નાઈટ ડ્યૂટી પર તૈનાત દલિત નર્સ સાથે ડોક્ટરે દુષ્કર્મ આચર્યું
કોલકાતાની લેડી ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને હોબાળો મચેલો છે ત્યારે એક દલિત નર્સ સાથે ડોક્ટરે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.
કોલકાતામાં લેડી ડોક્ટર સાથે કરાયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને સવર્ણ મીડિયા, બોલીવૂડ, રાજકારણીઓ, સવર્ણ મહિલાઓએ આખો દેશ માથે લઈ લીધો છે. આ લોકોની લાગણીઓ પણ જાતિ જોઈને વહે છે તે શરમજનક છે. આવું એટલા માટે કહેવું પડે, કેમ કે કોલકાતાની ઘટના બની એ જ સમયે બિહારના મુઝફ્ફરપુરમાં એક દલિત સગીરાની પણ રેપ કરીને હત્યા કરી દેવામાં આવી હતી. એ હત્યા કેટલી ભયાનક હતી તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, હત્યારાઓએ તેના ગુપ્ત ભાગ પર છરીથી 50 જેટલા ઘા કર્યા હતા. કોલકાતાની ઘટનામાં મૃતક યુવતી કથિત ઉચ્ચ જાતિની હોવાથી તેને મુખ્યધારાનું મીડિયા દેશ કી બેટી ગણાવે છે, તો શું મુઝફ્ફરપુરની સગીર દીકરી દેશ કી બેટી નથી?
કોલકાતામાં ડોક્ટર યુવતી પર રેપ અને હત્યાની ઘટના વિરુદ્ધમાં દેશના વિવિધ સ્થળોએ દેખાવો થઈ રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી પર તહેનાત દલિત નર્સ સાથે ડોક્ટરોએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના રવિવારે મધરાતે બની હતી. પીડિતા શનિવારે સાંજે ૭ વાગ્યે તેની ફરજ માટે હોસ્પિટલ ગઈ હતી. તે છેલ્લા સાત મહિનાથી આ હોસ્પિટલમાં કામ કરતી હતી. મોડી રાત્રે એક નર્સ મેહનાઝે તેને ડો. શાહનવાઝને તેના રૂમમાં મળવા કહ્યું હતું. જ્યારે તેણીએ આવું કરવાની ના પાડી ત્યારે મેહનાઝ અને વોર્ડ બોય જુનૈદ તેને બળજબરીથી હોસ્પિટલના ઉપરના માળ પર એક રૂમમાં લઈ ગયા હતા અને તેને બહારથી તાળું મારી દીધું. પાછળથી ડૉ. શાહનવાઝ રૂમમાં ઘૂસી ગયો અને તેણે પીડિતાને બંધક બનાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ડોકટરે પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને જાતિવાદી અપશબ્દો પણ કહ્યા હતા.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાએ મહિલાને નિર્વસ્ત્ર કરી રોડ પર ઢસડી
પીડિતાએ મદદ માટે બીજી નર્સને બોલાવવા માટે ચીસો પાડી હતી, પરંતુ કોઈ તેની મદદે કોઈ આવ્યું નહોતું. ડૉક્ટરે કહ્યું કે, તું જેટલા પૈસા માંગીશ તેટલા હું આપીશ, પણ કોઈને કંઈ કહેતી નહીં. જો તું કહીશ તો હું તને મારી નાખીશ.
પીડિતાના પરિવારના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટના દરમિયાન આરોપી વોર્ડ બોયે તેમની દીકરીનો મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢીને પોતાની પાસે રાખી લીધો હતો. સવારે જ્યારે દીકરી ઘરે પહોંચી ત્યારે તેણે પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ઘટના બાદ પીડિતાના પરિવારજનોએ ઠાકુર દ્વારા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર શાહનવાઝ, નર્સ મેહનાઝ અને વોર્ડ બોય જુનૈદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. રવિવારે સાંજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા પછી હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: દલિત કિશોરી પર દુષ્કર્મ આચરી છરીના ઘા મારી હત્યા કરી દેવાઈ