જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રખાય છે

આભડછેટ અને જાતિવાદને કારણે ગુજરાત સહિત દેશભરમાં દલિતોએ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ કેવો કેવો સંઘર્ષ કરવો પડે છે તે વાંચીને ચોંકી જશો.

જાહેર પાણીના નળ પર 71.4 ટકા દલિતો સાથે આભડછેટ રખાય છે
image credit - Google images

નાત-જાતના ભેદના કારણે કોઈને પીવાનું પાણી ન મળે એવું તમે ક્યાંય જોયું? પાણી આમ તો  કુદરતી દેણ છે અને પાણી દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે પરંતુ જ્ઞાતિનું ઝેર પાણીને પણ છોડતું નથી. દલિત સમુદાયને પાણી મેળવવામાં પારાવાર તકલીફો પડે છે તેની કેટલીક નોંધપાત્ર હકીકતો જુવો જે અદ્રશ્ય ભારત બતાવશે.

આમ પણ દલિતોએ પાણી માટે મોટા સંઘર્ષ કરવા પડ્યા છે તેના સબળ પુરાવા આપણે ઈતિહાસ ચકાસીએ તો જણાશે. સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ચવદાર તળાવ સત્યાગ્રહ પાણી માટેનો એક ઐતિહાસિક સંઘર્ષ હતો, પાણીનો હક લેવામાં સનાતાનીઓ એ અનેક અડચણો ઊભી કરેલી. આ સત્યાગ્રહના આટલા વર્ષો બાદ પણ દલિતોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. 1982ની આસપાસ સુરેન્દ્રનગર જીલ્લાનાં મૂળી તાલુકાના રણમલપુર ગામે પાણી માટે મોટો હત્યાકાંડ થયેલો જેમાં બે દલિતોએ જાન ગુમાવી હતી. 1992ના  માર્ચ મહિનામાં અમદાવાદના 42 ગામના દલિતોએ સામૂહિક રીતે રેલી કાઢી પીવાના પાણીની થતી અસમાન વહેંચણીનો અને ગંદા પાણીનો પ્રશ્ન ઉભો કરેલો, રેલીમાં  કેટલીક બહેનો તો દલિતોને મળતું ગંદુ  પાણી બોટલોમાં સાથે લઈ આવી  હતી અને મામલતદારને આવેદનરૂપે ગંદા પાણીની બોટલો આપી કહેલું કે જો આપ આ પાણી પી શકતા હો તો અમારી આપ સમક્ષ કોઈ જ ફરિયાદ નથી, ત્યાર બાદ 2012માં અમદાવાદના કલેક્ટર રૂપવતસિંઘને  અમદાવાદ જિલ્લાની આજુબાજુના    20 ગામના 1200 જેટલા દલિત પરિવારોને નાતજાતના ભેદના કારણે પીવાનું પાણી મળી શકતું નથી એવું આવેદનપત્ર આપ્યું હતું. અમદાવાદ જિલ્લામાં ઘણાં બધાં ગામોમાં બોલતા પુરાવા જેવી હકીકતો સામાજિક નિસબત ધરાવતા નાગરિકો સમાજ સમક્ષ લાવેલા તેની કેટલીક હકીકતો આપ સમક્ષ મુકું છું.

આ પણ વાંચો: અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી

1100ની વસ્તી ધરાવતા ઘોડી ગામમાં દલિતોની 135ની વસ્તી છે. તેમના માટે પીવાના પાણીની લાઈન 20 વર્ષ જૂની છે અને ચારથી પાંચ દિવસે પાણી આવે છે અને તે પણ અપૂરતું જેના કારણે દલિતો પાણી મળતું નથી. મહોલ્લાથી થોડેક દૂર અવાવરું જગ્યાએ પાણીનું ખુલ્લું કનેક્શન છે જયાં પાણી વહી જાય છે. 125ની વસ્તી ધરાવતા અરણેજ ગામમાં દલિત બહેનો એક કિલોમીટર દૂરથી પીવાલાયક ન હોય તેવું પાણી લાવે છે. 800ની વસ્તી ધરાવતા જવારજમાં જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ કૂવા છે, ત્રણ વર્ષ પૂર્વે દલિતોને પાણી પૂરું પાડવા માટે અલગ સમ્પ બનાવવામાં આવેલ, પણ ત્યાં પાણી આવતું નથી. ભુરખી ગામે પણ પાણીની પાઈપલાઇનમાંથી પાણી મળતું નથી એટલે જ્ઞાતિવાર અલગ કૂવેથી પાણી ભરાય છે. પાણીનું કનેકશન ધરાવતા લોકોમાં દલિતોને છેલ્લે અને ઓછું પાણી મળે છે. પીસાવાડા ગામે દલિતો 20 રૂપિયા ખર્ચીને પાણી લાવે છે. બાવળાના ધનાવાડામાં  જ્ઞાતિ પ્રમાણે પાણી છોડવાનો સમય જાહેરમાં લખીને મુક્યો છે જેમાં દલિતો માટે પાણી છોડવાનો સમય છેલ્લે લખેલ છે. દહેગામડામાં પાઇપલાઇન હોવા છતાં દલિત ફળિયામાં કનેક્શન આપવામાં આવતું નથી. આ અંગે સરપંચ કહે છે કે તેનાથી કીચડ થશે. બગોદરામાં દલિત સમુદાયને વહેલી સવારે 04:00 05:00 વાગે પાણી આપવામાં આવે છે તેથી તકલીફ પડે છે. વિરમગામના છાશિયાણા ગામમાં 135 દલિત પરિવાર નજીકના સમ્પમાંથી ગંદુ પાણી મેળવીને પીવે છે, દલિતોનો અલગ કૂવો છે પણ પાણીનું સ્તર ખૂબ ઉંડુ હોવાના કારણે પાણી મળી શકતું નથી. સાણંદના લોહરીયાડામાં દલિતો પટેલોના નળથી પાણી મેળવે છે આમ ઉડીને આંખે વળગે એવી બોલતા પુરાવા જેવી હકીકતો સામે આવેલી છે. 

આ પણ વાંચો: તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...

હમણાં તાજેતરમાં ખેડાના માલાવાડમાં પાણીના પ્રશ્ન લઇને દલિતો પર ગંભીર હુમલો થયેલો જેમાં સમગ્ર દલિત સમાજમાં ગામના લોકોએ આતંક મચાવેલો અને મકાનોમાં તોડફોડ તેમજ મારામારી કરેલી, આટલેથી તેમનું મન ન ભરતા દલિતોના કૂવાને ગંદો કરવામાં આવેલ. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામે દલિત બંધુઓએ પીવાના પાણી માટે આવેદન આપી સરકારી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. અહીં પણ માત્ર દલિત સમાજને પાણી મળતું નથી તેવો પ્રશ્ન સાથી મિત્ર જયસુખભાઈ ખારવા જેઓ મજૂરી કરી ગુજરાન ચલાવે છે, તેઓએ ઉભો કર્યો હતો. આ ગામ હાલના ભાજપના સિટીંગ ધારાસભ્યનું ગામ છે. જેઓનું નામ મેઘજી ચાવડા છે. હમણાં ગયા વર્ષે જ સાથી મિત્ર મહેશભાઈ તુરીએ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ કે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના કુડોલ ગામે અને મંડાલી ગામે પણ દલિતોને પાણી આપવામાં ભેદભાવ થાય છે, દલિત ફળિયામાં પીવાના પાણીની લાઈન પણ નાની રાખવામાં આવી છે અને પુરતા પ્રમાણમાં પાણી પણ આપવામાં આવતું નથી. મોરબીના આંબેડકરનગરમાં દલિતોને પૂરતું પાણી મળતું નથીની ફરિયાદો વારંવાર પ્રસાસનને આપવામાં આવી છે. 2014માં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લુણાસણ ગામે પાણી ભરવા જતી બે દલિત બહેનોએ અત્યાચારનો ભોગ બનવું પડેલું જેથી બહેનોએ ફરિયાદ કરી હતી. મહેમદાવાદના જાળિયામાં 2012માં ખુદ સરપંચે કુવામાંથી દલિતોને પાણી ભરવાની મનાઈ ફરમાવી હતી. જે તે સમયના મહેસાણા જિલ્લાના અને હાલના ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં પાણીની ફરિયાદ કરવા ગયેલા દલિતભાઈને જાતિ વિરુદ્ધ અપમાન  કરીને તેમની ઉપર હુમલો પણ કરવામાં આવેલો, જેમાં 17 લોકો આરોપી બન્યા હતા. તો આવી જ રીતે બનાસકાંઠાના ધાનેરામાં પણ પાણી ની ફરિયાદ કરવા ગયેલા દલિત ભાઈને જાતિગત અપમાનિત કરી કાઢી મુકાયેલા.

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના સોના ખાટે ગામે અને જાલનાના ભુતેગાવમા ડંકીથી પાણી ભરવાનો પ્રયાસ કરનાર દૂધમલ દલિત યુવાનોની હત્યા થઈ હતી. સુશીલ કુમાર શિંદે જેવા દલિત મુખ્યમંત્રીના શાસનકાળના પ્રથમ છ માસમાં મરાઠાવાડા વિસ્તારમાં દલિત અત્યાચારના 46 બનાવો બનવા પામેલા, જેમાં 19 પાણીના પ્રશ્નને લગતા હતા. અરે મહાડ સત્યાગ્રહના સ્થળે 2003માં પાણીના હક સંબંધી દલિતોની અત્યાચાર વિરોધી પાણી હક સંબંધી પરિષદ યોજાઈ હતી. આ સઘળી હકીકતો દર્શાવે છે કે દલિતો માટે પાણી બહુ મોટી સમસ્યા છે. 

આ પણ વાંચો: ડીસાના રામપુરમાં દલિત બાળકે માટલામાંથી પાણી પીધું તો માર્યો

ગ્રામીણ ગુજરાતની ૭૦ ટકા ઉપરાંતની દલિત વસ્તી પીવાના પાણીના સહિયારા સ્રોતમાંથી પાણી મેળવી શકતી નથી, તેમને ગામના સવર્ણ લોકોની મરજીથી રેડામણા પાણીનો આધાર રાખવો પડતો હોય છે.(રેડામણું પાણી એટલે કે દલિતોના ઘડામાં પોતાની મરજીથી ઉપરથી પાણી રેડવું). ગ્રામીણ ગુજરાતમાં અસ્પૃશ્યતા આચરણ અંગેના સમાજવિજ્ઞાનીઓ આઈ. પી. દેસાઈ અને  ઘનશ્યામ શાહના અભ્યાસક્રમમાં દલિતોને પાણીના પ્રશ્ને ભોગવવી પડતી સ્થિતિનું ભયાનક ચિત્ર જોવા મળે છે. આઈ.પી.દેસાઈના અભ્યાસ સર્વેક્ષણ હેઠળના 69 ગામો પૈકી 44 ગામોમાં દલિતો માટે અલાયદા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 

robert કેનેડી સેન્ટર ફોર જસ્ટિસ એન્ડ હ્યુમન રાઇટ્સ અને નવસર્જન દ્વારા 2010માં ગુજરાતના 56 તાલુકાના 1,589 ગામમાં આભડછેટ અંગેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમાં બિન દલિતોના વિસ્તારોમાં પાણીના નળ પર દલિતો સાથે 71.4 ટકા અને ગામના કુવેથી 66.3 ટકા આભડછેટ પળાતી હોવાનું જણાઈ આવ્યું હતું. હિન્દુ ધર્મ દ્વારા ઉભી કરાયેલી જાતિ વ્યવસ્થામાં ગુજરાતમાં પંચાયતોમાં પાણીની બાબતોમાં દલિત સભ્યો સાથે ૬૨.૭ ટકા આભડછેટ પાળવામાં આવે છે. જાહેર પાણીની પરબો પર 42.9 %, સ્કૂલોમાં ૪૨ ટકા પીવાના પાણી માટે દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવે છે. આપણા સમાજમાં પીવાનું પાણી અને ઘર વપરાશનું પાણી લાવવાનું કામ સ્ત્રીઓના માથે મારવામાં આવ્યું છે. 

સ્ત્રી હોવું અને તેમાંય દલિત સ્ત્રી હોવું એ વારી વિપદા વધારનારૂ પરિબળ છે. પાણી માટે  ક્યારેક દરબદરની ઠોકરો ખાવી, અપમાનો સહન કરવા અને ક્યારેક તો જાતીય શોષણનો ભોગ પણ સ્ત્રીઓએ બનવું પડે છે. સ્ત્રીઓ સમગ્ર કુટુંબ માટે પાણી મેળવવા તનતોડ મહેનત કરતી હોવા છતાં ક્યારેક પાણીનો ન્યાયપૂર્ણ હિસ્સો સ્ત્રીઓના ભાગે આવતો નથી અને તેના કારણે સ્ત્રીઓના આરોગ્ય વિષયક પ્રશ્નો ઊભા થાય છે. ગુજરાતમાં પાણી મેળવવા માટે વર્ષે 330 લાખ માનવ દિન ગુમાવવા પડે છે. માટે તે દલિત સ્ત્રીઓ માટે આ ભેદભાવના કારણે વધુ આકરું બને છે જે દેશમાં વિદેશી કંપનીઓ વર્ષે ૮૫ કરોડ રૂપિયાના પાણીનો વેપલો કરતી હોય તે દેશમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પંચના 1997/98 વર્ષના અહેવાલ મુજબ દલિત વિસ્તારમાં ૨૨.૪૬ ટકા જેટલી દલિત વસ્તી સુધી હજુ પીવાનું પાણી પહોંચી શક્યું નથી. આ સઘળી હકીકતો દર્શાવે છે કે આજે પણ દલિતો માટે પીવાનું પાણી હજુ પણ જોજન દૂર છે.

એડવોકેટ કૌશિક પરમાર, મહેસાણા(લેખક વ્યવસાયે એડવોકેટ અને દલિત-બહુજન સમાજના પ્રશ્નો માટે સતત ઝઝૂમતા સામાજિક કાર્યકર છે)

(મૂળ લેખ વર્ષ 2015માં લખાયો હતો, જે સામાન્ય સુધારા સાથે અહીં રજૂ કર્યો છે.)

આ પણ વાંચો: જે તળાવ સામે જોવાની પણ હિંમત નહોતી તેમાંથી જ્યારે દલિતોએ ખોબાં ભરીને પાણી પીધું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.