ઉચ્ચ OBC ને 7 ટકા, પછાત OBC ને 20 ટકા અનામત આપો: ગેનીબેન ઠાકોર
OBC અનામત મુદ્દે કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે વડાપ્રધાનને પત્ર લખી ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માંગ કરતાં મોટો વિવાદ સર્જાયો છે.
ઓબીસી અનામતને લઈને કોંગ્રેસનાં બનાસકાંઠાના મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માગણી કરી છે. તેમણે એવું જણાવ્યું છે કે, ઓબીસી અનામતનો લાભ મેળવતી 23 જાતિઓમાં ભારે સમાનતા જોવા મળી રહી છે. સુખી સમૃદ્ધ હોવા છતાં 5થી 10 જાતિ ઓબીસી અનામતનો મોટાભાગનો લાભ લઈ રહી છે. જ્યારે બાકીની અન્ય ઘણી જાતિઓ અનામતના લાભથી વિકાસ મેળવવામાં વંચિત રહી છે. તો ઉચ્ચ ઓબીસી સમાજની જાતિને 7 ટકા અને બાકીની પછાત ઓબીસી જાતિને 20 ટકા ઓબીસી અનામતનો લાભ મળે તેવી રજૂઆત કોંગ્રેસનાં મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે કરતાં ભારે વિવાદ સર્જાયો છે.
લોકસભામ ગુજરાતના કોંગ્રેસનાં એક માત્ર મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે ઓબીસી અનામત સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે 27 ટકા ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માંગણી કરી છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, સરકાર દ્વારા 27 ટકા ઓબીસી સમાજને અનામત ફાળવી છે. પરંતુ તેનો વધુ પડતો લાભ 5થી 10 જાતિના લોકો મેળવી રહ્યા છે. આવી જાતિઓએ ઓબીસી સમાજની અનામતનો સૌથી વધુ લાભ લીધો છે. જ્યારે બાકીની જાતિઓ અનામતનો લાભ લેવાથી વંચિત રહ્યા છે. આવી જાતિઓને અનામતનો લાભ મળે તેવી માંગણી કરી છે.
ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ઓબીસી સમાજમાં જે જ્ઞાતિઓએ અનામતનો લાભ વધુ લીધો છે તેવી જ્ઞાતિઓને ફક્ત 7 ટકા જ અનામત મળવી જોઈએ. જ્યારે ઠાકોર, કોળી, ધોબી, મોચી, રાવળ, ડબગર અને વણઝારા સહિતની 23થી વધારે પછાત ઓબીસી જ્ઞાતિઓને 27 ટકામાંથી 20 ટકા અનામત આપવા માટે અલગ ક્વોટા ફાળવવામાં આવે તેવી માંગણી કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: આજે અમદાવાદમાં 'અનામત બચાવો મહાસંમેલન', ભીમયોદ્ધાઓનું ઘોડાપૂર
ગેનીબેન ઠાકોરે કોઈ પણ જાતિના નામ લીધા વિના ઓબીસી સમાજની 5થી 10 જ્ઞાતિઓ પર સીધો આરોપ લગાવ્યો છે કે, ઓબીસી અનામતનો લાભ ફક્ત 5-10 જ્ઞાતિઓને જ સૌથી વધુ મળ્યો છે. બાકીની જ્ઞાતિઓ ઓબીસી અનામતનો લાભ લેવામાં ઘણી પાછળ રહી છે, તો તેવી જ્ઞાતિઓ માટે સરકાર દ્વારા 27 ટકા ઓબીસી અનામતમાંથી 20 ટકાનો ક્વોટા ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે.
ગુજરાતનાં કોંગ્રેસનાં એકમાત્ર બનાસકાંઠાનાં મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવા સમયે આ પત્ર લખ્યો છે કે, જ્યારે તેમના સાંસદ બનવાથી તેમની ખાલી પડેલી વાવ-ભાભર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.
ગેનીબેને ઓબીસી અનામતનો લાભ ગુજરાતમાં કઈ જ્ઞાતિઓને કેટલા પ્રમાણમાં મળ્યો છે? તેનો સર્વે કરાવવાની પણ માગણી કરી છે. તેમણે અન્ય રાજ્યો જેવા કે, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પણ આવી અનામત વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે જણાવ્યું હતું કે, આ રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓબીસી અનામતમાં બે ભાગ પાડવામાં આવે અને પછાત ઓબીસી જ્ઞાતિઓને શિક્ષણ તેમજ નોકરીઓમાં વધારે લાભ આપવામાં આવે. ગેનીબેન ઠાકોરની આવી માંગણીથી રાજયમાં એક નવો વિવાદ સર્જાય તેવી પુરી શક્યતા છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં ઠાકોર સમાજના ગેનીબેને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું