SC-ST-OBC ની સાચી વસ્તી જાણવા ગણતરી કરવી જરૂરી: અજિત પવાર
મહારાષ્ટ્ર(Maharashtra)ના નાયબ મુખ્યમંત્રી(DyCm) અજિત પવારે(Ajeet pawar) વિધાનસભાની ચૂંટણી અગાઉ જાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણ કરતું નિવેદન આપ્યું છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ફરી એકવાર અહીં ચૂંટણી અનામત અને જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે લડાશે તે નક્કી લાગ્યું છે. એકબાજુ મરાઠા અનામત આંદોલન ચાલી રહ્યું છે, જેમાં મનોજ જરાંગે પાટિલ દ્વારા ઓબીસી ક્વોટામાં અનામતની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ ખસતી વોટબેંકને લઈને હવે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પણ વસ્તી ગણતરી કરવાનો રાગ આલાપીને દલિત, આદિવાસી અને ઓબીસી મતદારો તરફે ઝોંક અપનાવ્યો છે.
અજિત પવારે જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે કહ્યું કે, મને લાગે છે કે જાતિની વસ્તી ગણતરી એકવાર થવી જોઈએ. તે સામાન્ય વસ્તી ગણતરીની સાથે જ હાથ ધરવામાં આવવી જોઈએ, કારણ કે તેના દ્વારા આપણે આદિવાસીઓ, એસસી, ઓબીસી, લઘુમતી અને સમાજના અન્ય વર્ગોની સાચી વસ્તી જાણી શકીશું. આવું થવું જોઈએ કારણ કે દરેક વર્ગ પોતાના માટે અનામત માંગે છે. તેથી સચોટ ડેટા મેળવવાથી નીતિઓ બનાવતી વખતે સરકારને પણ મદદ મળશે.
આ પણ વાંચો: ફક્ત 40 લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો 11 કરોડ આદિવાસીઓ માટે કેમ નહીં?
આ સાથે અજિત પવારે મરાઠા અનામતના મુદ્દા પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે, વિરોધ પક્ષોને અવગણી શકાય નહીં, કારણ કે તેઓ પણ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. મરાઠા અનામતની માંગ કરતા મનોજ જરાંગે ઓબીસી કેટેગરીમાં અનામત ક્વોટા ઈચ્છે છે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ક્વોટા મુદ્દે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પરંતુ વિપક્ષે બેઠકથી અંતર જાળવી રાખ્યું હતું.
અજિત પવારે કહ્યું કે મને ખબર નથી કે બહિષ્કાર ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો કે નહીં. વિપક્ષ પાસેથી ફરીથી સમય માંગવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પુણેમાં ડેપ્યુટી સીએમ અજિત પવારના ઘરે મોડી રાત્રે એનસીપી નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં અજિત પવારની સાથે વરિષ્ઠ નેતાઓ પ્રફુલ પટેલ, સુનિલ તટકરે, છગન ભુજબળ, નવાબ મલિક અને શિવાજી ગર્જે હાજર રહ્યા હતા. બેઠકમાં મહારાષ્ટ્રની ૨ રાજ્યસભા અને ૪ એમએલસી બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આજે રાત્રે વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો: મોદી સવર્ણોના તરફદાર હોવાથી જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરાવતા