તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...
પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી પી.એલ. રાઠોડ સાહેબ અહીં તેમના બાળપણનો એક એવો પ્રસંગ વર્ણવે છે, જે વાંચીને ભલભલાં કઠણ કાળજાનાં લોકો પણ કકળી ઉઠે.
-પી.એલ. રાઠોડ
હું એ મહામાનવોના સંઘર્ષને કઈ રીતે ભૂલી શકું જેમણે મને કાછલીનાં અસ્વચ્છ પાણીથી કેન્ટનાં ફિલ્ટર પાણીની વ્યવસ્થા કરી આપી હોય? બાળપણ અને કિશોરવયમાં મજૂરી કરીને થાક્યા હોઈએ કે એક ગામડેથી બીજા ગામડે પગપાળા મુસાફરી કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે રસ્તામાં તરસ લાગે. બાળપણના એવા કેટલાય કિસ્સા યાદ આવે છે કે ક્યાંક તરસથી ટળવળતા હોઈએ ત્યારે આજુબાજુમાં ક્યાંક કોઈકનું ખોરડું-ઘર દેખાય એટલે રાડ પાડીને પાણી માટે આજીજી કરીયે ત્યારે સીધા જ પહેલો પ્રશ્ન આવે "એલા તમે કેવા?" અને જેવો જવાબ આપીએ એટલે તરત જ તુચ્છ ભાષામાં કહે ‘એલાવ જોવ તમારા જેવા હારુ ઓલ્યા ગોખલામાં કાછલી (નારિયેળ ફોડી નાખ્યા પછીનો એની બાહ્ય છાલનો ભાગ) રાખી છે એ લઈ લ્યો.”
અને તરસે હાંફી ગયેલા અમે એ ગોખલામાંથી અથવા તો ક્યાંક કોઈ ઝાડ પર ટીંગાડેલી એ કાછલી હાથમાં લઈએ, અને કોણ જાણે કેટલાય દિવસોની પડતર એ કાછલીમાં ગમે તેટલી ધૂળ કે કચરો હોય તો ફૂંક મારીને કે હાથેથી સાફ કરવાની રહે, કોઈ વળી સારી વ્યક્તિ હોય તો કાછલી સાફ કરવા પાણી આપે નહીંતર જેવી હોય તેવી કાછલીમાં પાણી પી લેવાનું અને પાણી પી ને પાછી એ જ જગ્યાએ ફરીથી કાછલી મૂકી દેવાની કારણ કે એ લોકો કાછલીને અડે તો પણ અભડાઈ જતા હતા.
આવો જ એક પ્રસંગ મને યાદ છે,
અમારા ગામ કોબમાં મગફળી કે તેલની ઘાણી નહોતી. એટલે અમે બાજુના તડ ગામે ઘાણી કઢાવવા વહેલી સવારે ચાલીને જતા. ઘાણી કઢાવીને હું તેમજ મારાથી મોટા બેન રાજુબેન બપોરના ધોમધખતા તડકામાં ચાલીને ઘરે પરત જતા હતા. રસ્તામાં ભીંગરણ ગામ આવે છે ત્યાં બસ સ્ટેશનની દક્ષિણે એક કોળી જ્ઞાતિનું ઘર હતું. અમે ત્યાં જઈ પાણી માટે આજીજી કરતો અવાજ કર્યો એટલે લગભગ અંદાજે 35થી 40 વરસની ઉંમરની મહિલા ઘરમાંથી પાણીના કળશ સાથે બહાર નીકળી અને કહે કે હામે ઝાડવેથી કાછલી લઈ લે, મેં કાછલી લીધી તો બહુ ગંદી હતી. તેમ છતાં અમે બેનના હાથથી અને કપડાથી સાફ કરી પણ બરાબર સાફ ના થઈ એટલે અમે કહ્યું કે કાછલી સાફ કરવા થોડુંક પાણી નાખો ને, એટલે એ બાઈએ કહ્યું કે, "હારું છે તમે લોકોને કાછલીમાં પાણી આપીયે છયે, તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોયે તો જ તમે નખરા ન કરો." તરસે ટળવળતા અમે બેન ભાઈ પાસે એ ગંદી કાછલીમાં પાણી પીવા સિવાય કોઈ વિકલ્પ ના હતો.
આજે પણ જ્યારે હું નારિયેળની આવી કાછલી જોઉં છું ત્યારે અપમાનિત થઈને પણ કાછલીમાં પીધેલા પાણીની યાદ આવી જાય છે, એટલું જ નહીં જ્યારે જ્યારે ભીંગરણ ગામેથી નીકળું છું ત્યારે એ બાઈના શબ્દો "તમે લોકોને તો સંડાસના ડબલામાં પાણી આપવું જોઈએ" એ શબ્દો મને અચૂક યાદ આવી જાય છે.
અને આજે તો લાખો રૂપિયાના બંગલામાં રહીને લાખોની મોંઘી ગાડીમાં કેન્ટનું પ્યોરીફાય પાણી પીઉં છું ત્યારે કાછલીના એ ગંદા પાણી ને પણ હું ભૂલી શકતો નથી. અને પોતાની જાતને પ્રશ્ન કરું છું કે આ કાછલીના અસ્વચ્છ પાણીમાંથી કેન્ટના વોટર પ્યુરીફાય પાણી સુધી મને પહોંચાડનાર એવા કેટલાય મારા મહામાનવો અને કેટલાય નામી અનામી વડવાઓએ બલિદાનો આપ્યા છે કે જેના પ્રતાપે આજે હું અને મારો પરિવાર જ નહીં, એવા કેટલાય કરોડો લોકો સ્વચ્છ પાણી મેળવી શક્યા છે. ત્યારે હવે મારા મહામાનવો તેમજ નામી અનામી કેટલાય નવલોહીયા શહીદોએ અમોને આપેલા આ અધિકારોના રક્ષણ માટે મારી ભૂમિકા શું? એ પ્રશ્ન હું અવારનવાર મારી જાતને પૂછતો જ રહેતો હોઉં છું.
આ પણ વાંચો : ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી
.
અને એમાંય ઘણી વખત કુટુંબમાંથી કે મિત્ર વર્તુળોમાંથી લોકો સલાહ આપતા હોય છે કે “અરે આટલી સારી નોકરી, સારો પગાર, સારા મકાન એમ ઘણું બધું છે તો મોજ કરોને, આ સામાજિક કામ કરવાનો ઠેકો કંઈ તમે એકલા એ જ થોડો લીધો છે? આ સૌની હારે જેમ બધાં હાલે એમ આપણે પણ કરાય, હવે આ ખોટો હાય ઉકાળો અને દોડા દોડી છોડો.”
ત્યારે હું એમને આપણા મહામાનવોના સંઘર્ષની વાત તેમજ આવું આપણા નામી અનામી શહીદોએ પણ વિચાર્યું હોત તો? તો આપણે ક્યાં હોત? એવો પ્રશ્ન કરું એટલે લગભગ સામેની વ્યક્તિ ચૂપ.
બસ પછી તો જ્યારે જ્યારે પણ મને થોડી ઘણી નિરાશા સાંપડે કે કડવા અનુભવ થાય ત્યારે મારી જાતને જ હું ઉપરોક્ત સવાલો કરું અને અંદરથી જ મને જવાબ પણ મળી જાય અને હું મારી નૈતિક ફરજમાં ફરીથી જોડાઈ જાવ છું. કોઈ કરે કે ના કરે, મારી પોતાની જે નૈતિક ફરજ છે તે મારે ગમે તે સંજોગોમાં બજાવવાની છે આ જ મંત્ર મને સતત શક્તિ અને બળ પૂરું પાડે છે. જય ભીમ, જય સંવિધાન.
(લેખક નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી અને બામસેફ-બસપાના સક્રિય કાર્યકર છે.)
આ પણ વાંચો : જે તળાવ સામે જોવાની પણ હિંમત નહોતી તેમાંથી જ્યારે દલિતોએ ખોબાં ભરીને પાણી પીધું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Nilesh ItaliyaHowever today's people y r forgetting old days? Very strange. Really experienced by so many people but acting like lack of awareness unity & diversity of devisions.