Exclusive - ગિરનાર પર્વતની પાંચમી ટૂંક ઉપર આવેલા પગલાંનો વિવાદ: ઐતિહાસિક પુરાવા પર એક દ્રષ્ટિપાત
ગિરનાર પર્વત ઉપર આવેલી પાંચમી ટૂંક દત્તાત્રેય ટૂંક તરીકે હાલ ઓળખાય છે. તાજેતરમાં પહેલી ઓક્ટોબર 2023 રવિવારના દિવસે મહારાષ્ટ્રથી આવેલાં દિગંબર જૈન સંઘ અને ગિરનારના નાથ સંપ્રદાય વચ્ચે આ પગલાંને લઈને બોલાચાલી થઈ હતી. દત્ત શિખર ટ્રસ્ટ દ્વારા પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ ત્યાં આવેલ દત્તાત્રેયની મૂર્તિને ખંડિત કરવાનો જૈન સંઘ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ સામસામે પોલીસ ફરિયાદ થઈ છે. તપાસ ચાલી રહી છે. આ મામલે આમ તો વરસોથી કોર્ટમાં પિટિશન ચાલું છે.
જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ સંઘવીએ એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોર્ટનો વચગાળાનો હુકમ એવો છે કે જૈન સમાજ અને સનાતન સંપ્રદાય પોત-પોતાની શ્રધ્ધા અને માન્યતા પ્રમાણે પૂજા-અર્ચના કરી શકે છે.
ગિરનાર પર્વત પર જે પગલાં છે તેને જૈનો નેમિનાથ ભગવાનના પગલાં ગણાવે છે, જ્યારે સનાતન સંપ્રદાય કહે છે કે તે પગલાં દત્તાત્રેય ભગવાનના છે.
બંને પક્ષોના દાવાઓ વચ્ચે આ મામલામાં ત્રીજા એક એન્ગલથી જોતા આખી જુદી જ વાત સામે આવે છે. જૂનાગઢ ગિરનાર પર્વત મુખ્યત્વે બૌદ્ધ હીનયાન સમ્મતિય શાખાનું પ્રમુખ કેન્દ્ર હતું. સિલોન દેશના ધર્મ પ્રચારક ધર્મરક્ષિત નામના બૌદ્ધ ભિખ્ખુએ જૂનાગઢમાં વસવાટ કર્યો હતો. તેમણે ગુજરાતમાં બૌદ્ધ ધમ્મના 37 હજાર બૌદ્ધ ભિખ્ખુઓ બનાવ્યા હતા. બૌદ્ધ સાહિત્યમાં એવી નોંધ જોવા મળે છે કે, બુદ્ધ જે જે જગ્યાએ રહ્યાં હતાં ત્યાં ત્યાં પ્રિયદર્શી સમ્રાટ અશોકે વિહારો, સ્તૂપો અને શિલાલેખો બંધાવ્યા હતા. ગુજરાતમાં બે સ્થળ દેવની મોરી અને જૂનાગઢમાં થયેલા ઉત્ખનન દરમ્યાન મળેલી મંજૂસામાં(દાબડો) અરહંત બૌદ્ધ ભિખ્ખુના અસ્થિ, પત્ર, પારા અને ભસ્મ પ્રાપ્ત થયા હતા. જેને પુરાતત્વ વિભાગ દ્વારા અનુક્રમે વડોદરા અને જૂનાગઢના સંગ્રહાલયમાં રાખવામાં આવેલ છે.
ઐતિહાસિક માહિતી મુજબ, ગિરનાર પર્વતની ચારે દિશામાં બૌદ્ધ સ્તૂપ આવેલા હતા. પૂર્વમાં માળવેલા સ્તૂપ, પશ્ચિમમાં ભવનાથ સ્તૂપ, ઉત્તરમાં જીણાબાવાની મઢી પાસેનો સ્તૂપ અને દક્ષિણમાં બોરીયા સ્તૂપ.
બોરીયા સ્તૂપનું ઉત્ખનન જે તે સમયના મુંબઈના પુરાતત્વ વિભાગના અંગ્રેજ ગેઝેટિયર શ્રી જે. એમ કેમ્પબેલે 1888માં કર્યુ હતું. જેના પુરાવા જૂનાગઢ સ્થિત સરદારબાગમાં આવેલ સંગ્રહાલયમાં આજે પણ છે.
બોરિયા સ્તૂપનો ઘેરાવો 600 ફૂટ અને ઊંચાઈ 150 ફૂટ છે. જે બોરદેવી સ્થળ પાસે હયાત છે. જેને કાળક્રમે લોકો અને સરકાર લાખામેડીના નામે ઓળખે છે. લાખા નામની વ્યક્તિના કોઈ પુરાવા પ્રાપ્ત નથી પણ તે પુરાતત્વ વિભાગના ચોપડે બોરિયા સ્તૂપ તરીકે ઓળખાય છે. બૌદ્ધ અરંહત ભિખ્ખુના નિર્વાણ પછી તેમના નશ્વર દેહને જેમાં રાખવામાં આવે તેને બૌદ્ધ સ્તૂપ કહેવામાં આવે છે.
જીણાબાવાની મઢી પાસે ઈ.સ 1949 માં ઉત્ખનન કરતા ગીરીજાશંકર આચાર્યને રુદ્રસેન બૌદ્ધ વિહારના અવશેષો મળ્યાં હતા. આ વિહાર ખૂબ વિશાળ હતો. અહીંથી એક એક ઈંચની વર્તુળાકાર મુદ્રાઓ મળી હતી. તેની ઉપર ચૈત્યની આકૃતિ અંકિત થયેલી હતી. અને બ્રાહ્મી લિપિમાં ‘મહારાજ રુદ્રસેન વિહારે ભિક્ષુ સંઘસ્ય’ એવું લખાણ છે. મતલબ કે આ વિહાર મહારાજા રુદ્રસેન દ્વારા બૌદ્ધ ભિખ્ખુ સંઘના નિવાસ માટે નિર્માણ કરવામાં આવ્યો હતો. આજે ત્યાં 19 કમરાના ખંડિત વિહારની નિશાનીઓ છે. પુરાતત્વ વિભાગ દ્વારા ત્યાં બોર્ડ પણ મૂકેલ છે. આસપાસ 18x12 ઈંચની પકવેલી લાખો ઈંટો જોવા મળે છે. કેટલીક ઈંટો પર બૌદ્ધ સાંસ્કૃતિક ચિત્રો દોરેલા છે. એટલે આ સ્થળ ઈટવા બૌદ્ધ વિહાર તરીકે ઓળખાય છે. પાસે આવેલ રાતાકોઠા સ્થળે પણ પકવેલી ઈંટો મળે છે. બોરિયા સ્તૂપમાં પણ આવીજ ઈંટો લાખોની સંખ્યામાં જોવા મળે છે.
ભારતનો ઐતિહાસિક સમય તથાગત બુદ્ધ, મહાવીર અને ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે. ઈ.સ પૂર્વે 319થી મૌર્ય સામ્રાજ્યના ઉદયકાળથી ભારતની ઐતિહાસિક ઓળખ પ્રસ્થાપિત થતી જોવા મળે છે. અશોકના રાજ સિંહાસન પછી ભારતનો સુવર્ણકાળ શરૂ થાય છે. સૌરાષ્ટ્ર તે સમયે અશોકના આધિપત્ય તળે હતું. ગિરિનગર એટલે કે જૂનાગઢ સૌરાષ્ટ્રનું પાટનગર હતું. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે. સમ્રાટ અશોકે પોતાના રાજયારોહણના 12માં વર્ષે એટલે કે ઈ. સ. પૂર્વે 256માં જૂનાગઢ ગિરનાર તરફ જતા માર્ગના એક વિશાળ ખડકમાં આ શિલાલેખ કોતરાવ્યો હતો. જેને અંગ્રેજી ઇતિહાસકાર જેમ્સ બર્જેસે શોધી કાઢ્યો હતો.
ઉપરાંત અહીં, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ, બાબા પ્યારેની બૌદ્ધ ગુફાઓ, માયગઢેચીની બૌદ્ધ ગુફાઓ, પંચેશ્વરની બૌદ્ધ ગુફાઓ, રાજુલની બૌદ્ધ ગુફાઓ અને ગિરનારમાં આવેલ અન્ય ગુફાઓ જે તમામ ગુફાઓ બૌદ્ધ સંસ્કૃતિની વિરાસત છે. જ્યાં હાલ અન્ય ધર્મનો કબજો છે. અહીં સુદર્શન બૌદ્ધ સરોવર પણ છે.
ઐતિહાસિક તથ્યો પર નજર કરતા સ્પષ્ટ જણાય છે કે, ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ અન્ય ધર્મના રાજાઓએ બનાવી હોય તે માની શકાય નહીં. એવી જ રીતે બાબા પ્યારે નામના સંતે પણ 26 ગુફાઓ કંડારી હોય તેવું શક્ય નથી. એજ રીતે ખાપરા અને કોડિયા નામના ચોર-લૂંટારાઓ 250 ફૂટ લાંબી બૌદ્ધ ગુફાઓ બનાવે તે પણ હાસ્યાસ્પદ લાગે છે. કાળક્રમે સમયના ચડાવ ઉતારમાં અન્ય ધર્મના આક્રાન્તા દ્વારા બૌદ્ધ વિરાસતને પારાવાર નુકસાન પહોંચાડવા આવ્યું હતું તે જોઈ શકાય છે.
ગુજરાતમાં તથાગત ગૌતમ બુદ્ધની હયાતીમાં જ બૌદ્ધ ધમ્મનું આગમન થયું હતું. ગુજરાતના પૂર્ણ નામના બૌદ્ધ ભિખ્ખુની ઈચ્છા હતી કે તથાગત બુદ્ધ તેના સુના પરાન્તમાં પધારે. પૂર્ણની વિનંતીથી બુદ્ધ સુના પરાન્ત જનપદમાં પધાર્યા હતા. સુપ્પારકના વિહારમાં વર્ષાવાસ કર્યો હતો. સુપ્પારક એટલે આજનું સોપારા મુંબઈ પાસે આવેલા નાલા સોપારા. શ્રાવસ્તીથી પરત ફરતા નાગલોકની વિનંતીથી તથાગત બુદ્ધ સચ્ચબંધ પર્વત પર રોકાયા હતા. નાગલોકની વિનંતીથી પુજા માટે તથાગત બુદ્ધે તેમના પદચિહ્નની નિશાની આપી હતી. ત્યારથી નાગલોકો બુદ્ધના ચરણની પૂજા કરે છે. મહાકવિ અશ્વઘોષ દ્વારા રચિત ‘બુદ્ધ ચરિત’માં ભગવાન બુદ્ધ સોપારા આવ્યા હતા તેવો ઉલ્લેખ મળે છે.
ગિરિનગર તે સમયે બૌદ્ધ નગર હતું. હીનયાન બૌદ્ધ સમ્મતીય શાખાનું પ્રમુખ કેન્દ્ર હતું. જૂનાગઢ આટલી વિશાળ સંખ્યામાં બૌદ્ધ સાંસ્કૃતિક વિરાસતનો વારસો ધરાવે છે ત્યારે એમ માનવું રહ્યું કે તથાગત બુદ્ધ ગિરિનગર પધાર્યા હશે.
હાલ વિવાદિત સ્થળ ગિરનાર જૂનાગઢ પર્વત ઉપર આવેલ પાંચમી ટૂંક જે ભગવાન નેમિનાથ કે દત્તાત્રેયના પગલા હોવાનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે. વિવાદ ઐતિહાસિક પુરાવાના આધારે નક્કી થશે કે આસ્થાના આધારે તે લોકોએ જોવું રહ્યું. આસ્થાના નામે કે બળ પ્રયોગથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. જૂનાગઢની ઉપરોક્ત ઐતિહાસિક માહિતી પુરાવા સાથે અહીં મૂકી છે. આપણા ઇતિહાસકારોએ બૌદ્ધ ધરોહરની સુપેરે નોંધ લીધી છે. તેની સચ્ચાઈ લોકો પણ જાણે. માત્ર કાગળ કથાઓના આધાર લઈ દાવા કરવા એ એક પ્રકારે કબજા ગણી શકાય. અવતારોનું અવતરણ અવાસ્તવિક લાગે છે. માનવ કલ્યાણ માટે સમાજને ધમ્મની જરૂર છે નહીં કે ધંધા માટે.
- નિલેશ કાથડ (લેખક SBIમાં Chief Manager તરીકે સેવાનિવૃત્ત છે અને બૌદ્ધ ધર્મના અભ્યાસુ છે.)
- તમામ ફોટો લેખકે બૌદ્ધ ધર્મ પરના પોતાના સંશોધન દરમિયાન એકત્ર કરેલ છે.
- નોંધઃ અહીં આપવામાં આવેલી વિગતો લેખકના સંશોધન પર આધારિત છે. તેની સાથે KhabarAntar.com સહમત હોય તે જરૂરી નથી.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
BaldevCongratulations....