ખંભાતના પાંદડ માં 44 લોકોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો

સર્વજન સમાનમાં માનતા બૌદ્ધ ધર્મ પ્રત્યે વધુને વધુ લોકો આકર્ષાતા જાય છે. ખંભાતના પાંદડ ગામમાં એક સાથે 44 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.

ખંભાતના પાંદડ માં 44 લોકોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો
image credit - મહા ગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ

ચીનનો કૃત્રિમ સૂર્ય કાર્યરત થઈ જશે અને ઈલોન મસ્કનું સ્પેસ એક્સ અવકાશની ટુર કરતું હશે, પણ કથિત મહાન હિંદુ ધર્મમાંથી જાતિવાદ અને અસ્પૃશ્યતા જાય તેવું નજીકના ભવિષ્યમાં તો દૂર દૂર સુધી ક્યાંય દેખાતું નથી. કહેવાતું નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે પણ દલિત-આદિવાસીઓ પર અત્યાચારની વણથંભી વણઝાર ચાલુ રહેવા પામી છે. પરિણામે બહુજન સમાજમાં જાતિવાદી હિંદુ ધર્મ પ્રત્યે દિન-પ્રતિદિન ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. કથિત ગૌરક્ષકો અને હિંદુત્વવાદી સંગઠનો દ્વારા જે રીતે કાયદો હાથમાં લઈને બંધારણના છડેચોક લીરાં ઉડાડવામાં આવે છે, બહુજન સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, તેનાથી દલિતો-આદિવાસીઓમાં ભારે ભયનો માહોલ છે. જાતિવાદી તત્વો દ્વારા તેમને સતત અપમાનિત કરવામાં આવે છે, વર્ણ વ્યવસ્થાના આધારે તેમને સેકન્ડ ક્લાસ સિટિઝન તરીકે ટ્રીટ કરાય છે. આ બધાં કારણોસર દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે. આવી વધુ એક ઘટના આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પાંદડ ગામમાં બની ગઈ.

તા. 17 નવેમ્બર 2024ને રવિવારના રોજ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પાંદડ ગામમાં એક સાથે 44 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા આયોજિત આ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો.

આ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહમાં પાંદડ ગામના કુલ 44 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. દીક્ષા સમારોહની શરૂઆતમાં દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને દીપ પ્રજ્વલિત કરી, ફૂલહાર અર્પિત કરવામાં આવેલ. ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.

ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી.

 એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ.

 ત્યારબાદ સૌ સાથે મળીને ભોજનદાન ગ્રહણ કરેલ. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ દીક્ષા કાર્યક્રમના આયોજક મહા ગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદના આયુ. સિંહલ બોધિધર્મનજીએ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ગુજરાત સહિત દેશભરમાં સતત દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને જે રીતે હિંદુ ધર્મીઓ દ્વારા ભેદભાવ, અસ્પૃશ્યતા દાખવવામાં આવે છે તેનાથી આ સમાજના લોકો ભારે વ્યથિત છે. કાયદો અમલમાં હોવા છતાં જાતિવાદી અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. મનુવાદી વર્ણવ્યવસ્થાની ધરી પર ટકેલા હિંદુ ધર્મમાં દલિતો, આદિવાસીઓ ગમે તેટલાં ભણીગણીને આગળ વધી જાય તો પણ તેમને નિમ્ન સ્તરના ગણીને ઉતારી પાડવામાં આવે છે. એક બાજુ દુનિયાના એઆઈના યુગમાં પહોંચી ગઈ છે, જ્યારે ભારત સતત જાતિ, ધર્મના નામે દલિતો પર અત્યાચાર કરીને અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે. એ સ્થિતિમાં દલિતો સર્વને સમાન માનતા બૌદ્ધ ધર્મ તરફ વળે તેમાં મને કશી નવાઈ નથી લાગતી. આ સ્થિતિ હજુ ચાલુ રહેશે તો હજુ વધુ લોકો હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ બનતા અચકાશે નહીં."

આ પણ વાંચોઃ જૂનાગઢમાં સાસરિયાઓએ બૌદ્ધ વિધિથી પુત્રવધુના પુનઃલગ્ન કરાવ્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.