ભાજપ-RSS ના 'મનુવાદી' ચહેરાને દેશના દલિતો સ્પષ્ટ રીતે ઓળખી ગયા છે
જનસંઘ કાળથી લઈને વર્તમાન ભાજપ સાશનના 10 વર્ષમાં આ દેશના દલિતોએ ભાજપ-સંઘના મનુવાદી ચહેરાને સ્પષ્ટ રીતે ઓળખી લીધો છે.
Manuvadi face of the BJP-RSS: હાલમાં જ કર્ણાટક ભાજપના સાત વખત સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રમેશ જીગાજીનાગી(Ramesh Jigajinagi)એ પોતાની જ પાર્ટી ભાજપ(BJP)પર દલિત વિરોધી(Anti-Dalit Party) હોવાનો આરોપ લગાવ્યો છે. નરેન્દ્ર મોદી(Narendra Modi) ત્રીજી વખત વડાપ્રધાન(PM) બન્યા બાદ છેલ્લા દસ વર્ષથી જે અવાજો બંધ થઈ ગયા હતા તે હવે ગૂંજવા લાગ્યા છે. તેનું એક કારણ દેખીતી રીતે ગઠબંધન સરકાર છે. ભાજપ 240 સીટોમાં સમેટાઈ જવા છતાં નરેન્દ્ર મોદી સરકાર બનાવવામાં સફળ થયા. પરંતુ તેમની કેબિનેટમાં દલિતોને કોઈ મહત્વનું પદ આપવામાં આવ્યું નહોતું. ગઈ ટર્મમાં રાજ્યકક્ષાના મંત્રી રહેલા રમેશ જીગાજીનાગીને આ વખતે કેબિનેટ મંત્રી(Cabinet Minister) બનાવવામાં આવે તેવી ધારણા હતી. તેમણે તેમના સમર્થકો દ્વારા હાલમાં જ એવો આરોપ લગાવ્યો છે કે ભાજપ દલિત વિરોધી પાર્ટી છે. ભાજપમાં ઉચ્ચ જાતિઓનું જ વર્ચસ્વ છે. કેબિનેટમાં પણ માત્ર ઉચ્ચ જાતિના લોકોને જ સ્થાન આપવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો આ કોઈ નવી વાત નથી, પરંતુ ભાજપના જ એક વરિષ્ઠ દલિત સાંસદે કરેલા આક્ષેપોનો પોતાનો અર્થ ચોક્કસ છે.
દલિતોનું અપમાન અને તેમના પર અત્યાચાર સદીઓથી ચાલ્યા આવે છે તે આઝાદી પછી પણ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યાં. બંધારણ અને કાયદાના અધિકારોએ તેમને સુરક્ષા પ્રદાન કરી છે. તેમ છતાં, સમાજમાં જડ ઘાલી ગયેલા બ્રાહ્મણવાદી સામંતશાહીના અભિમાન અને અત્યાચાર સામે ભૂમિહીન, નબળા, અશિક્ષિત દલિતોનો પનો ટૂંકો પડે છે. આધુનિક શિક્ષણ પ્રણાલી અને અનામત અધિકારોના કારણે દલિતોમાં સામાજિક જાગૃતિ આવી છે. રાજકીય સભાનતા દ્વારા દલિતોએ તેમનો એજન્ડા અને તેમના પ્રતિનિધિત્વના અધિકારને સમજવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચોઃ RSS કહે છે હિંદુ ધર્મગ્રંથોમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ' માં શું છે?
પરંતુ બ્રાહ્મણવાદી(Brahmanism) તાકાતો આ પરિવર્તનને નષ્ટ કરવા માટે સક્રિય છે. ભારતની સર્વસમાવેશકતા અને સામાજિક ન્યાયની રાજનીતિની સામે હિંદુત્વ(Hindutva politics)નું રાજકારણ આઝાદી પછી જ શરૂ થયું. આરએસએસ(RSS) આ રાજકારણનું સંચાલક અને બૌદ્ધિક કેન્દ્ર છે. આરએસએસે સૌપ્રથમ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જી(Shyama Prasad Mukherjee)ના નેતૃત્વમાં ભારતીય જનસંઘ(Jan Sangh)ની રચના કરી હતી. જનસંઘ દ્વારા આરએસએસને જનતા પાર્ટીની સરકાર (1978-1980) દરમિયાન પ્રથમ વખત સત્તા સુધી પહોંચવાની તક મળી.
જનતા પાર્ટીની સરકારના વિઘટન બાદ જનસંઘ અલગ થઈ ગયો. 1980માં RSSએ જનસંઘની જગ્યાએ ભાજપ(BJP)ની રચના કરી. એ પછી તેણે દલિતોને ભાજપ સાથે જોડવા માટે 1983માં સામાજિક સમરસતા મંચની રચના કરી. આ મંચ દલિતોના હિંદુત્વીકરણની પ્રયોગશાળા બની ગયું. રામમંદિર આંદોલન(Ram Mandir Movement)માં દલિતોની ભાગીદારીએ RSS અને ભાજપની સત્તામાં આવવાની આશાઓને પાંખો આપી. એક દલિત કામેશ્વર ચૌપાલ(Kameshwar Choupal)ના હાથે પ્રતિકાત્મક મંદિરની પહેલી ઈંટ મૂકાવવામાં આવી. દલિતોના ભૂતકાળ અને સ્મૃતિઓને ભૂંસી નાખવા માટે અનેક કુચક્રો રચવામાં આવ્યા.
આ પણ વાંચોઃ હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે
દલિતોના મસીહા અને બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ આંબેડકર(Dr. Ambedkar)નું 6 ડિસેમ્બર 1956(6th December 1956)ના રોજ અવસાન થયું હતું. દલિત સમાજ માટે આ પ્રેરણાનો દિવસ છે. આ દિવસની સ્મૃતિઓને ભૂંસી નાખવાની એક સમજી વિચારેલી વ્યૂહરચનાના ભાગરૂપે 1992માં બાબરી મસ્જિદ(Babri Masjid demolition)ને તોડી પાડવામાં આવી હતી. આરએસએસ, ભાજપ, હિન્દુ મહાસભા અને અન્ય હિન્દુત્વવાદી સંગઠનો 6 ડિસેમ્બરને શૌર્ય દિવસ તરીકે ઉજવે છે. દલિતોની ચેતનાને તોડી પાડીને સત્તા મેળવવા દલિતોનો ઉપયોગ કરવાની ભાજપ-આરએસએસની રણનીતિ છે. સામાજિક ન્યાયને સામાજિક સમરસતામાં ફેરવવામાં આવ્યો. તેનો ઉદ્દેશ્ય જાતિ વ્યવસ્થા અને અસમાનતા જાળવી રાખીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામે હિંદુ એકતા સ્થાપિત કરવાનો છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે 25 ડિસેમ્બર 1927ના રોજ મનુસ્મૃતિનું દહન(Manusmriti Dahan Day) કર્યું હતું. બાબા સાહેબ સ્પષ્ટપણે માનતા હતા કે જ્ઞાતિપ્રથા અને દલિતો પરના અત્યાચારને ધાર્મિક ગ્રંથો દ્વારા દૈવી માન્યતા આપવામાં આવી છે. તેથી ધર્મશાસ્ત્રોને વિસ્ફોટકોથી ઉડાવી દેવા જોઈએ. ભાજપ-આરએસએસનું હિંદુત્વ વાસ્તવમાં નવો બ્રાહ્મણવાદ(Brahmanism) છે. હિન્દુત્વનો ઉદ્દેશ્ય ધર્મ, શાસ્ત્રો, મંદિરો અને ભગવાનની પ્રતીકાત્મક રાજનીતિ દ્વારા સમાજમાં વર્ણ-જાતિ પ્રથાને ફરીથી લાદીને ઉચ્ચ જ્ઞાતિની સર્વોપરિતા સ્થાપિત કરવાનો છે. તેથી, મનુસ્મૃતિ દહન દિવસની યાદોને ભૂંસી નાખવા માટે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ (25 ડિસેમ્બર) મોટા પાયે ઉજવવામાં આવી અને તેને સુશાસન દિવસ(Good Governance Day) તરીકે ઓળખવામાં આવ્યો.
આ પણ વાંચોઃ RSSના મુખપત્ર ‘પાંચજન્ય’માં જાતિ પ્રથાને 'જરૂરી' ગણાવવામાં આવી
અગાઉ મહારાષ્ટ્ર સરકાર દ્વારા શાળાના શિક્ષણમાં મનુસ્મૃતિના શ્લોકો સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, હવે દિલ્હી યુનિવર્સિટીની લૉ ફેકલ્ટી અભ્યાસક્રમમાં મનુસ્મૃતિનો સમાવેશ કરવાના પ્રયાસો કરી રહી છે. બાબાસાહેબે મનુસ્મૃતિ(Manusmriti)નું દહન કર્યું હતું કારણ કે તે દલિતો, પછાત લોકો (શુદ્રો) અને મહિલાઓને નીચલા દરજ્જાના નાગરિક માને છે.
મનુસ્મૃતિ અનુસાર દલિતો, શુદ્રો અને મહિલાઓને શિક્ષણ અને સંપત્તિ પ્રાપ્ત કરવાનો અધિકાર નથી. મનુસ્મૃતિ આ સમુદાયોને ગુલામ બનાવે છે અને બ્રાહ્મણોને તેમનું શોષણ કરવાનો અધિકાર આપે છે. વાસ્તવમાં મનુસ્મૃતિ ભારતના બંધારણ(Constitution of India) અને માનવતા વિરુદ્ધ છે. પરંતુ હિન્દુત્વવાદીઓ માટે આ એક પ્રાતઃસ્મરણીય ગ્રંથ છે. RSSએ ક્યારેય મનુસ્મૃતિ, મનુવાદ અને મનુસ્મૃતિકાર પ્રત્યેનો પ્રેમ છુપાવ્યો નથી. 26 નંબર 1949ના રોજ બંધારણ પસાર થયાના ત્રણ દિવસ પછી 30 નવેમ્બર 1949ના રોજ, આરએસએસના મુખપત્ર 'ઓર્ગેનાઈઝરે' એમ કહીને ભારતીય બંધારણની ટીકા કરી કે તેમાં 'મનુની સંહિતા' નથી.
રામમંદિર આંદોલનનું એક કેન્દ્ર જયપુર પણ રહ્યું છે. એ દરમિયાન રાજસ્થાન હાઈકોર્ટના પ્રાંગણમાં મનુની પ્રતિમા(Manu Pratima Rajasthan High Court) સ્થાપિત કરવામાં આવી હતી. રાજસ્થાન હાઈકોર્ટ ઓફિસર્સ એસોસિએશનના તત્કાલીન પ્રમુખ પદમ કુમાર જૈનની વિનંતી પર જસ્ટિસ એમએમ કાસલીવાલાએ બ્યુટિફિકેશનના નામે મનુની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી. માત્ર 23 દિવસમાં જ 28 જૂન 1989ના રોજ જયપુર હાઈકોર્ટના પ્રાંગણમાં મનુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તેનો વિરોધ તે જ દિવસથી શરૂ થયો હતો. તેના દબાણ હેઠળ 28 જુલાઈ 1989ના રોજ હાઈકોર્ટની વહીવટી બેઠકમાં મનુની પ્રતિમાને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ વિશ્વ હિંદુ પરિષદે આ નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આજે પણ આ પ્રતિમા બંધારણ અને ન્યાયતંત્રની મજાક ઉડાવતી ઉભી છે. આડકતરી રીતે આરએસએસ અને ભાજપ આની પાછળ ઉભા છે. દેખીતી રીતે, જેઓ મનુમાં માને છે તેઓ ક્યારેય દલિત શુભચિંતક ન હોઈ શકે.
આ પણ વાંચોઃ RSSની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?
અટલ-અડવાણીની ભાજપ સમજી ગઈ હતી કે દલિતોના સમર્થન વિના સત્તા હાંસલ કરી શકાશે નહીં. તેથી જ વર્ષ 2000માં તેલંગાણાના આરએસએસ સાથે જોડાયેલા દલિત નેતા બાંગારુ લક્ષ્મણ(Bangaroo Laxman)ને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યા બાદ એક વર્ષમાં જ તેમને હટાવી દેવામાં આવ્યા હતા.
ભાજપ દલિત વિરોધી હોવાનો બીજો પુરાવો એ છે કે આજ સુધી ભાજપે નીતિ નિર્ધારક અને નિર્ણાયક પદ પર એકેય મજબૂત દલિત નેતાને સ્થાન આપ્યું નથી. એકંદરે, ભાજપ 15 વર્ષથી વધુ સમયથી કેન્દ્રમાં સત્તામાં છે. એક ડઝનથી વધુ રાજ્યોમાં ભાજપની સરકારો રહી છે. પરંતુ આજ સુધી એક પણ દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારમાં પણ કોઈ મજબૂત દલિત ચહેરો નથી. કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલ મોદીનો પડછાયો બનીને દલિતોને લલચાવવાનું એક મહોરું છે. એ જ રીતે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો પણ વોટ બેંકની રાજનીતિ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ ન તો કોઈ એજન્ડા આગળ આવ્યો કે ન તો દલિતોના હિતમાં કોઈ નીતિ બનાવવામાં આવી. તેનાથી ઉલટું, નરેન્દ્ર મોદીના છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાન હિન્દુત્વવાદી લોકો દ્વારા દલિતો પર શારીરિક હુમલા વધી ગયા છે.
આ પણ વાંચોઃ ડૉ. આંબેડકરની ગુજરાતની 11 મુલાકાતો અને ગુજરાતીમાં આપેલું પ્રવચન
મૂછો કાપવાથી માંડીને પેશાબ પીવડાવવો, બળાત્કાર અને હત્યા સુધીની ઘૃણાસ્પદ અને અમાનવીય ઘટનાઓ સતત ચાલુ છે. દલિતો ન્યાય માટે ભટકી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ સફાઈ કામદારોના પગ ધોઈને તેમની કામગીરીનો મહિમા કર્યો હતો. પરંતુ તેમના બાળકોનું શિક્ષણ, સરકારી નોકરી અને અનામત લગભગ અર્થહીન બનાવી દેવામાં આવી છે. એટલું જ નહીં, મોદીના સંસદીય ક્ષેત્ર બનારસમાં એક સફાઈ કામદારનું ગટરમાં ડૂબીને મૃત્યુ થાય છે, પરંતુ તેના પરિવારને કોઈ ન્યાય મળતો નથી. હાથરસમાં ગુડિયા વાલ્મિકી પર બળાત્કાર થયો પછી તે મૃત્યુ પામે છે, પરંતુ તેના પરિવારજનો હજુ પણ ન્યાયની શોધમાં આમતેમ ભટકી રહ્યાં છે.
આજે પણ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં હજારો ગામડાઓમાં દલિતો મંદિરોમાં પ્રવેશી શકતા નથી. ભાજપના શાસનમાં બ્રાહ્મણવાદની તાકાત એવી છે કે રાષ્ટ્રપતિ હતા ત્યારે રામનાથ કોવિંદને પુરી અને પુષ્કરના મંદિરોમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા, છતાં પૂજારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ગુજરાતના ઉનામાં સ્વ-ઘોષિત ગૌરક્ષકોએ મૃત ગાયનું ચામડી ચીરવા બદલ ચાર દલિત ભાઈઓને જાહેરમાં બાંધી તેમનું સરઘર કાઢી માર માર્યો અને તેમનો વીડિયો જાહેર કર્યો હતો. આ કેસના તમામ 43 આરોપીઓ હાલ જામીન પર બહાર છે. પરંતુ નરેન્દ્ર મોદી માત્ર એટલું જ કહે છે કે 'મુજે ગોલી માર દો લેકિન મેરે દલિત ભાઈઓ કો મત મારો' આ દંભ કહેવાય. 2024ની લોકસભા ચૂંટણીમાં દલિતોએ ખુલ્લેઆમ ભાજપનો વિરોધ કર્યો અને જેઓ બંધારણ બદલવા માગતા હતા તેમને જડબાતોડ જવાબ આપ્યો. હવે ભાજપના સાંસદ ભાજપને દલિત વિરોધી ગણાવે છે એટલે કે દલિતોમાં ભાજપનો મનુવાદી ચહેરો સંપૂર્ણ રીતે ખુલ્લો પડી ગયો છે.
આ પણ વાંચોઃ શશી થરૂરનું પુસ્તક ‘Ambedkar: A Life’ - કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ