કન્યાદાન નહીં, કન્યાએ સમાજને રૂ. 2 લાખનું દાન કર્યું

સુરેન્દ્રનગરમાં એક લગ્નમાં કન્યા પક્ષે મનુવાદી પરંપરા મુજબ કન્યાદાન કરવાને બદલે કન્યાના હસ્તે સમાજના શૈક્ષણિક સંકુલ માટે રૂ. 2 લાખનું દાન કર્યું છે.

કન્યાદાન નહીં, કન્યાએ સમાજને રૂ. 2 લાખનું દાન કર્યું

દલિત-બહુજન સમાજમાં ધીમી પણ મક્કમ ગતિએ ક્રાંતિકારી નિર્ણયો લેવાઈ રહ્યાં છે. ખાસ કરીને યુવા વર્ગ જાતિ પેટાજાતિના વાડાઓ તોડી સમગ્ર દલિત-બહુજન સમાજને એક કરવા માટે આગળ વધી રહ્યો છે. આ એ યુવાનો છે જેને ખબર છે કે સમાજને હાલ શેની જરૂર છે અને ત્યાં તેને મદદ કરવી જરૂરી છે. યુવાનો હવે મંદિરો કે માંડવાઓ જેવા મનુવાદી વિચારોને છોડી રહ્યાં છે, તેમને હવે આ બધાં ધાર્મિક ક્રિયાકર્મો પાછળનું મનુવાદી ષડયંત્ર સમજાવા માંડ્યું છે. એટલે જ તે હવે માતાજીના માંડવાઓ જેવા કાર્યક્રમો પાછળ રૂપિયા વેડફતો નથી, પરંતુ એ જ રૂપિયા સમાજના યુવાનો ભણીગણીને આગળ વધી શકે તે માટે નિર્માણ પામતા કોઈ શૈક્ષણિક સંકુલ કે લાઈબ્રેરી પાછળ ખર્ચતો થયો છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં આજે શ્રી રોહીદાસવંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ભીમસંધ્યા, વિશન કાથડ ભીમભજન રેલાવશે

કંઈક આવી જ ઘટના હાલ સુરેન્દ્રનગરમાં બની ગઈ. અહીં એક દીકરીના લગ્નપ્રસંગે તેણે અને તેના પરિવારે સમસ્ત દલિત સમાજના શિક્ષણ સંકુલને રૂ. 2 લાખનું દાન કર્યું હતું. ક્રાંતિકારી આ પહેલની સમગ્ર સુરેન્દ્રનગર પંથકમાં વાહવાહી થઈ રહી છે. 

દીકરીના પરિવારે શૈક્ષણિક સંકુલ માટે 2 લાખ આપ્યા

સુરેન્દ્રનગર શહેરમાં આવેલા રતનપરમાં 19મી મેના રોજ રઘુભાઈ વાઘેલા અને રાજુબેન વાઘેલાની દીકરી ધર્મિષ્ઠાના લગ્ન હતા. જાન હળવદ તાલુકાના એંજાળ ગામેથી આવી હતી. વરરાજા નિખિલ રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ છે. આ લગ્નપ્રસંગ સમગ્ર સુરેન્દ્રનગર પંથક માટે અનોખો બની રહ્યો હતો.કેમ કે અહીં વર-કન્યા પક્ષે મળીને રૂપિયા 2 લાખથી પણ વધુની રકમ અહીંના રોહિદાસ વંશી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામવા જઈ રહેલા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના શૈક્ષણિક સંકુલને દાનમાં આપી હતી.

બૌદ્ધ આશ્રમનો પણ દાન આપ્યું

વરપક્ષ નિખિલ રાઠોડ તરફથી સમસ્ત રોહિદાસ વંશી સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા સુખધામ રેસિડેન્સીમાં બનવા જઈ રહેલા શૈક્ષણિક સંકુલ માટે રૂ. 11 હજારનું દાન કરાયું હતું. જ્યારે દીકરી પક્ષ તરફથી ધર્મિષ્ઠા વાઘેલાના માતા રાજુબેન વાઘેલાએ શૈક્ષણિક સંકુલના એક રૂમના નિર્માણ માટે રૂ. 2 લાખનું દાન આપ્યું હતું. આ પ્રસંગે દીકરી પક્ષે ગૌતમ બુદ્ધ ગૌસેવા આશ્રમ અને મોરી મૌર્ય સમ્રાટ અશોક ગૌશાળાના નવનિર્માણ માટે પણ રૂ. 21 હજાર દાન કર્યું હતું. જ્યારે વર પક્ષ તરફથી પણ રૂ. 1100નું દાન કરાયું હતું.

આમ આ લગ્ન દ્વારા પરિવારે સમાજને એક નવી દિશા ચીંધી હતી. વાઘેલા અને રાઠોડ પરિવારના આ પગલાંને બૌદ્ધ વિહારના સંચાલકો અને શિક્ષણ સંકુલના કર્તાહર્તાઓએ બિરદાવ્યું હતું.

બહુજન સમાજ મનુવાદી કુપ્રથાઓને ફગાવી રહ્યો છે

આ સમગ્ર પ્રસંગમાં હાજર રહેલા સુરેન્દ્રનગરના સામાજિક કાર્યકર નટુભાઈ પરમાર ખબરઅંતર.કોમને જણાવે છે કે, "આ બંને પરિવારોએ સમસ્ત દલિત-બહુજન સમાજને નવો રાહ ચીંધ્યો છે. સામાન્ય રીતે આપણે ત્યાં લગ્નપ્રસંગે મનુવાદી વિચારો મુજબ ગોર બાપાને જ બધું દાન આપવાનું કહેવાય છે. પણ આ લગ્ન એ રીતે અનોખા હતા. કેમ કે અહીં સમાજના ઉત્થાન માટે દાન કરવામાં આવ્યું હતું. મનુવાદી વિચારધારામાં દીકરીનું દાન કરવાની વાત કરાય છે, જ્યારે અહીં તો ખુદ દીકરીએ સમાજના ઉદ્ધાર માટે રૂ. 2 લાખનું દાન કર્યું હતું. બહુજન સમાજ હવે મનુવાદી કુપરંપરાઓમાંથી બહાર આવી રહ્યો છે. તેને હવે સમજાઈ ગયું છે કે, કહેવાતી સંસ્કૃતિ અને રીતિરિવાજો સદીઓથી તેનું અને તેના સમાજનું શોષણ કરતા આવ્યા હતા. હવે સમય ભણવાનો છે અને માટે જ શૈક્ષણિક સંકુલ માટે દાન આપવું જોઈએ."

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં દલિતો માટે શૈક્ષણિક સંકુલ બનાવનાર ટ્રસ્ટ પર ITની રેડ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.