મરાઠાને OBC અનામતમાંથી ભાગ આપવાના વિરોધમાં છગન ભુજબળે શિંદે સરકારમાંથી રાજીનામું આપ્યું

મહારાષ્ટ્રમાં મરાઠાઓને ઓબીસી સમાજની અનામતમાંથી ભાગ આપવાને લઈને છેલ્લાં ઘણાં સમયથી ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે ત્યારે હવે દિગ્ગજ ઓબીસી નેતા છગન ભુજબળે એકનાથ શિંદે સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. શું છે તેની પાછળના કારણો વાંચો આ રિપોર્ટમાં.

મરાઠાને OBC અનામતમાંથી ભાગ આપવાના વિરોધમાં છગન ભુજબળે શિંદે સરકારમાંથી રાજીનામું આપ્યું
Photo By Google Images

મહારાષ્ટ્ર સરકારમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી અને રાજ્યના વરિષ્ઠ ઓબીસી નેતા છગન ભુજબળે જાહેરાત કરી છે કે તેમણે શિંદે સરકારની મરાઠાઓને OBC અનામતમાંથી ભાગ આપવાના વિરોધમાં સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. ભુજબળે ખુલાસો કર્યો હતો કે તેમણે 16મી નવેમ્બર 2023ના રોજ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. પણ હજુ સુધી તેને સ્વીકારવામાં આવ્યું નથી. ભુજબળે દાવો કર્યો કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને આ મામલામાં મૌન રહેવા કહ્યું હતું. એનસીપી નેતાએ મરાઠાને ઓબીસી વર્ગની અનામતમાંથી ભાગ આપવાના વિરોધમાં પોતાનું રાજીનામું આપી દીધું હતું.


મહારાષ્ટ્રના અહમદનગરમાં એક ઓબીસી રેલીને સંબોધન કરતા છગન ભુજબળે કહ્યું હતું કે, તેઓ રાજીનામાં પર મૌન છે, કેમ કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને જાહેરમાં આ મામલે ન બોલવા માટે કહ્યું હતું. હું તેના પર ચૂપ રહ્યો, પણ અમુક લોકો હવે ઓબીસીના પક્ષમાં બોલવાને લઈને મને કેબિનેટમાંથી બહાર કરવાની માંગ કરી રહ્યાં છે. હું મારા છેલ્લાં શ્વાસ સુધી ઓબીસી માટે લડતો રહીશ.


છગન ભુજબળે શિવસેનાના બુલઢાણાના ધારાસભ્ય સંજય ગાયકવાડનો ઉલ્લેખ કરીને આ વાત કરી છે. ગાયકવાડે ભુજબળ સામે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને મંત્રી પર પરથી તેમનું રાજીનામું માંગ્યું હતું.


ભુજબળના જણાવ્યા પ્રમાણે, જાલણા જિલ્લાના અંબાદમાં ઓબીસીની રેલીમાં જતા પહેલા તેમણે રાજીનામું આપી દીધું હતું. ઓબીસી વર્ગમાંથી મરાઠા અનામતની વિરુદ્ધમાં આગેવાની લેનાર છગન ભુજબળે છેલ્લાં અઢી મહિનામાં રાજ્યભરમાં અનેક રેલીઓને સંબોધિત કરી છે. પોતાના રાજીનામામાં તેમણે કહ્યું કે, તેઓ રાજીનામું આપી રહ્યાં છે, કેમ કે તેમના કેટલાક કેબિનેટ સાથીઓ મરાઠા અનામત સાથેના તેમના વલણ સાથે સહમત નથી.


ભુજબળે મહારાષ્ટ્ર પછાત વર્ગ કમિશન દ્વારા મરાઠા સમાજના હાલમાં જ પૂર્ણ થયેલા સર્વે પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, જાણકારી એકત્ર કરતી વખતે સર્વેયરો દ્વારા ખોટી માહિતી નોંધવામાં આવી છે.


મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર દ્વારા 27 જાન્યુઆરીએ કણબી પૃષ્ઠભૂમિવાળા મરાઠા સમાજના સભ્યોના લોહીના સંબંધીઓને કણબી પ્રમાણપત્રો આપવાનું જાહેરનામું બહાર પાડ્યા પછી OBC સમાજની આ પહેલી રેલી હતી.


ભુજબળના નિવેદન પર પ્રતિક્રિયા આપતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “મુખ્યમંત્રી એકનાથ શિંદે ભુજબળના રાજીનામા પર નિવેદન કરવા માટે વધુ સક્ષમ ગણાય. અત્યારે હું બસ એટલું જ કહી શકું છું કે સીએમે હજુ સુધી રાજીનામાનો સ્વીકાર નથી કર્યો.”

આ પણ વાંચોઃ ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા જેવું, ફક્ત 1 સભ્યથી ચાલે છે!

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.