બનાસકાંઠામાં ઠાકોર સમાજના ગેનીબેને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું

લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપની 26માંથી 26 બેઠકોના વિજયરથને એક ઓબીસી મહિલા ગેનીબેને અટકાવી દીધો છે.

બનાસકાંઠામાં ઠાકોર સમાજના ગેનીબેને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું
image credit - Google images

લોકસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે અપેક્ષા પ્રમાણેના રહ્યાં નથી. અબકી બાર 400 પારનો નારો તો દૂર ભાજપ સ્વયંના બળે પણ સરકાર રચી શકે તેવી સ્થિતિમાં નથી. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના તેના ગઢમાં પણ ગાબડું પડી ગયું છે અને કોગ્રેસના સાબરકાંઠા બેઠકના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપનો 26માંથી 26 બેઠકો જીતવાનો અશ્વમેઘ રથ અટકાવી દીધો છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં બનાસકાંઠા લોકસભા બેઠક રાજ્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યા બાદ હવે ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. આ બેઠક પર બંને મુખ્ય પક્ષો દ્વારા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા હતા જ્યારે ભાજપે શિક્ષણ સાથે સંકળાયેલા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. ડો. રેખાબેન ચૌધરી, બનાસકાંઠાના લાખો પશુપાલકો જેમના કારણે સ્વામાભેર પોતાનું જીવન જીવી રહ્યાં છે, એવા બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે. તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ચૌધરીના ધર્મ પત્ની છે. ડૉ. હિતેશ ચૌધરીએ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તથા ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તેમજ સિન્ડિકેટ સભ્ય તરીકે સભ્ય રહી ચુક્યા છે. 

ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે. ૨૦૧૭માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેન ૨૦૧૨માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ વાવ મતવિસ્તારમાંથી ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ૬૬૫૫ મતોના માર્જિનથી જીત્યા. ગેનીબેન ૨૦૨૨માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. ૨૦૧૯માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોન પ્રતિબંધ મૂકવાના સમાજના ર્નિણયને ટેકો આપ્યો હતો. ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યા હતા.

બનાસકાંઠાનું નામ બનાસ નદીના નામ ઉપરથી પડ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં બીજા ક્રમે આ જિલ્લો આવે છે. વળી સૌથી વધુ ૧૪ તાલુકા પણ બનાસકાંઠાના છે. બનાસકાંઠામાં ૭૦ ટકા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીં એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આવેલી છે. રાજસ્થાનને અડીને આવેલા સરહદી જિલ્લા બનાસકાંઠામાં ૧૯૫૧થી લઈને ૨૦૧૯ સુધીના સમયગાળામાં ૧૯ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસે ૧૦ વખત અને ભાજપે ૬ વખત જીત મેળવી તો ૧ વખત જનતાદળના ઉમેદવાર ચૂંટાયા, તો બે વખત અન્ય લોકોના ફાળે આ સીટ ગઈ છે

સરહદી જિલ્લા બનાસકાંઠામાં ૧૯૫૧થી લઈને ૨૦૧૯ સુધીમાં કુલ ૧૯ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ છે. ૨૦૧૩ની પેટાચૂંટણીમાં ભાજપે બનાસકાંઠા બેઠક પર ચોથી વખત જીત મેળવી હતી. ત્યારથી આ સીટ ભાજપના કબજામાં છે. આ બેઠક પર ભાજપે છ વખત જીત મેળવી છે જ્યારે કોંગ્રેસે ૧૦ વખત જીત મેળવી છે. આ સીટ સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી અને પછી જનતા દળ એકએક વાર જીતી ચુક્યું છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ ૩,૬૮,૨૯૬ વોટથી જીતી હતી. ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે કોંગ્રેસને હરાવ્યા હતા, આ વખતે ભાજપે ફેરફાર કરીને રેખા ચૌધરીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.

બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં ૭ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. ૭ પૈકી ૪ બેઠકો ભાજપ પાસે છે જ્યારે ૨ બેઠકો કોંગ્રેસ પાસે છે. એક બેઠક અપક્ષ માવજી દેસાઈ ભાજપને સમર્થન આપી ચૂક્યા છે. સાત બેઠકો પૈકી દાંતા સીટ સિવાય અન્ય તમામ સીટ સામાન્ય છે. દાંતા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકર વાવ બેઠક પરથી ધારાસભ્ય છે. ધાનેરા બેઠક અપક્ષ પાસે છે, દાંતા બેઠક પણ કોંગ્રેસ પાસે છે. બાકીની ચાર બેઠકો ભાજપના કબજામાં છે. બનાસકાઠા લોકસભા મતવિસ્તારમાં ૬૭.૪૪ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં વાવ મતવિસ્તારમાં ૬૯.૪૩ ટકા તો થરાદમાં ૭૮.૭૦ ટકા અને ધાનેરામાં ૬૭.૬૫, દાંતામાં ૭૧.૪૭ ટકા તો વડગામમાં ૬૫.૨૪ ટકા, પાલનપુરમાં ૬૫.૦૦ ટકા, ડિસામાં ૬૫.૪૨ ટકા, દિયોદરમાં ૭૧.૧૧ ટકા જ્યારે ૫૫.૩૮ ટકા મતદાન નોંધાયું હતું.

આ પણ વાંચો: RSSની બંધારણ બદલવાની વાતે ચૂંટણીનું પાસું પલટી નાખ્યું?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.