SC-STની વસ્તી 38 ટકા પણ હાઈકોર્ટમાં 1956થી એકેય SC-ST જજ નથી

આ સવાલ ખુદ મુખ્ય ન્યાયધીશે ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મોજૂદ હોવા છતાં આવું કેમ થયું, તેની પાછળનું કારણ શું?

SC-STની વસ્તી 38 ટકા પણ હાઈકોર્ટમાં 1956થી એકેય SC-ST જજ નથી
image credit - Google images

દેશમાં સફાઈ અને મજૂરીકામમાં જ દલિત-આદિવાસીઓ માટે સો ટકા અનામત છે અને તે કથિત સવર્ણોને ખટકતી નથી. આ સિવાયના લગભગ દરેક મોરચે આ બંને વર્ગની બંધારણીય રીતે ફાળવવામાં આવેલી અનામતનો પણ જાતિવાદી તત્વો અમલ થવા દેતા નથી. આવું જ એક ક્ષેત્ર ન્યાયતંત્ર છે. નીચલી કોર્ટોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીમાં SC-ST જજોની સંખ્યાને સતત વિવાદનો મુદ્દો રહ્યો છે. અનામત જેવા આ સમાજ માટે અતિ સંવેદનશીલ મુદ્દાઓમાં ચૂકાદો સવર્ણ જજો આપે છે અને દલિતો-આદિવાસીઓએ તેમની વિરુદ્ધનો નિર્ણય પણ મૂંગા મોંઢે સ્વીકારી લેવો પડે છે. હવે દલિતો-આદિવાસીઓમાં આ મામલે જાગૃતિ વધતી જાય છે, પરંતુ એક હાઈકોર્ટ એવી પણ છે જેમાં છેક વર્ષ 1956થી એકપણ દલિત-આદિવાસી વ્યક્તિ જજ બની શકી નથી.

મધ્યપ્રદેશ હાઈકોર્ટની વાત છે

વાત છે મધ્યપ્રદેશ હાઈકોર્ટની છે, આ રાજ્યમાં દલિતોની વસ્તી 16 ટકા છે, જ્યારે આદિવાસી સમાજની વસ્તી 22 ટકા છે. બંને મળીને રાજ્યની 38 ટકા વસ્તી ધરાવે છે પણ ન્યાયતંત્રમાં તેમનો સમખાવા પુરતો એક જજ નથી. છેક 1956થી અત્યાર સુધીમાં એકપણ આદિવાસી-દલિત જજ કેમ નથી બની શક્યાં, આ સવાલ ખુદ મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુરેશકુમાર કૈતે ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશ હાઈકોર્ટની રચના થઈ ત્યારથી આજ સુધી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીમાંથી કોઈ વ્યક્તિ ન્યાયાધીશ બની શક્યો નથી. જ્યારે લાયક ઉમેદવારો હાજર હતા ત્યારે આવું કેમ થયું? આ નિવેદન તેમણે એક સેમિનારમાં આપ્યું હતું.

લાયક ઉમેદવાર હોવા છતાં આવું કેમ થયું?

તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ હાઈકોર્ટની રચના વર્ષ 1956માં થઈ હતી અને અત્યાર સુધીમાં સર્વિસ કે વકીલોમાંથી એસસી, એસટી વર્ગમાંથી એક પણ વ્યક્તિ જજ બની શકી નથી. આવું કેમ થયું એની મને ખબર નથી, એ દરમિયાન એવી વ્યક્તિઓ હતી, જે જજ બની શકે તેમ હતી, તેમ છતાં આવું થયું તેની પાછળ ચોક્કસ કારણ રહ્યું હશે. આજે જ્યારે આપણે સમાનતાની વાત કરીએ છીએ ત્યારે આપણે ફરી એકવાર વિચારવું જોઈએ કે આવું કેમ થઈ રહ્યું છે.

કડક નિયમો અડચણરૂપ બની રહ્યાં છે

મુખ્ય ન્યાયાધીશ કૈતે તેમના સંબોધનમાં કહ્યું કે માત્ર સમાનતા વિશે વાત કરવી પૂરતી નથી; આજના સમયમાં ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં જ્યુડિશિયલ ઓફિસરોની નિમણૂક માટે બનાવવામાં આવેલા કડક નિયમો એસસી/એસટી વર્ગના લોકો માટે મોટી અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે, તેમણે કહ્યું કે રાજ્યમાં અનુસૂચિત જનજાતિ વર્ગ માટે અનામત 109 જગ્યાઓ હજુ પણ ખાલી છે કારણ કે આ વર્ગના વિદ્યાર્થીઓ આ નિયમોને પરિપૂર્ણ કરવામાં અસમર્થ છે.

મુખ્ય ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સમાજ આ વર્ગોને મદદ કરશે અને તેમના શિક્ષણ અને તાલીમ માટે વિશેષ પગલાં લેશે તો જ તેઓ ન્યાયિક ક્ષેત્રે આગળ વધી શકશે અને પોતાની ઓળખ ઉભી કરી શકશે.

સામાજિક ન્યાય માટે અનામત જરૂરી છે

મુખ્ય ન્યાયાધીશ કૈતે અનામતની જરૂરિયાત અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, સદીઓથી અધિકારોથી વંચિત રહેલા વર્ગોને યોગ્ય સ્થાન આપીને જ સમાજમાં સમાનતા સ્થાપિત કરી શકાય છે. તેમણે અનામતને સામાજિક સમરસતા અને ન્યાયનો આધાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું, "ગુનાખોરીનું સૌથી મોટું કારણ શિક્ષણનો અભાવ છે. જેમ જેમ શિક્ષણ ફેલાશે તેમ ગુનાઓ ઘટશે."

કડક નિયમો ધ્યાનમાં લેવાની જરૂર છે

ચીફ જસ્ટિસે કહ્યું કે હાઈકોર્ટમાં ન્યાયિક અધિકારીઓની નિમણૂક માટે બનાવેલા નિયમો એટલા કડક છે કે એસસી/એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ આ નિયમોનું પાલન કરી શકતા નથી. તેમણે સૂચન કર્યું કે આ વિભાગોને મદદ અને માર્ગદર્શન આપવા માટે વિશેષ કાર્યક્રમો શરૂ કરવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જે નિયમો ફક્ત ઉચ્ચ સામાજિક અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો માટે અનુકૂળ છે તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે.

અન્ય ન્યાયાધીશોએ પણ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો

આ સેમિનારમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેકે મહેશ્વરી અને ગ્વાલિયર હાઈકોર્ટના જસ્ટિસ આનંદ પાઠકે પણ વક્તવ્ય આપ્યું હતું. સામાજિક ન્યાય અને સમરસતા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે સમાજમાં શિક્ષણ અને તકની સમાનતા લાવવા માટે અસરકારક પગલાં લેવાની જરૂર છે.

આ પણ વાંચો: છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.