સ્મશાન સુધીનો રસ્તો નથી, દલિત મહિલાનું શબ દોઢ દિવસથી ઘરે પડ્યું છે

એક દલિત મહિલાનું મોત થયું છે. સમસ્યા એ છે કે અંતિમવિધિ માટે તેને સ્મશાન સુધી લઈ જઈ શકાય તેવો રસ્તો નથી. જેના કારણે દોઢ દિવસથી તેનો મૃતદેહ આંગણામાં પડ્યો છે.

સ્મશાન સુધીનો રસ્તો નથી, દલિત મહિલાનું શબ દોઢ દિવસથી ઘરે પડ્યું છે
image credit - Google images

મોતને પણ મલાજો ન જળવાય તેવી જિંદગી આ દેશના દલિતો, આદિવાસીઓ જીવી રહ્યાં છે. ક્યારેક તો એવી ઘટનાઓ બને છે જ્યારે આપણને લાગે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ અને વહીવટીતંત્ર આટલું જડ કેવી રીતે હોઈ શકે? પણ પછી સમજાય છે કે, જાતિવાદથી ગ્રસ્ત ભારતની આ જ તો વાસ્તવિકતા છે, જેને છુપાવવા પ્રયત્ન થાય છે, માટે તેને સ્વીકાર્યે જ છુટકો છે.
હાલમાં તંત્રની આવી જ એક ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક દલિત પરિવારની મહિલાનું મોત થઈ ગયા બાદ તેનો મૃતદેહ છેલ્લાં દોઢ દિવસથી અંતિમક્રિયાની રાહ જોતો તેના ઘરના આંગણામાં પડ્યો છે. છતાં કોઈ કશું કરી રહ્યું નથી.

મામલો મહિલાઓ માટે નર્ક ગણાતા રાજસ્થાનનો છે. અહીંના જોધપુર જિલ્લાના એક ગામમાં એક દલિત મહિલાની લાશ 42 કલાકથી ઘરના આંગણામાં એટલા માટે પડી છે કેમ કે સ્મશાન સુધી જવા માટેનો રસ્તો નથી. 

પરંપરા મુજબ અંતિમ સંસ્કાર પહેલા ભોજન ન લેવું તેવો નિયમ હોવાથી દોઢ દિવસથી આ પરિવારના સભ્યો અને બાળકો ભૂખ્યાં છે. બાળકો ભૂખને કારણે રડી રહ્યાં છે પણ કોઈ કશું કરી શકતું નથી. મૃતકના પરિવારજનોનો દાવો છે કે વહીવટી તંત્ર મૃતદેહને સ્મશાનગૃહ સુધી લઈ જવાનો રસ્તો કરાવી શકતું નથી જેના કારણે તેઓ અંતિમ સંસ્કાર કરી શકતા નથી. 

મામલો જોધપુરના ઓસિયાં તાલુકાની ખેતાસર ગ્રામ પંચાયતના રાજેશ્વર ગામના જસનાથ નગરના મેઘવાળ સમાજની વસ્તીનો છે. અહીં શુક્રવારે સવારે દલિત અખારામ મેઘવાલની પત્ની પદુ દેવીનું મૃત્યુ થયું હતું. પરંતુ શનિવાર સાંજ સુધી તેમના અંતિમ સંસ્કાર થઈ શક્યા ન હતા, કેમ કે સ્મશાન સુધી જવા માટેનો રસ્તો વહીવટી તંત્ર કરી શકતું નહોતું. મૃતક મહિલાના પરિવારજનો રસ્તાની માંગને લઈને ઘર આગળ ટોળે વળીને બેઠાં છે પણ કશું થઈ શકતું નથી.

આ પણ વાંચોઃ દલિત યુવકને ફટકારતા બેભાન થયો, પાણી છાંટી ભાનમાં લાવી ફરી માર્યો

હકીકતે પરિવારજનો જે રસ્તેથી સ્મશાનયાત્રા કાઢવાની માંગ કરી રહ્યાં છે, તે રસ્તાને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. વહીવટી તંત્રનું કહેવું છે કે, સ્મશાન સુધી જવા માટે બીજો રસ્તો છે પણ પરિવાર એ જ રસ્તેથી સ્મશાને જવાની જિદ લઈને બેઠો છે. 

દરમિયાન ઓસિયાંના પૂર્વ ધારાસભ્ય દિવ્યા મદેરણાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મામલે પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, "ખેતાસરમાં દલિત પરિવારના મૃતકના અંતિમ સંસ્કાર માટે આ ત્રીજીવાર રોકવામાં આવી રહ્યાં છે. તેમને અંતિમ સંસ્કાર માટે રસ્તો નથી અપાઈ રહ્યો. ગયા વર્ષે પણ આવું થયું હતું અને વહીવટી તંત્રે સમજાવટ કરીને અંતિમ સંસ્કાર કરાવ્યા હતા."

દિવ્યા મદેરણાએ આગળ લખ્યું હતું કે, "વહીવટીતંત્રની ઘોર નિષ્ફળતાને કારણે મૃતદેહના અંતિમ સંસ્કાર થયા નથી અને આજે પણ વહીવટીતંત્ર બહેરા કાન કરીને બેસી ગયું છે. મહિલાનો મૃતદેહ દોઢ દિવસથી ઘરના આંગણામાં પડ્યો છે. પીડિત પરિવારના બાળકો અને મહિલાઓની હાલત રડી રડીને ખરાબ થઈ છે. એક તો પરિવારમાંથી એક સભ્ય ઓછો થવાનું દુ:ખ, બીજી બાજું અંતિમ સંસ્કાર નહીં કરવા દેવાનું દબાણ છે. આમાં પીડિત પરિવાર કરે તો કરે શું?"

મદેરણાએ વધુમાં લખ્યું હતું કે, "પીડિત પરિવારની એક જ માંગ છે કે તેમનો જાહેર રસ્તો ખૂલ્લો કરવામાં આવે અને મૃતકના અંતિમ સંસ્કારની મંજૂરી આપવામાં આવે. મેં ઓસિયાંના કલેક્ટર સાથે વાત કરી છે. તેમનું કહેવું છે કે, પીડિત પરિવાર ખોટું બોલી રહ્યો છે, તે બ્લેકમેઈલ કરી રહ્યો છે. જો તેમને અત્યારે તેમની મરજી પ્રમાણે રસ્તો કાઢી દેવામાં આવશે તો તેનાથી એક ખોટું ઉદાહરણ બેસશે અને કાલે બીજા કોઈ લોકો પણ આવું કરી શકે છે. હું આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ છું કે એક માણસ આવું પણ વિચારી શકે છે, જેના વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ છેલ્લાં દોઢ દિવસથી અંતિમવિધિની રાહ જોતો પડ્યો છે? તેમની પહેલી પ્રાથમિકતા મૃતદેહના અંતિમ સંસ્કારની હોવી જોઈએ, પણ અહીં તો કલેક્ટર વિચારે છે કે, અંતિમવિધિ ભલે ન થાય, પણ ઉદાહરણ ન બેસવું જોઈએ. આનાથી ઉતરતી કક્ષાની ભાવના બીજી કોઈ ન હોઈ શકે."

આ પણ વાંચોઃ ઘરેથી દવા લેવા નીકળેલી દલિત મહિલા પર 7 લોકોએ બળાત્કાર ગુજાર્યો

મૃતકના પરિવારજનોનું કહેવું છે કે, રેવન્યુ એક્ટ હેઠળ તેમણે સબ ડિવિઝન કોર્ટમાં રસ્તા માટે અરજી કરી હતી. જેના પર કોર્ટે ડીએલસી દરે રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો અને તેઓ રસ્તા માટે પૈસા જમા કરાવવા સંમત થયા હતા. પણ જે લોકોના ખેતરની વચ્ચેથી રસ્તો જઈ રહ્યો હતો, તેમણે જોધપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી દીધી. જેના કારણે રસ્તા માટેના પૈસા જમા ન થઈ શક્યા અને કોર્ટે યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપી દીધો.

આ તરફ સ્થાનિક વહીવટી તંત્ર, ટીડીઓ અને મહેસૂલની ટીમ ઘટનાસ્થળે જઈને મૃતકના પરિવારજનોને મૃતદેહના અગ્નિસંસ્કાર માટે સમજાવવાનો સખત પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ પરિવારના સભ્યો એ જ માર્ગે સ્મશાન જવા પર અડગ છે.

મહેસૂલ વિભાગનું કહેવું છે કે મૃતકના અંતિમ સંસ્કાર માટે સ્મશાન જવા માટે અન્ય ઘણાં રસ્તાઓ છે. તેઓ જે રસ્તેથી સ્મશાને પહોંચીને અંતિમવિધિ કરવાની વાત કરી રહ્યાં છે તે મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને તેથી રેવન્યુ ડિપાર્ટમેન્ટ તે રસ્તો ખોલી શકે તેમ નથી. 

આ તમામ જો અને તો વચ્ચે એક દલિત મહિલાના મોતનો મલાજો જળવાઈ નથી રહ્યો તે વાસ્તવિકતા છે. સાથે જ એક સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે, જો આ આખી ઘટનામાં મૃતક એક દલિત મહિલાને બદલે કથિત સવર્ણ જાતિની હોત તો પણ વહીવટી તંત્ર આ જ રીતે કામ કરત? વિચારી જોજો.

આગળ વાંચોઃ કલ્પના સરોજ - એ દલિત મહિલા જેણે બિઝનેસમાં સવર્ણોની મોનોપોલી તોડી બતાવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.