ફક્ત 40 લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો 11 કરોડ આદિવાસીઓ માટે કેમ નહીં?

આદિવાસી સમાજની અલગ ધર્મકોડની માંગણી વર્ષો જૂની છે, જેને યેનકેન પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા ટાળવામાં આવતી રહી છે. એક બાજુ કેન્દ્રનો વસ્તીગણતરી વિભાગ કહે છે કે, આદિવાસી સમાજની અલગ ધર્મકોડની માંગનો અમલ કરવો વ્યવહારમાં શક્ય નથી કેમ કે, ૨૦૦૧ની વસ્તી ગણતરીમાં ૧૦૦થી વધુ જનજાતિ ધર્મોની માહિતી મળી હતી. સામે આદિવાસી બૌદ્ધિકોનો તર્ક છે કે માત્ર 40 લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો 11 કરોડથી વધુની વસ્તી ધરાવતા આદિવાસીઓ માટે કેમ નહીં? આ દલીલો વચ્ચે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં ધર્મની ઓળખથી પણ આગળ વધીને કેટલીક પાયાની બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે.

ફક્ત 40 લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો 11 કરોડ આદિવાસીઓ માટે કેમ નહીં?
all images by Google images

- ચંદુ મહેરિયા

૨૦૨૩ના વરસના અંતિમ દિને ઝારખંડના આદિવાસીઓએ વસ્તીગણતરીમાં અલગ ધર્મ કોડની માંગ સાથે રાજ્યવ્યાપી બંધ પાળ્યો હતો. રાજ્યના સત્તાપક્ષ  ઝારખંડ મુક્તિ મોરચાનું પણ તેને સમર્થન હતું. ૨૦૨૦માં ઝારખંડ વિધાનસભાના એક દિવસીય ખાસ સત્રમાં આગામી વસ્તી ગણતરીમાં આદિવાસીઓ માટે અલગ ધર્મકોડની માંગણીનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. અલગ ઝારખંડ રાજ્યની રચના જેટલી જ જૂની માંગ અલગ આદિવાસી ધર્મકોડની પણ છે. ઝારખંડ મુક્તિ મોરચાએ વિધાનસભા ચૂંટણીમાં અલગ ધર્મકોડનું વચન આપ્યું હતું. એ જ પક્ષ રાજ્યમાં સત્તામાં આવતાં માંગણીને બળ મળ્યું. દેશના અનેક રાજ્યોના આદિવાસીઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ આ માંગ વરસોથી કરતા રહ્યા છે. ઝારખંડના આદિવાસી સંગઠનો કોરોનાકાળમાં પણ અલગ ધર્મકોડ માટે ઉગ્ર આંદોલન કરી રહ્યા હતા. એટલે સરકારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જમણેરી બળો આદિવાસીઓને હિંદુ જ ગણે છે. પરંતુ  આદિવાસીઓના મત ગુમાવવા ન પડે એટલે રાજ્યના મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પક્ષને પણ સરના-આદિવાસી એવા અલગ ધર્મકોડની માંગણીનું સમર્થન કરવું પડે છે.


આદિવાસીઓની જીવન અને ઉપાસના પધ્ધતિ પ્રકૃતિકેન્દ્રી છે. તેઓ પ્રકૃતિપૂજક સમાજ છે. હિંદુ અને અન્ય ધર્મ જેવા લેખિત શાસ્ત્ર, ધર્મગ્રંથ અને ધર્મસ્થળો આદિવાસીઓ ધરાવતા નથી. તેઓ પોતાને કોઈ સંગઠિત ધર્મનો હિસ્સો માનતા નથી. ભારતીય સંસ્કૃતિની બે મુખ્યધારા વૈદિક અને અવૈદિકમાંથી આદિવાસીઓ અવૈદિક અર્થાત પ્રકૃતિ કે માતૃસત્તાક સંસ્કૃતિનું અનુસરણ કરે છે. પણ કેટલાક ધર્મો યોજનાબધ્ધ રીતે પોતાનો ધર્મ, તહેવારો, ભાષા, ખોરાક, પહેરવેશ અને રિવાજો આદિવાસીઓ પર થોપે છે. હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થાને આદિવાસીઓ નકારે છે. માનવીની ઉત્પત્તિ મુખ, ભુજા, જાંઘ કે પગ જેવા માનવ શરીરના અંગમાંથી થયાની માન્યતા તે સ્વીકારતા નથી. તેઓ માને છે કે પ્રત્યેક માનવીની ઉત્પત્તિ માના ગર્ભમાંથી જ થાય છે અને તે સિવાયની માન્યતાઓને વિજ્ઞાન કે તર્કનો આધાર નથી. “સરના” એ આદિવાસી સમુદાયના ધર્મનું નામ છે જે પ્રકૃતિવાદ પર આધારિત છે. આદિવાસીઓનો તે આદિધર્મ છે પણ તેમની આ અલગ ધાર્મિક ઓળખ હવે રહી નથી. તેથી આદિવાસીઓ તેમની અલગ સરના અદિવાસીની ધાર્મિક ઓળખ માટે મથે છે અને વસ્તી ગણતરીમાં આદિવાસી ધર્મકોડની માંગ કરે છે. અલગ આદિવાસી ધર્મકોડની માંગ આદિવાસીઓની રાષ્ટ્રીય કક્ષાએ અલગ અને સ્વતંત્ર ધાર્મિક ઓળખ ઉભી કરવા  માટેની છે. આદિવાસી સંસ્કૃતિ અને ધાર્મિક આઝાદીના રક્ષણ માટે તથા આદિવાસીઓને એક સૂત્રે બાંધવા માટે તેઓ અલગ ધર્મકોડને જરૂરી માને છે.


વીસ વરસ પહેલાં બિહારના વિભાજનથી ઝારખંડના અલગ રાજ્યની રચના થઈ હતી. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં આદિવાસીઓની વસ્તી ૨૬.૨૦ ટકા છે. રાજ્ય વિધાનસભાની કુલ ૮૧ બેઠકોમાં ૨૮ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. છેલ્લા ૨૦ વરસમાં બીજેપીના રઘુવર દાસ સિવાયના તમામ મુખ્યમંત્રીઓ પણ આદિવાસી સમાજમાંથી આવ્યા છે. ઝારખંડની કુલ ૮૬.૪૫ લાખ અદિવાસી વસ્તીમાં ૪૬.૪ ટકા(૪૦.૧૨ લાખ) સરના આદિવાસી, ૩૭ ટકા(૩૨.૪૫ લાખ) હિંદુ-આદિવાસી, ૧૫.૫ ટકા(૧૩.૩૮ લાખ) ખ્રિસ્તી-આદિવાસી છે. તે ઉપરાંત ૧૮,૧૦૭ મુસ્લિમ, ૨,૯૪૬ બૌધ્ધ અને ૯૮૪ શીખ આદિવાસી છે. આમ  તેઓની અલગ ધાર્મિક ઓળખના બદલે તેઓ  દેશના મુખ્ય ધર્મોમાં વહેંચાયેલા છે. 


અંગ્રેજોના શાસનકાળમાં ઈ.સ. ૧૮૭૨થી આરંભાયેલી અને દર દાયકે થતી વસ્તી ગણતરીમાં પહેલાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, શિખ, જૈન, બૌધ્ધ, પારસી અને યહુદી એવા આઠ ધર્મકોડ પ્રમાણે  ગણતરી થતી હતી. ઈ.સ. ૧૮૯૧માં આદિવાસીઓ માટે  ટ્રાઈબ કે જનજાતિધર્મ એવો નવમો ધર્મકોડ દાખલ થયો હતો. એ રીતે આદિવાસીઓની અલગ ધાર્મિક ઓળખ સ્થાપિત થઈ હતી. ઈ.સ. ૧૯૫૧ની, આઝાદ ભારતની પહેલી વસ્તી ગણતરીમાં, આદિવાસીઓનો અલગ ધર્મકોડ નાબૂદ કરી અન્યનો વિકલ્પ આપવામાં આવ્યો. તે પછીની વસ્તી ગણતરીમાં અન્યનો વિકલ્પ પણ દૂર કરવામાં આવ્યો. હવેની વસ્તી ગણતરીમાં માત્ર છ જ મુખ્ય ધર્મો (હિંદુ, ઈસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌધ્ધ અને જૈન)ના એક થી છ ધર્મકોડ જ છે. 


સંવિધાનના અનુચ્છેદ ૩૪૨થી આદિજાતિઓને અલગ જાતિની ઓળખ તો મળી છે પરંતુ  ધાર્મિક ઓળખ અન્ય ધર્મોમાં વિલોપિત થઈ ગઈ છે. આદિવાસી બૌધ્ધિક ડો.રામદયાલ મુંડા વરસોથી વસ્તી ગણતરીમાં અલગ આદિવાસી ધર્મકોડની માંગણી તર્કબધ્ધ દલીલોથી રજૂ કરતા રહ્યા હતા. આ મામલો આદિવાસી સાંસદોએ સંસદમાં પણ ઉઠાવ્યો હતો. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આદિવાસીઓની અનેક પ્રકારની ધાર્મિક માન્યતાઓની માહિતી મળે છે. ૨૦૧૧માં દેશના ૨૧ રાજ્યોમાં  આદિવાસીઓની વસ્તી છે. ઝારખંડ ઉપરાંત અસમ, ઓડિસા, બિહાર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ  અને મહારાષ્ટ્રમાં સરના આદિવાસીઓ જોવા મળે છે. વિવિધ ૭૫૦ જ્ઞાતિઓમાં વહેંચાયેલા અને ૨૦૧૧માં ૮.૬ ટકા કે ૧૦.૪૨ કરોડ આદિવાસીઓની અલગ અને સ્વતંત્ર ધાર્મિક ઓળખનો આ સવાલ છે.


વસ્તી ગણતરીમાં નવો ધર્મકોડ દાખલ કરવાની કે કોઈને  ધર્મનો દરજ્જો આપવાની સત્તા કેન્દ્ર સરકાર હસ્તક છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે બીજેપીએ પણ ઝારખંડના અદિવાસીઓની અલગ ધર્મકોડની માંગનું સમર્થન કર્યું હતું. વિધાનસભાના બીજેપી સમર્થિત સર્વાનુમત પ્રસ્તાવ પછી કેન્દ્ર પર આ માંગણીના સ્વીકારનું દબાણ આવશે. અગાઉ ૨૦૧૮માં કર્ણાટકની કોંગ્રેસી સરકારે લિંગાયતોને અલગ ધાર્મિક ઓળખ આપવા કેન્દ્રને દરખાસ્ત કરી જ હતી. લિંગાયત કર્ણાટકની ઉચ્ચવર્ણીય અને રાજકીય-આર્થિક રીતે વગદાર કોમ છે. રામકૃષ્ણ હેગડેથી યેદિરુપ્પા જેવા લિંગાયત નેતાઓ મુખ્યમંત્રી બન્યા છે. લિંગાયતો પણ ઘણા સમયથી અલગ લિંગાયત ધર્મની માંગણી કરે છે. પાર્ટીની ઉપરવટ જઈને યેદિરુપ્પાએ કોંગ્રેસના અલગ લિંગાયત ધર્મની દરખાસ્તનું સમર્થન કર્યું હતું તે હજુ તાજો ઈતિહાસ છે.  કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હતી ત્યારે લિંગાયતોની માંગણી વિસારે પાડી દેવાઈ હતી. 


ઝારખંડ અને પછી પશ્ચિમ બંગાળ વિધાનસભાના પ્રસ્તાવથી દેશના આદિવાસીઓના અલગ ધાર્મિક ઓળખ આંદોલનને બળ મળ્યું છે. ઘણા આદિવાસી આગેવાનો અને બૌધ્ધિકો સરનાને બદલે દેશવ્યાપી સર્વસંમત આદિવાસી ધાર્મિક ઓળખરૂપ શબ્દની તરફેણ કરે છે. તે માટે અગાઉના ટ્રાઈબ, મૂળનિવાસી કે આદિજાતિ ધર્મ જેવા શબ્દો પર સર્વાનુમતિ સાધવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. બીજી તરફ કેન્દ્રના ગૃહ મંત્રાલય હસ્તકના વસ્તી ગણતરી વિભાગના મહાનિયામક અલગ આદિવાસી ધર્મકોડની માંગનો અમલ કરવો વ્યવહારમાં શક્ય ન હોવાનું જણાવે છે. કેમ કે ૨૦૦૧ની વસ્તી ગણતરીમાં ૧૦૦થી વધુ જનજાતિ ધર્મોની માહિતી મળી હતી. છ મુખ્ય ધર્મકોડ ઉપરાંત ૫૦ રજિસ્ટર્ડ ધર્મો છે. ૨૦ ધર્મોના નામ જનજાતિ પરથી છે. એટલે દરેકને ધર્મકોડ આપવાનું શક્ય નથી. જવાબમાં અલગ આદિવાસી ધર્મકોડના તરફદારો સવાલ કરે છે કે માંડ ૪૦ લાખની વસ્તી ધરાવતા જૈનો માટે અલગ ધર્મકોડ હોય તો ૧૧ કરોડ આદિવાસીઓની માંગણી કઈ રીતે અવ્યવહારુ છે?  એકલા ઝારખંડમાં ૧૯૩૧માં અલગ આદિવાસી ધર્મની ઓળખ ધરાવતા આદિવાસીઓ ૩૮.૩ ટકા હતા.  હવે તે ઘટી ગયા છે કેમ કે અન્ય ધર્મોએ તેમની ધાર્મિક ઓળખ મિટાવીને તેને પોતાનામાં સમાવી લીધા છે. એ અટકાવવા પણ અલગ ધર્મકોડ જરૂરી છે. 


આદિવાસીઓ પોતાની અલાયદી રાષ્ટ્રીય ધાર્મિક ઓળખ માંગે અને તે માટે આંદોલન કરે તેમાં કંઈ ખોટું નથી. પરંતુ સંગઠિત ધર્મોથી વેગળો રહેલો આ સમુદાય વળી કોઈ નવો ધર્મસમૂહ ન બની જાય તેની પણ ભીતિ રહે છે. આદિવાસીઓના જળ, જમીન, જંગલ જેવા કુદરતી સંસાધનો પરની માલિકી, શિક્ષણ, રોજગાર, આરોગ્ય, રહેઠાણ, ગરીબી અને વિકાસવંચિતતા જેવા પાયાના સવાલો વણઉકલ્યા છે. તેને બદલે ધર્મની ઓળખના લટકણિયા માટે સમય, શક્તિના ઉપયોગને કેટલી પ્રાથમિકતા આપવી કે હાલનું અસરકારક અને રાષ્ટ્રવ્યાપી આંદોલન કેટલું અગ્રતાક્રમે હોવું જોઈએ તે બાબત પણ આદિવાસી આંદોલને વિચારવી જોઈએ. 


maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચોઃ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ED સામે SC-SC એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.