અમદાવાદના નિકોલમાં 500 ઓબીસી પરિવારો કોર્પોરેશનના બુલડોઝરે રાતોરાત બેઘર કર્યા
અમદાવાદના નિકોલ વિસ્તારમાં કોર્પોરેશન તંત્રે સેંકડો પરિવારોને રાતોરાત ઘરવિહોણા કરી મૂક્યા છે. શું છે મામલો વાંચો આ વિગતવાર અહેવાલમાં.
અમદાવાદના નિકોલમાં બળિયાદેવ ટેકરા વિસ્તારમાં છેલ્લાં ત્રણ દાયકા કરતા વધુ સમયથી ઓબીસી પટ્ટણી સમાજના 500થી વધુ પરિવારો વસવાટ કરતા હતા. જેમને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના બેઘર કરી મૂક્યા છે. ગત તા. 20-21 ડિસેમ્બરના રોજ એએમસી તંત્ર દ્વારા આ 500થી વધુ પરિવારોના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. પરિણામે ત્રણ હજારથી વધુ લોકો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. આવી કડકડતી ઠંડીમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો અચાનક બેઘર થઈ જતા ચોધાર આંસુએ રડી પડ્યાં હતા.
પીડિતોના જણાવ્યા પ્રમાણે તેઓ છેલ્લાં 30 વર્ષ કરતા વધુ સમયથી અહીં વસવાટ કરતા હતા. તેમ છતાં કોર્પોરેશન દ્વારા તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. દુઃખની વાત એ છે કે તેમને જાણ કર્યા વિના તેમના ઘરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આટલું ઓછું હોય તેમ તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી અને શિયાળાની કડકડતી ઠંડીમાં તેઓ ઘરવિહોણા થઈ ગયા હતા. એક સાથે આટલાં બધાં લોકો ઘર વિહોણા થઈ જવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલ્યું નહોતું. અહીં વસતા મોટાભાગના લોકો પટ્ટણી ઓબીસી સમાજના છે અને મોટાભાગે મજૂરી કરીને પેટીયું રળે છે.
એક પીડિત પરિવારના વ્યક્તિએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના અમારા ઘરો તોડી પાડ્યા છે. જેના કારણે અમારા બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિયાળાની આકરી ઠંડીમાં અમે હવે ક્યાં આશરો લઈએ તે સવાલ છે. અમારે તાત્કાલિક ક્યાં રહેઠાણ શોધવું? અમારા બાળકોના ભણતરનું શું? અમારું ખાવા-પીવાનું શું? ઘરમાં સગર્ભા મહિલાઓ છે તેમને કેવી રીતે સાચવવાની? અહીં વસતા 500 જેટલા પરિવારોને કોર્પોરેશને કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના તેમના ઘરો તોડી પાડ્યા છે છતાં કોઈને અમારી દયા આવતી નથી. જો અમારી જગ્યાએ કોઈ બિલ્ડર, નેતા કે વગદાર માણસ હોત તો તંત્ર આવું કરતા પહેલા સો વાર વિચાર કરત.
માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરાઈ
આ ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે માનવ અધિકાર પંચને ફરિયાદ કરી છે. કાંતિભાઈને જણાવ્યા પ્રમાણે, અહીં રહેતા લોકોને કોઈપણ જાતની કાયદેસર નોટિસ, કાનૂની કાર્યવાહી કે વૈકલ્પિક સુવિધાઓ આપ્યા વિના ઘરવિહોણા કરી દેવામાં આવ્યા છે જેમાં તેમના બંધારણીય અને માનવાધિકારોનો સરેઆમ ભંગ થાય છે. 500 કરતા વધારે પરિવારો ત્રીસ વર્ષ કરતા વધારે વર્ષથી અહીં રહેતા હતાં તે આવાસો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડેલ છે, આવાસનો અધિકાર દરેક નાગરિકને છે અને એ રીતે અહીં બંધારણના આર્ટિકલ 21 હેઠળ મળેલ ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના અધિકારનો ભંગ થયેલ છે. આ પરિવારના લોકોના માનવ અધિકારોની પુન:સ્થાપના માટે કાર્યવાહી કરવી જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ રાજ્યનું અંગ છે જેથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ વિસ્થાપિત પરિવારના લોકોનું પુન:વસન કરવામાં આવે અને તાત્કાલિક રહેઠાણ, ખોરાક, આરોગ્ય, બાળકો માટે અભ્યાસની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.
આ પણ વાંચો : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો