભ્ય બનાવવામાં આવ્યા. તેજ અરસામાં ઉપવાસ પર ઉતરેલ ગાંધીજીને મનાવવા ડૉ. પી. જી. સોલંકી અને ડો. બાબાસાહેબ આંબેડકર પૂનાની યેરવડા જેલ ગયા અને જે સમાધાન થયું તેના પરિણામે 24-09-1932ના રોજ પૂના કરાર અસ્તિત્વમાં આવ્યો. ગાંધીજીએ Board of Harijan Sevak Sangh of Bombay Presidencyમાં ડૉ. પી. જી. સોલંકીની નિમણૂંક કરી જેના તેઓ આજીવન સભ્ય રહેલા. 1933-1935 દરમિયાન બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે તેઓએ ઘણા પ્રસંશનિય કાર્યો કરેલા. 1938 માં બોમ્બે મ્યુનિસિપલ સ્કૂલ કમિટીના પ્રથમ દલિત ચેરમેન તરીકે નિમાયા. તેમના જ પ્રયત્નોથી 1938માં અનુસુચિત જાતિ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને વણકર અને અન્ય જ્ઞાતિઓને બીજી આદિવાસ-પછાત જાતિઓથી અલગ ઓળખ અપાવી.

બોમ્બે વિધાન પરીષદના સભ્ય તરીકે ડૉ. પી. જી. સોલંકીની કામગીરીની પ્રસંશા કરતા ખુદ ડો. બાબાસાહેબ આંબેડકર થાકતા ન હતા! પત્ની રમાબાઇના 27-05-1935માં અવસાનના આઘાત અને જે દલિતમિત્રો માટે તેઓ લડી રહ્યા હતા તેઓની જ વિશ્વાસઘાતી રાજકારણ રમતોથી કંટાળી હતાશ થયેલ બાબા સાહેબ આંબેડકર જ્યારે બધું છોડી નિવૃત્ત થવા વિચારતા હતા ત્યારે ડૉ. પી. જી. સોલંકી જ તેમની પડખે ઉભા રહેલા અને એક સાચા મિત્ર તરીકે હિંમત અને સાંત્વના આપી તેઓને હતાશાના નર્કાગારમાંથી બહાર લાવેલ. દલિત સંગ્રામના આ યોધ્ધા 76 વર્ષની ઉમરે 09-04-1953ના રોજ અવસાન પામ્યા. ભારતના અન્ય રાજ્યો કરતા ગુજરાતના દલિતોની અને તેમાં પણ વણકર સમાજની આજે જે સારી પરિસ્થિતિ છે તે ડૉ. પી. જી. સોલંકીના આજીવન સેવાકાર્યોની દેન છે. તત્કાલિન બોમ્બે ઇલાકા(Bombay Province) અને હાલના દક્ષિણ ગુજરાતના દલિતોમાં શિક્ષણનો પ્રસાર કરવાનો શ્રેય ડૉ. પી. જી. સોલંકીને જાય છે.

"1 जनवरी 1918 के कोरेगांव कार्यक्रम से यह महार भाई मेरे हर काम मे साथ खड़े है और में उसका आभारी हूं। आज में जो यह ऊंचाई पर हु वहा पहुंचाने में मेरे महार समाज का बड़ा हाथ है।"

  • ઓગસ્ટ ૧૯૪૩ માં મુંબઇ મહાર મંડળ દ્વારા કોલાબા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં ગુજરાતના માયાવંશી વણકર પુત્ર ડૉ. પીજી સોલંકીનો સન્માન કાર્યક્રમ હતો ત્યારે તેમનુ ભાષણ કંઈક આવું હતું. અહીં નોંધવા જેવી બાબત એ છે કે ડૉ. પીજી સોલંકીના સન્માન સમારોહમાં તેમની જ માયાવંશી જ્ઞાતિના લોકોએ કાળા વાવટા સાથે દેખાવો કરેલા અને આયોજકોએ પોલીસને બોલાવવી પડેલી.

(ડો. પી.જી. જ્યોતિકરના પુસ્તકમાંથી સાભાર)

આ પણ વાંચો : ઉનસે અલગ રાય રખતા હું, ઈસલિયે મેરા કરિયર બરબાદ કર દિયા ગયા – પ્રો. લક્ષ્મણ યાદવ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.