આણંદમાં ગટરના કામમાં મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને વળતર ચૂકવવા આદેશ

ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરિમા સંસ્થા દ્વારા ગટર સફાઈ કામદારોના અપમૃત્યુ અને તેમને ચૂકવવાના થતાં વળતરને લઇને જાહેરહિતની અરજી કરી હતી

આણંદમાં ગટરના કામમાં મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને વળતર ચૂકવવા આદેશ

પ્રતિબંધ હોવા છતાં ગુજરાત સહિત દેશભરમાં હજુ પણ ગટરમાં ઉતરીને સફાઈકર્મીઓને સફાઈ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આવા જ એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે આણંદ નગરપાલિકાને મૃતકના પરિવારને સહાય ચૂકવવા આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરિમા સંસ્થા દ્વારા ગટર સફાઈ કામદારોના અપમૃત્યુ અને તેમને ચૂકવવાના થતાં વળતરને લઇને જાહેરહિતની અરજી કરી હતી. આ કેસ હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયધીશ સુનિતા અગ્રવાલ અને અનિરૂધ્ધ માયાનીની કોર્ટ સમક્ષ ચાલી જતાં હાઇકોર્ટે સરકાર સહિત બેદરકારી દાખવનાર નગરપાલિકાઓની ઝાટકણી કાઢી હતી. આણંદ પાલિકાના બનાવ અંગે કોર્ટમાં રજૂઆત થઇ હતી. જેથી હાઇકોર્ટે તાત્કાલિક કર્મચારીના પરિવારને વળતર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચુકવવાનો હુકમ કર્યો છે.

આણંદ નગરપાલિકાએ 2001માં ગટર સફાઈ વખતે એક કર્મચારીનું મૃત્યુ થયા બાદ તેના પરિવારજનોને વળતર આપવાનો ઈનકાર કરી દીધો હતો. જેમાં આણંદ નગરપાલિકાએ કારણ આપતા જણાવ્યું હતું કે, સફાઈકર્મીનું મૃત્યુ ગૂંગળામણથી નહીં, પરંતુ માટીનો ઢગલો ધસી પડવાથી થયું હતું. જો કે, કોર્ટે આવી દુર્ઘટનામાં મૃત્યુનું કારણ નહીં જોઈને વળતર આપવા હુકમ કરેલો છે. 

આ પણ વાંચો:કચ્છમાં પહેલીવાર બહુજન સમાજની મહિલાઓ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાશે

વર્ષ 2001ની આણંદની આ ઘટના અંગે આણંદ નગરપાલિકાને એફિડેવિટ ફાઈલ કરવા કોર્ટે હુકમ કર્યો હતો. તેમાં આણંદ નગરપાલિકા જણાવ્યું હતું કે, કામદારનું મોત ગટર સફાઈને લઈને નહીં પરંતુ નવી સુએજ લાઈન નાખતી વખતે થયું હતું. કોન્ટ્રાક્ટરે તેના પરિવારને 1.85 લાખ રૂપિયા આપ્યા હતા. જેથી કોર્ટે કહ્યું હતું કે, કામદાર મુખ્ય રીતે નગરપાલિકાનું કામ કરતો હતો એટલે નગરપાલિકાની મોટી જવાબદારી બને છે. જો કોન્ટ્રાક્ટર વળતર આપે તો નગરપાલિકા કેમ નહીં? કોન્ટ્રાક્ટરની બેદરકારીથી નગરપાલિકા છટકી શકે નહીં. કોર્ટે અરજદારને આણંદ નગરપાલિકા કયા નિયમો અંતર્ગત મૃતકના પરિજનોને વળતર ચુકવે તેને કોર્ટ સમક્ષ મૂકવા જણાવ્યું હતું.

સફાઈકર્મીઓને ગટરમાં ઉતરવા મજબૂર કરનાર સામે ફોજદારી કાર્યવાહી થશે

ગુજરાતમાં હવેથી સફાઈ કામદારોને ગટરમાં ઉતારવા મજબૂર કરતા તત્વો, સંસ્થા કે એજન્સી સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આવા તત્વો પાસેથી વળતર વસૂલવામાં આવશે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, આવી પ્રવૃત્તિ કાયદેસર પ્રતિબંધિત છે, તેમ છતાં રાજ્યમાં જો કોઈ જગ્યાએ આ રીતે સફાઈકર્મીને ગટરમાં ઉતારીને કામ કરવા મજબૂર કરાશે તો તે સંસ્થા, વ્યક્તિ કે એજન્સીને છોડવામાં નહીં આવે.

સુપ્રીમ કોર્ટના કડક આદેશ પછી રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગે એક આદેશ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 20મી ઓક્ટોબર 2023ના આદેશ પ્રમાણે ગટર સફાઈની દુર્ઘટનાના કેસમાં પીડિતના પરિવારને રૂ. 30 લાખનું વળતર આપવાનું રહેશે. રાજ્યની જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોમાં ગટરોની સફાઈની કામગીરી માટે સફાઈકર્મીઓને તેમાં ઉતારવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવે છે. આ રીતે ભૂગર્ભ ગટરમાં ઉતરવું કે કોઈને ઉતરવા માટે ફરજ પાડવાને ગેરકાયદે કૃત્ય ગણવાનું રહેશે અને આવા કૃત્ય માટે તમામ જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવાનો રહેશે.

મૃતકના પરિવારને રૂ. 30 લાખ વળતર મળશે

1993થી ગૂંગળામણને કારણે મોતને ભેટેલા સફાઈ કામદારોના કેસમાં તેમના વારસદારોને 10 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. પણ કોર્ટના આદેશ બાદ આ રકમ વધારીને રૂ. 30 લાખ કરવામાં આવી છે. જો મૃતકના વારસદારને રૂ. 10 લાખનું ચૂકવણું કરવાનું બાકી હોય તો તેમને રૂ. 30 લાખ લેખે વળતર ચૂકવવાનું રહેશે. ગટરસફાઈના કારણે આવેલી વિકલાંગતાના કિસ્સામાં લઘુત્તમ રૂ. 10 લાખ અને કાયમી દિવ્યાંગતાના કિસ્સામાં રૂ. 20 લાખનું વળતર ચૂકવવાનું રહેશે. આવા કિસ્સામાં જે તે જવાબદાર સંસ્થા, સોસાયટી, કોન્ટ્રાક્ટર કે વ્યક્તિ દ્વારા તે વળતર વસૂલ કરાશે.

ગ્રામ પંચાયતોએ ગ્રામસભામાં સમજ આપવી પડશે

રાજ્યની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોએ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે સોસાયટી દ્વારા ભૂગર્ભ ગટરમાં ઉતરવું કે કોઈને તેમાં ઉતારવા માટે ફરજ પાડવી નહીં. ગ્રામ પંચાયતોએ આ મામલે ગ્રામસભામાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ નહીં કરવા અને કરનારા સામે ફોજદારી કાર્યવાહી અને અકસ્માતે મૃત્યુના કેસમાં ચૂકવવાના થતા વળતર અંગેની સમજ આપવી પડશે.

આ પણ વાંચો:છેલ્લાં 5 વર્ષમાં ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન દેશભરમાં 339 લોકોના મોત

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.