કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?

ભારતના બંધારણનું આમુખ દેશને બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે ઓળખાવે છે, પરંતુ નગ્ન સત્ય એ છે ક, દેશનું ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જ્યાં આમુખના આ મૂળ તત્વોનું ઉલ્લંઘન ન થતું હોય. ન્યાયતંત્ર પણ તેમાંથી બાકાત નથી. ત્યારે હાલમાં જ સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટો અને નીચલી કોર્ટોમાં દાખલ થતા કેસોમાં પક્ષકારોના નામ, સરનામાં સાથે તેની જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાની મનાઈ ફરમાવી છે. આવું શું કામ કરવું પડ્યું, તેની વાત અહીં નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ કે. બી. રાઠોડ સાહેબ આપણને વિસ્તારથી સમજાવે છે.

કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?
image credit - Google images , live Law

- કે. બી. રાઠોડ

તાજેતરમાં સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અસનુદ્દીન અમાનુલ્લાહની બેંચે શમા શર્મા વિરુદ્ધ કિશન કુમારના કેસમાં જજમેન્ટ આપી એવો આદેશ કરેલ છે કે સુપ્રીમ કોર્ટથી માંડીને આ દેશની તમામ હાઇકોર્ટો અને ડિસ્ટ્રીક્ટ જ્યુડિશિયલી અર્થાત તમામ નીચલી કોર્ટોમાં જે કેસો દાખલ થાય તેમાં પક્ષકારોના નામ સરનામા વિગેરે વિગતોનું જે કોઝ ટાઇટલ હોય તેમાં જે તે પક્ષકારની જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવો નહીં. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટનાં રજિસ્ટ્રી વિભાગ ઉપરાંત દેશની તમામ હાઇકોર્ટના રજિસ્ટ્રારોને જજમેન્ટની નકલ મોકલી આપી આ જજમેન્ટમાં જે ગાઈડ લાઈન આપેલ છે તેનો અમલ કરવાનો આદેશ કરેલ છે.


આ આદેશનો અમલ કરવાના ભાગરૂપે આ આદેશની નકલ ગુજરાત હાઇકોર્ટને મોકલતા, હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે જિલ્લાની તમામ કોર્ટોને એક સર્ક્યુલર બહાર પાડીને સુપ્રીમ કોર્ટના આદેશનું કડકાઈથી પાલન કરવાની સૂચના જારી કરેલ છે.

આ પણ વાંચોઃ તોડબાજો અને ગુનેગારો, ચોરની મા કોઠીમાં મોઢું રાખી રડે તે કહેવત પ્રમાણે બોધપાઠ લેશે?

ભારતીય બંધારણના આર્ટિકલ 141 મુજબ સુપ્રીમ કોર્ટ જજમેન્ટમાં જે કાનૂન જાહેર કરે અર્થાત જે કંઈ માર્ગદર્શિકા જાહેર કરે તેનું પાલન અને અમલ કરવા દેશની તમામ કોર્ટો બંધાયેલી છે.


મતલબ કે સુપ્રીમ કોર્ટનાં આ જજમેન્ટ મુજબ દેશની તમામ કોર્ટનાં પક્ષકારોની જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાનો નથી. આ આદેશનો ભંગ થયે સુપ્રીમ કોર્ટ જે તે વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ કન્ટેમ્પટ ઓફ કોર્ટના પગલાં લઈ સજા પણ કરી શકે.


આ દેશમાં જ્ઞાતિ જાતિ અને ધર્મના નામે જે ઝઘડા, તકરારો, ખૂનખરાબી, અત્યાચારો, અન્યાય અને આતંક ફેલાય છે તેને દૂર કરવા માટે ભારતીય બંધારણમાં આમુખ(Preamble) અને જુદાજુદા આર્ટિકલોમાં જોગવાઈઓ કરવામાં આવેલ છે. તેના અમલીકરણ માટે જુદાજુદા કાયદાઓ ઘડવામાં આવેલ છે. છતાં તેનો કડક અમલ થતો નથી. તેના ઉપાય તરીકે દેશની તમામ અદાલતોમાં દાખલ થતા કેસોના પક્ષકારોની જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ નહીં કરવાના સુપ્રીમ કોર્ટનાં આદેશથી અમુક અંશે જ્ઞાતિવિહીન ધર્મનિરપેક્ષ સમાજ વ્યવસ્થા પેદા થશે.

અત્રે હવે થોડી આડ વાતઃ આ પહેલા આ દેશની કોર્ટોમાં જે કોઈ કેસ દાખલ થાય તેમાં પક્ષકારોના નામ, ઉંમર, સરનામાં વગેરે વિગતો ઉપરાંત તેની જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવો પડતો. આ રીતે જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાના કારણે ઘણી વખત કોર્ટોના જજોની, ઉભય પક્ષકારોની, સાક્ષીઓની, વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસકર્મીઓની, વકીલોની એમ સૌની વ્યક્તિગત જ્ઞાતિ, ધર્મ, સંસ્કાર, માન્યતાઓ વગેરેના લીધે અમુક પક્ષકારો વિરુદ્ધ પૂર્વગ્રહિત માનસિકતાથી અન્યાય થવાની શક્યતા નકારી શકાતી નહીં.


કોર્ટ કેસોના પક્ષકારોની જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવાના કારણો પૈકીનું એક કારણ એ પણ હતું કે કોર્ટમાં જે કેસ દાખલ થાય તેમાં પક્ષકારોના સોગંદનામાં રજૂ કરવાના થાય. ઉપરાંત પક્ષકારોની કોર્ટ સમક્ષ સોગંદ પર જુબાની લેવામાં આવે ત્યારે સોગંદ અંગેના કાયદાની(Oaths Act) ની જોગવાઈ મુજબ જે તે પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના આધારે કોર્ટનાં જજ જે તે પક્ષકારની જુબાની શરૂ થાય તે પહેલા સોગંદ લેવડાવે ત્યારે પક્ષકારના ધર્મ પ્રમાણે તેના ઇષ્ટદેવ કે દેવીદેવતાના સોગંદ લેવડાવવા ફરજીયાત હોય છે. દા. ત. મુસ્લિમ પક્ષકાર હોય તો તેને અલ્લાહના સોગંદ લેવડાવવા, ક્રિશ્ચિયન હોય તો ક્રાઇસ્ટ(ઈસુ ખ્રિસ્ત) ના સોગંદ લેવડાવવાના થાય. તેવું જ હિન્દુ પક્ષકારનું બને. 


અલબત ક્યારેક એવું બને કે કોઈ પક્ષકાર કોઈ ધર્મ પાળતો જ ન હોય અને નાસ્તિક હોય તો સોગંદ લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દે ત્યારે શું? તેવો પ્રશ્ન ઘણી વાર બને. આમ જયારે કોઈ પક્ષકાર સોગંદ જ લેવાનો ઇન્કાર કરે તો તેની જુબાનીનું શું સમજવું? તેની જુબાની માનવાની કે નહીં માનવાની? આવા કિસ્સામાં એવી જોગવાઈ છે કે કોઈ પક્ષકાર કે સાક્ષી સોગંદ લેવાનો જ ઈન્કાર કરે તો સોગંદ નહીં લેવા માત્રથી તેની જુબાની નહીં માનવી તેવું નથી. તેની જુબાની ચૂકાદામાં પુરાવાના વિશ્લેષણ વખતે ધ્યાને લઈ જ શકાય.


અલબત કોર્ટમાં દાખલ થતા તમામ કેસોમાં પક્ષકારોના નામ પરથી તેની જ્ઞાતિ અને ધર્મનો ખ્યાલ આવ્યા વગર રહે નહીં. તેના જે કોઈ ભયસ્થાનો હોય તે નિવારી શકાય નહીં. તેથી તે અંગે કંઈક નવું વિચારવું રહ્યું. આ દેશ જ્ઞાતિવિહીન અને ધર્મનિરપેક્ષ બને તેવી સૌ અપેક્ષા રાખીએ.

(લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને ન્યાયિક વ્યવસ્થામાં પડતી સમસ્યાઓ અંગે ચિંચિત વડીલ છે)

આ પણ વાંચોઃ ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરોઅહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.