ભીમયોદ્ધા ભરતભાઈ મર્યા પછી પણ 5 લોકોને નવજીવન આપતા ગયા
અમદાવાદના ગીતામંદિરની પુરાણી સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર ભરતભાઈ પટેલે અંગદાન કરીને બહુજન સમાજને એક નવી રાહ ચીંધી છે.
અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આવેલી પુરાણી સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર ભરતભાઈ પટેલ ઉર્ફે ભલાભાઈને થોડા દિવસ પહેલા બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. એ પછી પાંચ દિવસ સુધી તેઓ જિંદગીનો જંગ લડતા રહ્યા અને પછી અચાનક કોમામાં જતા રહેતા ડોક્ટરે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. એ પછી તેમના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આમ ભીમયોદ્ધા ભરતભાઈના અંગદાન દ્વારા આંખ, કીડની અને લીવરની ગંભીર બિમારીઓ સામે ઝઝુમતા પાંચ લોકોને નવજીવન મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બહુજન સમાજમાં હજુ પણ મનુવાદી પરંપરાઓનું અનુસરણ થતું હોવાથી અંગદાન માટે મૃતકના પરિવારજનો તરત રાજી થતા નથી. એવામાં ભરતભાઈના પરિવારે તેમના મૃત્યુના શોક વચ્ચે પણ પ્રગતિશીલ નિર્ણય લઈને સમાજને અંગદાનની એક નવી દિશા ચીંધી છે.
કોણ હતા ભરતભાઈ પટેલ?
અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આવેલી પુરાણી સોસાયટીમાં રહેતા ભરતભાઈ પટેલ બહુજન સમાજ માટે રાતદિવસ જોયા વિના કામ કરતા સક્રિય કાર્યકર હતા. ગીતામંદિરમાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિનું નાનુંમોટું કોઈપણ કામ અટવાયું હોય, ભરતભાઈ તેમની મદદ માટે કાયમ તૈયાર રહેતા. પછી તે ગટરની સમસ્યા હોય કે સરકારી અધિકારીઓ સામે લડવાનું હોય કે પડોશમાં કોઈ સારોમાઠો પ્રસંગ હોય. બહુજન સમાજના બાળકોના અભ્યાસની તેમને કાયમ ચિંતા રહેતી.
આ પણ વાંચો: JAI BHIM Donors Clubની જય હો! NEETની તૈયાર કરતા ગરીબ વિદ્યાર્થીની ફી ભરી આપી
14મી એપ્રિલે તેઓ બાળકોનો કાર્યક્રમ રાખતા અને તેમાં રમતગમતમાં વિજેતા બાળકોને પ્રોત્સાહક ઈનામ આપી ભણતરની અગત્યતા સમજાવતા. ખૂબ ટૂંકી જિંદગી જીવીને જતા રહેલા ભરતભાઈ મર્યા પછી પણ પાંચ લોકોને અંગદાન થકી નવજીવન આપતા ગયા છે. તેમના અંગદાન થકી પાંચ મુરઝાતી અને મોત સામે ઝઝુમતી વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. એમના આંખોના દાન થકી કોઈના જીવનમાં અજવાળું થયું છે. આંખો, કીડની, લીવર જેવા અંગદાન થકી ભલાભાઈ અને એમના કુટુંબે સમાજમાં એક સર્વોત્તમ કાર્ય કરી સમાજને નવી રાહ ચીંધી છે.
અંગદાન શા માટે જરૂરી છે?
ભારત જેવા અંધશ્રદ્ધામાં ગળાડૂબ દેશમાં અંગદાન જેવા પ્રગતિશીલ વિચારને હજુ લોકો અપનાવે નહીં તે સમજી શકાય તેવી વાત છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદના જ આંકડાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, દર વર્ષે 4 લાખ લોકો સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. 2 લાખ લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે, જેમાંથી માત્ર 10 હજાર લોકો કીડની મેળવી શકે છે. 50 હજાર લોકોને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે જેમાંથી માત્ર 708 લોકો તે મેળવી શકે છે. 50 હજાર લોકોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે જેમાંથી માત્ર 339 લોકો ને મળે છે. આ આંકડાઓ કેટલા ચોંકાવનારા છે, કોઈ વ્યકતિનું મૃત્યુ સારવાર કે સુવિધાઓના અભાવે થાય તે આઘાતજનક છે. કોઈ વ્યકતિનું મૃત્યુ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ન થવાથી થાય છે તો એમાનાં ઘણાં કારણોમાં એક મુખ્ય કારણ લોકોની અંગદાન માટેની ઉદાસીનતા અને મૃત્યુ કર્મકાંડ સાથે જોડાયેલી ખોટી માન્યતાઓ છે. ડાયલિસિસ મશીન પર રહેનાર વ્યકતિને કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય તો એ મશીનથી છૂટી નોર્મલ લાઈફ પર પાછો ફરી શકે ત્યારે એના માટે નવો જન્મ મળ્યા જેવો અનુભવ થાય. તેવી જ રીતે બીમારી,એક્સિડન્ટ કે બીજા કોઈ કારણસર શરીર ને અંગોની જરૂર પડે અને સમય રહેતા એ મળી જાય એ અનુભવ નવી જિંદગી મળ્યા જેવો હોય છે.
આ પણ વાંચો: ખેલદિલીનાં રમત મેદાનો કે ભેદભાવનાં ભારખાનાં?
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે એક વ્યક્તિ પોતાના શરીરના 80 થી 90 ઓર્ગન ડોનેટ કરી શકે. જેમાં હાર્ટ, કિડની, આંખો, સ્વાદુપિંડ, લીવર, હાથ, પગ, ચામડી, નાક, કાન, બોન્સ, સ્નાયુ, ધમની,અંડકોષ, ફેફસા વગેરેનો સમાવેશ થાય છે. એક વ્યક્તિ ઓછામાં ઓછાં 8 લોકોને અંગદાન થકી નવજીવન આપી શકે છે. એટલે અંગદાન કરવાથી મૃતકનો મોક્ષ નહીં થાય, તે નર્કમાં જશે તેવી મનુવાદી માન્યતાઓથી બચીએ અને અંગદાન થકી સમાજને સાચી દિશા ચીંધીએ. જેથી કોઈ વ્યક્તિ અંગદાનની રાહમાં આખી જિંદગી રિબાઈ રિબાઈને મોતને ન ભેટે. ભરતભાઈ અને તેમના પરિવારે જે પહેલ કરી છે, તે બહુજન સમાજે અપનાવવા જેવી છે.
આ પણ વાંચો: કન્યાદાન નહીં, કન્યાએ સમાજને રૂ. 2 લાખનું દાન કર્યું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
RAMESHKUMAR BALABHAI VADUCHIYAIt's commendable decision taken by the deceased family to donate organs god bless them and fulfill every half left wishes of balabhai deceased set shining example of helping need of organ expecting family giving donation you are still living on this earth om Shanti Om ????????️????