Statue Of Equality: અમેરિકામાં થયું ડો. બાબાસાહેબ આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ, સમારોહ જય ભીમના નાદથી ગૂંજી ઉઠ્યો

Statue Of Equality: અમેરિકામાં થયું ડો. બાબાસાહેબ આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ, સમારોહ જય ભીમના નાદથી ગૂંજી ઉઠ્યો
સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી - અમેરિકામાં ડો. આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ

ભારત દેશમાં એકતરફ જ્યાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને જાતિવાદીઓ દ્વારા તક મળે ત્યારે નુકસાન પહોંચાડવામાં આવતું રહ્યું છે ત્યારે અમેરિકામાં બાબાસાહેબની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવ્યું છે. 14 ઓક્ટોબર 2023 શનિવારના રોજ યોજાયેલા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો અને બાબાસાહેબના ફોલોઅર્સ ઉમટી પડ્યાં હતા અને તેમણે જય ભીમના નારાથી આકાશ ગજવી મૂક્યું હતું. ડો. આંબેડકરની પ્રતિમાને ‘Statue Of Equality’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રતિમા વોશિંગ્ટન ડીસીના ઉપનગર મેરીલેન્ડમાં સ્થાપિત કરવામાં આવી છે.

વરસાદ છતાં સમર્થકોનો ઉત્સાહ ઓસર્યો નહીં

પ્રતિમાના અનાવરણ સમયે હળવો વરસાદ અને છાંટા પડી રહ્યાં હતાં, તેમ છતાં ડો. બાબાસાહેબના ચાહકોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નહોતી. સમગ્ર અમેરિકા અને ભારત ઉપરાંત ગુજરાતમાંથી પણ અનેક લોકો પ્રતિમાના અનાવરણ સમયે મેરીલેન્ડમાં ઉપસ્થિત રહ્યાં હતાં. કેટલાક તો 10 કલાકની મુસાફરી કરીને ત્યાં પહોંચ્યાં હતા. આ ઐતિહાસિક પ્રસંગે 1000 જેટલા ભારતીય અને ભારતીય મૂળના લોકો હાજર રહ્યાં હતા.

અમેરિકામાં સ્થાપિત કરવામાં આવેલી આ પ્રતિમા રામ સુથારે બનાવી છે

અમેરિકામાં સ્થાપિત કરવામાં આવેલી ડો. આંબેડકરની આ પ્રતિમાનું અનાવરણ જાણીતા મૂર્તિકાર રામ સુથારે કર્યું હતું. રામ સુથાર એ વ્યક્તિ છે જેમણે ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના કાંઠે સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ કર્યું છે. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરના તેઓ અધ્યક્ષ છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકરની આ પ્રતિમાને અમે સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી નામ આપ્યું છે, કેમ કે ભારતમાં દરેક જગ્યાએ અસમાનતા જુદા-જુદા સ્વરૂપે મોજૂદ છે. ખુદ બાબાસાહેબે પણ તેનો ભોગ બનવું પડ્યું હતું.

આ પ્રસંગે હાજર રહેલા એક એનઆરજીએ જણાવ્યું હતું કે, ભારતમાં જનમ્યાં હોવા છતાં ડો. બાબાસાહેબને અન્યાયનો ભોગ બનવું પડ્યું હતું. આજેય જાતિવાદી તત્વો તેમનું અપમાન કરતા રહે છે. એક બાજુ ભારત પોતે લોકશાહીની જનની હોવાનું ગર્વ લે છે અને ખુદ તેના જ એક મહાન સપૂતને માત્ર તેની જાતિના કારણે છાશવારે અપમાનિત કરવામાં આવે છે. જાતિવાદી તત્વો તેમની પ્રતિમાને મોકો મળે ત્યારે નુકસાન પહોંચાડે છે. એવામાં ભારત બહાર અમેરિકામાં બાબાસાહેબની સૌથી મોટી પ્રતિમાનું અનાવરણ થવું ભારત સરકાર અને ભારતના જાતિવાદી તત્વોના મોં પર એક સજ્જડ તમાચો છે.

અમદાવાદના વિદ્યાર્થી અને આંબેડકરી ચળવળકાર મૌલિકરાજ શ્રીમાળી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. KhabarAntar.com સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમેરિકામાં ડો. આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ થવું બહુ મોટી ઘટના છે. આ પ્રસંગ એ સાબિત કરે છે કે બાબાસાહેબના કાર્યો ન માત્ર ભારત પરંતુ દુનિયાભરમાં જાણીતા છે. વ્યક્તિ સ્વાતંત્ર્યતા, મહિલાઓના અધિકારો સહિત અનેક મહાન કાર્યો તેમના નામે બોલે છે. દિનપ્રતિદિન ડો. આંબેડકરની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને યુવા વર્ગ તેમના કાર્યો અને સિદ્ધાંતોને સમજવા લાગ્યો છે તેથી આ વર્ગમાં તેની લોકપ્રિયતા સતત વધતી જઈ રહી છે.

 લોકોમાં વધી રહી છે દિન પ્રતિદિન વધી રહી છે ડો. આંબેડકરની લોકપ્રિયતા

એક બાજુ જાતિવાદી તત્વો દ્વારા બાબાસાહેબને નીચું દેખાડવાની એક પણ તક જતી કરવામાં નથી આવતી, ત્યાં બીજી તરફ દુનિયાભરમાં ડો. આંબેડકરની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. તેમણે આપેલા સિદ્ધાંતોને વૈશ્વિક સ્તરે આવકાર મળી રહ્યો છે. 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુમાં જન્મેલા ડો. આંબેડકર ભારતીય બંધારણ સભાની ખરડા સમિતિના અધ્યક્ષ રહ્યાં હતાં.

અમેરિકામાં રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસથી સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી દક્ષિણ તરફ અંદાજે 22 માઈલ દૂર આવેલું છે. 13 એકર જમીનમાં બનેલા આ સેન્ટરમાં બાબા સાહેબની પ્રતિમા ઉપરાંત લાઈબ્રેરી, કન્વેન્શન સેન્ટર અને બુદ્ધ ગાર્ડન પણ છે.

દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ કુમાર નારાએ જણાવ્યું હતું કે, અમેરિકામાં બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ ઐતિહાસિક ક્ષણ છે. આઝાદીના 75 વર્ષ પછી હવે લોકોને એહસાસ થવા લાગ્યો છે કે ડો. આંબેડકરે કેટલા અગત્યના કામો કર્યા છે, એટલે જ દિનપ્રતિદિન તેમની લોકપ્રિયતા વધતી જાય છે. ખાસ કરીને યુવાવર્ગ તેમનાથી ભારે પ્રભાવિત થઈ રહ્યો છે. પહેલા તેમને માત્ર દલિતોના નેતા તરીકે જોવામાં આવતા હતા, પણ હવે સમગ્ર દેશ ઉપરાંત દુનિયાને પણ સમજાવા લાગ્યું છે કે, મહિલા સશક્તિકરણ અને સમાજના નબળા વર્ગો માટે બાબા સાહેબનું યોગદાન કેટલું મહત્વનું છે.

ઉલ્લેખનીય છે કે રવિકુમાર નારા ડો. આંબેડકરની પ્રતિમાના અનાવરણ માટે ભારતથી અમેરિકા ગયા હતા. અમેરિકામાં આંબેડકરી ચળવળના નેતા દિલીપ મહાસ્કે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી ભારતના 140 કરોડ લોકો અને 45 લાખ ભારતીય અમેરિકીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રતિમા અમેરિકામાં રહેનારા ભારતીયોને પ્રેરણા આપતી રહેશે. પ્રતિમાના અનાવરણ દરમિયા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.