પાંજરાપોળો બંધાવનારા ગૌચરની જમીન પરના દબાણ વખતે કેમ ચૂપ રહે છે?

પાંજરાપોળોનું નિર્માણ કરીને પુણ્યનું કામ કર્યાનો સંતોષ માનતો વર્ગ પશુઓના ચરિયાણની જગ્યા પર કોમર્શિયલ કોમ્પલેક્ષ બને તેનો કેમ વિરોધ કરતો નથી વાંચો તાર્કિક જવાબ.

પાંજરાપોળો બંધાવનારા ગૌચરની જમીન પરના દબાણ વખતે કેમ ચૂપ રહે છે?
image credit - Google images

ઘણાં વર્ષો પહેલાં હું વઢવાણ ગયો હતો. જૂનું શહેર. લોકવાયકા છે કે પહેલાં એનું નામ વર્ધમાનનગર હતું ને અપભ્રંશ થઈને વઢવાણ થઈ ગયું. પાસેનાં સુરેન્દ્રનગરનો વિકાસ થયો અને વઢવાણ ત્યાંનું ત્યાં જ રહ્યું. ઘસાઈ જવાથી એવું લાગે જાણે કે તેની ભવ્યતા સામંતી ઈતિહાસનાં કોઈ જૂનાં પુસ્તકમાં બંધ થઈને રહી ગઈ હોય.

મને કોઈએ કહ્યું કે અહીંની જૂની પાંજરાપોળ જોવા જેવી છે. જ્યાં ગાય, ભેંસ, ઘોડા તો ઠીક; કોઈ જીવજંતુ ને ય મારી નાખવાનું પાપ કરવાને બદલે તેને ડબ્બીમાં સાચવી જીવદયાપ્રેમીઓ મૂકી જાય છે. અનાજ- લોટમાંથી વીણેલાં ધનેડાં પણ મૂકી જાય છે.

મૂંગા પશુઓ-જીવજંતુ તરફનો દયાભાવ, તેમને મારવું એ પાપ છે એવી ધાર્મિક ભાવનામાંથી, વિશેષ કરીને જૈન ધર્મમાં જે અહિંસાની વાત છે ત્યાંથી આવેલો છે.

પ્રાણી, પક્ષી, મૂંગાજીવ પ્રત્યે દયાભાવ રાખવો એ ખોટું તો હરગીઝ નથી જ પણ પ્રશ્ન ત્યારે થાય કે આવી જ કોઈ પાંજરાપોળ જે વિશાળ જમીનમાં પથરાયેલી હોય કે ગામના ઢોર પશુઓના ચરાણ માટે ગૌચરની મોટી જમીન હોય અને ત્યાં કોઈ ધનપતિ, રાજકીય નેતાઓ ને સંચાલકોના મેળાપીપણામાં તેને ખરીદી લઈ ત્યાં મોટ્ટો મોલ કે કોમર્શિયલ બહુમાળી બિલ્ડિંગો ઊભા કરી દેવા માંડે ત્યારે કેટલા લોકો તેનો ભારોભાર વિરોધ કરવા, સત્તાધારીઓની સામે લડવા મેદાને પડે છે? અને આ 'સોદા' ને લઈ આંખમિચામણા કરતાં લોકોને ચૂપ રહેતાં લોકોને કોઈ 'પાપી' કહેશે ખરું?

આ પણ વાંચો:લોહીની કલમે લખાયેલું મારું સઘળું સાહિત્ય બોલતું રહેશેઃ જૉસેફ મૅકવાન

કદાચ એવું જરૂર કોઈ કહેનાર ધાર્મિક વ્યક્તિ નીકળે કે 'મૂંગા પશુઓની જગા વેચી નાંખનાર, પાપમાં પડનાર મૂઆ નર્કે જશે! ઉપરવાળો બધું જુએ છે!'

પણ આ બધો ખેલ જોનારા જે આ અગાઉ પાપ ના લાગે એમ માની ખોડાઢોર કે ઘવાયેલાં પંખી કે પ્રાણીઓ પાંજરાપોળમાં મૂકવા ગયા હશે કે જતાં હશે યા આ પાંજરાપોળનાં રખરખાવ માટે નાણાંકીય મદદ કે ઘાસપૂળાં ખરીદીને આપ્યાં હશે. એવાં બધાંની ચૂપકીદીને આપણે 'પાપ' કેમ નથી કહેતાં?

આ પ્રકારના સવાલ એટલા માટે ઊભા થાય છે કે સમાજમાં આવી ઘણી બાબતો છે. મંદિર બહાર કે રસ્તા પર ભીખ માંગતા કે ભૂખ્યા અજાણ્યા વ્યક્તિને ક્યારેય આપણે કે કોઈક વારતહેવારે દાન આપી, ખાવાનું આપી આપણે સંતોષ અનુભવીએ છીએ કે ગરીબોને દાન આપવું, ભૂખ્યાને અન્ન આપવું એ 'પુણ્ય'નું કામ છે, માનવતા નું કામ છે અને ધર્મમાં તે લખાયું છે કહેવાયું છે.

આ પ્રકારની માન્યતા ને ખ્યાલો માત્ર આપણા દેશમાં જ છે એવું નથી. દુનિયાના દરેક ખૂણામાં, દરેક ધર્મ પાળતાં લોકોમાં જોવા મળે છે. પણ ભીખારીઓ કેમ છે? કેમ આટલાં બધાં લોકો કામધંધા વગરનાં છે?

તમે રસ્તે લારી પર મિત્રો સાથે કંઈક ચટાકેદાર ખાતાં હો ત્યારે કોઈક બાળક ભૂખ્યા પેટે તમારી સામે ટગર ટગર જોયાં કરતું હોય ત્યારે કેમ આપણા મનમાં પ્રશ્ન નથી થતો કે આવાં બધાં બાળકોને કેમ રોજ તેમનાં પોતાનાં ઘરમાં બે ટાઇમ પેટ ભરીને ખાવાનું નહીં મળતું હોય?

ધાર્મિક નેતા કે બાવા તો તરત આવા પ્રશ્નનો જવાબ આપી દેશે કે એ તો એમનું ગયા જનમનું પાપ! કંઈક પાપ કર્યું હશે તે એને ભગવાને આ જનમમાં આવી સજા આપી હશે! એક બાજુ ભૂખ્યાંને જમાડવા એ પુણ્યનું કામ ને માનવતાનું કામ ગણાય ને બીજી બાજુ એ બધાં ભૂખ્યાં એટલે છે કે ગયા જનમમાં એ ભૂખ્યાઓએ પાપ કર્યા હશે! આ બન્ને વાત એકબીજા સાથે મેળ ખાનારી છે ખરી?

આવાં પરસ્પર વિરોધી ઘણા મુદ્દાઓ આપણાં જીવનમાં ડગલે ને પગલે જોવા મળે છે. શાળામાં ભણતાં ગરીબ બાળકોને ચોપડીઓ નોટબુકો ફ્રીમાં વહેંચવી, કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂતાં મજૂરો કે ઘરવિહોણા લોકોને ધાબળા વહેંચવા જેવા ઘણા 'માનવતાનાં કામ' કરતાં લોકોને આપણે જોઈએ છીએ. આ કામ ખોટું છે કે સાચું, કરવું જોઈએ કે ના કરવું જોઈએ એવી ચર્ચામાં હું અહીં પડવા માંગતો નથી.

ખરેખર ક્રૂર વાસ્તવિકતા તો એવી છે, જેમ કે આપણી આંખ સામે ઠંડીમાં ફૂટપાથ પર લોકો સૂતાં છે અને આપણે સ્વેટર-મફલરમાં સજ્જ થઈ ફૂટપાથ પર ફરીએ છીએ કે બંધ ઘરમાં આપણે રજાઈ ઓઢીને સૂતાં હોઈએ છીએ.

આ પણ વાંચો:જે તળાવ સામે જોવાની પણ હિંમત નહોતી તેમાંથી જ્યારે દલિતોએ ખોબાં ભરીને પાણી પીધું

આવાં સમયે આપણા  દિમાગમાં એવી સ્પષ્ટતા હોય કે આ સભ્યસમાજમાં, માણસજાતે જે વિકાસ સાધ્યો છે એવા સમયે જે જન્મે છે તે દરેક ને નાનું કે મોટું શરીરના રક્ષણ માટે ઘર તો મળવું જ જોઈએ. માથે છાપરું તો સૌનો અધિકાર છે. પુરતું પોષક ભોજન, પેટ ભરીને ખાવાનું દરેક ને મળવું જ જોઈએ, એ સૌનો મૂળભૂત હક્ક છે એવું જો આપણે માનતા હોઈએ અને તે માટે મથતાં હોઈએ અને સાથે સાથે આપણી સામે જો કોઈ ભૂખ્યો હોય, પૂરતાં કપડાં વિનાનો હોય એને આપણાં ખોરાકમાં, આપણાં કપડાંમાં હીસ્સેદાર બનાવીએ તો એને હું ધર્મમિશ્રિત માનવતાવાદી નહીં પરંતુ માનવવાદી કહેવાનું પસંદ કરીશ.

સાથેસાથે એવું માનવતાનું કામ કરનાર વ્યક્તિએ ભગવાન કે ધર્મના ભયથી, પાપના ભયથી કે આવતા ભવમાં પોતાને સ્વર્ગ મળે એવાં સ્વાર્થથી કે આવતા ભવમાં ભીખારીનું જીવન મળશે એવાં ભયથી ડરીને કંઈક દયાદાન કરતો હોય તો તેને માનવવાદી તો નહીં જ કહી શકાય.

દુનિયાનો દરેક માણસ સમાન છે, સન્માન્ય છે. જાતિ, જ્ઞાતિ, ધર્મ, રંગ ને સ્ત્રી-પુરુષ એવાં ભેદભાવોની બાદબાકી કરી માણસમાત્ર સરખો છે, દરેકને જીવવાનો સમાન હક્ક છે, દરેકને મુક્તમને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, દરેકને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર છે એવું આપણે માનતા હોઈએ અને તે પણ કોઇના કહેવાથી નહીં, ક્યાંક વાંચવાથી નહીં પરંતુ વિજ્ઞાનના ટેકે, તર્ક-વિચારણાથી માપીને પારખીએ તો એને આપણે માનવવાદી કહીશું.

સાથે સાથે કુદરતનાં દરેક જીવનું મહત્વ છે અને પ્રકૃતિના સંતુલનમાં દરેક જીવની આગવી ભૂમિકા છે એ વૈજ્ઞાનિક સત્યનાં સ્વીકાર સાથે માણસ તરીકે જીવવાની પધ્ધતિને આપણે માનવવાદી કહીશું, માનવતાવાદી નહીં.

ખરેખર માનવવાદી જેવો શબ્દપ્રયોગ છે જ નહીં. કેટલાક લોકો અજ્ઞાનવશ કે જાણકારીના અભાવમાં દરેક દયાદાન, કરુણા કે માનવતાના કામ કરનાર ને માનવતાવાદી ગણે છે. જ્યારે કેટલાક ચાલાક લોકો સભાનતાપૂર્વક માનવવાદનો સાચો અર્થ ને

મહિમા લોકો સુધી પહોંચે નહીં અને માનવતાવાદને નામે ગૂંચવાડો ચાલુ રહે એવા આશયથી 'માનવતાવાદી' શબ્દ વાપર્યા કરે છે.

માત્ર ધર્મ મિશ્રિત દયાદાનને કરૂણા જ માનવતા ન કહેવાય પરંતુ માણસજાતના પરસ્પર આધારિત ને સહજીવનને કારણે વિકસિત થયેલાં સહજ ગુણ તરીકે 'માનવતા' કે માણસાઈ ને જોવી ઘટે.

કોઈ દિવ્ય કે ચમત્કારિક શક્તિ વિના માનવ જ માનવનો ઘડવૈયો છે, તેણે જ પોતાની મહેનતથી, પોતાની અક્કલથી, સહિયારીપણાની ભાવનાથી, સહિયારા અનુભવો ને સહિયારા શારીરિક ને માનસિક શ્રમથી આ દુનિયા, આ સુવિધાઓ, આ યંત્રો, આ આનંદ ઉલ્લાસ, આ 'માનવતા' ઘડી છે એવું સ્વીકારીએ તેને જ માનવવાદ કહેવાય.

વળી પોતાની જાતને અને અન્યોને સતત પ્રશ્નો પૂછતો રહે, મનુષ્યજીવન વિશે ભગવાનના ભય વિના પ્રશ્નો પૂછતો રહે અને માનવજીવનની સમસ્યાઓ યાતનાઓના નિરાકરણ માટે મથતો રહે, દુનિયાના દરેક મનુષ્યનું જીવન વધુ ને વધુ બહેતર, આનંદમય ને ખુશહાલ બની રહે તે માટે સપનાં સેવતો રહે, માત્ર પોતાનું જીવન નહીં પણ સમગ્ર માનવજીવન સુખમય બને તેવી ઈચ્છા રાખનારને જ માનવવાદી કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો માનવવાદ એ એક જીવનદિશા છે, જીવનદૃષ્ટિ છે. અને એટલે જ હું કહું છું કે હું માનવતાનો પૂજારી નહીં પણ માનવવાદી છું.

મનીષી જાની (2021માં પ્રકાશિત પુસ્તક 'માનવવાદ' માંથી)

આ પણ વાંચો:2024ની ચૂંટણીમાં આંબેડકરવાદની કસોટી થશે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.