ગીગા ભમ્મરે હવે અનુસૂચિત જાતિ સમાજ નું અપમાન કર્યું? દલિત આગેવાનો સબક શીખવાડવાના મૂડમાં
ભાવનગરના આહિર આગેવાન ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કરતા જણાય છે, ત્યારે અનુસૂચિત જાતિના આગેવાનો કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યાં છે.
ભાવનગરના આહિર આગેવાન ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. અગાઉ ચારણ ગઢવી સમાજનું અપમાન કર્યા બાદ ગીગા ભમ્મરે હવે દલિત સમાજનું અપમાન કર્યું છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં તેણે અનુસૂચિત જાતિ સમાજ માટે ગેરબંધારણીય - વાંધાજનક શબ્દ બોલીને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજનું અપમાન કર્યું છે. વીડિયોમાં ગીગા ભમ્મર બોલતો દેખાય છે કે, દલિત સમાજ ખોટા એટ્રોસિટીના કેસ કરે છે. આ સિવાય તે આ વાયરલ વીડિયોમાં અનુસૂચિત જાતિ સમાજ વિશે બીજા પણ અનેક ગેરબંધારણીય અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતો જોવા મળે છે. જો કે ખબરઅંતર.કોમ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
ગીગા ભમ્મરના બફાટથી અનુસૂચિત જાતિ સમાજમા રોષ
ગીગા ભમ્મરના આ વાયરલ વીડિયોથી અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે કાયદેસર કાર્યવાહી કરવા માટે સમાજના આગેવાનો ગાંધીનગર સુધી રજૂઆતો કરશે. આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર માવજી સરવૈયાએ ભાવનગર આઈજી અને એસપી ને ગીગા ભમ્મર વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા રજુઆત કરી છે.
આહિર સમાજના અગ્રણી ગણાતા ગીગા ભમ્મરે આ પહેલા ચારણ સમાજ વિશે અને તેમના માતાજી સોનલ મા વિશે અશોભનિય ભાષાનો ઉપયોગ કરી વિવાદ સર્જયો હતો. સમૂહ લગ્નના મંચ પર ગીગા ભમ્મરે આહિર સમાજને સંબોધતા ચારણ-ગઢવી સમાજ પર નિશાન સાધ્યું હતું. જેને લઈને ચારણ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આ મામલે ચારણ સમાજે ગીગા ભમ્મર વિરુદ્ધ ભાવનગર એલ.સી.બી માં ફરિયાદ કરી હતી.
જાતિવાદી તત્વોનાં બફાટના કિસ્સાઓ વધ્યા
છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં જાતિવાદી તત્વો દ્વારા અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ બફાટના કિસ્સાઓ વધ્યા છે. દલિત અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે, અગાઉ સ્વામીનારાયણના સાધુઓ, કથિત મોટીવેશનલ સ્પીકરો, ડાયરાના કલાકારો દ્વારા અનુસૂચિત જાતિ સમાજ વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલાકે જાહેર મંચ પરથી અનુસૂચિત જાતિ સમાજ વિશે એલફેલ બોલ્યું છે. બાદમાં હોબાળો થતા આ લોકો માફીનો વીડિયો બનાવી, સોશિયલ મીડિયામાં વહેતો મૂકીને છટકી જાય છે. આવા જાતિવાદી તત્વો જ પાછા અનુ. જાતિ સમાજ એટ્રોસિટીના ખોટા કેસો કરતો હોવાનું જુઠ્ઠાણું ફેલાવતા હોય છે અને ગીગા ભમ્મર તેનું વધુ એક ઉદાહરણ છે. ત્યારે આવા લોકો વિરુદ્ધ કાયદેસર પગલા ન લેવાય ત્યાં સુધી તેઓ સુધરે તેમ નથી તેમ માનતો અનુસૂચિત જાતિ સમાજનો એક ચોક્કસ વર્ગ ઉભો થઈ રહ્યો છે.
કોણ છે ગીગા ભમ્મર?
ગઢવી-ચારણ સમાજ બાદ અનુસૂચિત જાતિ સમાજ વિશે એલફેલ બોલનાર ગીગા ભમ્મર આહિર સમાજના આગેવાન છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મોટાઘાણા ગામના વતની ગીગા ભમ્મર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હાલ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા આયોજીત એક સમુહ લગ્ન દરમિયાન તેમણે કરેલી ટિપ્પણીના કારણે તેઓ માધ્યમોમાં ચમકી રહ્યા છે. તેમણે ચારણ- ગઢવી સમાજ અને તેમના આરાધ્ય માતાજી સોનલ મા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે તેમનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ અનુસૂચિત જાતિ સમાજ વિશે ગેરબંધાણીય શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે.
આ પણ વાંચોઃ જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.