સવર્ણો જેને પછાત વિસ્તાર માને છે તે લાંભામાં પ્રગતિશીલ બૌદ્ધ લગ્ન યોજાયા
બૌદ્ધ ધર્મ હવે પ્રગતિશીલ વિચારોનું પ્રતિક બની ચૂક્યો છે. વધુને વધુ યુવાનો બૌદ્ધ ધર્મ તરફ વળી રહ્યાં છે. ત્યારે અમદાવાદના લાંભામાં અનોખા બૌદ્ધ લગ્ન યોજાયા હતા.
ગુજરાત સહિત દેશભરના બહુજન યુવાનોમાં બૌદ્ધવિધિથી લગ્ન કરવાનો ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે. હવે બૌદ્ધ કોઈ ધર્મ નહીં પરંતુ પ્રગતિશીલ વિચારોનો પ્રતિક બની ચૂક્યો છે ત્યારે વધુને વધુ યુવાનો બૌદ્ધ ધર્મ સ્વીકાર કરી રહ્યાં છે અને બૌદ્ધ વિધિથી લગ્ન કરવાનો આગ્રહ રાખતા થયા છે. યુવા વર્ગમાં હવે બૌદ્ધ વિધિથી લગ્ન કરવા એ એક સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે ત્યારે આવા જ એક અનોખા લગ્ન હાલ અમદાવાદ પાસે લાંભા ગામમાં યોજાઈ ગયા. સવર્ણ અમદાવાદીઓ લાંભાને એક પછાત વિસ્તાર ગણાવે છે, પણ તેમની આ માન્યતાને લપડાક મારતા આયુષ્યમાન કરણ અને ખુશ્બુએ અહીં બહુજન સમાજને નવી રાહ ચિંધતા બૌદ્ધવિધિથી સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. લાંભા અને તેની આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે ઓબીસી, દલિત, મુસ્લિમ સહિતની જ્ઞાતિઓ રહે છે. જેના કારણે અમદાવાદના પોશ એરિયામાં રહેતો કથિત સવર્ણ મનુવાદી વર્ગ તેને પછાત, ગંદો અને ન્યૂસન્સ માને છે. જો કે તેમની આ માન્યતાને બૌદ્ધ ધર્મથી યોજાયેલા આ લગ્ને ક્યાંય હાંસિયામાં ધકેલી દીધી છે.
.
2500 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધે વૈજ્ઞાનિક અભિગમથી આપણને બૌદ્ધ ધમ્મ આપ્યો હતો. બુદ્ધે કહ્યું હતું કે, શુભ કે અશુભ જેવું કશું જ હોતું નથી. માનવ જીવનમાં જે કંઈ પણ થાય છે, તે થતું હોય છે. ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે, સકારાત્મક પ્રકાશમાં શું થઈ રહ્યું છે તે જોવાની જરૂર છે. તેથી, બૌદ્ધ ધમ્મમાં અથવા ભારતીય બૌદ્ધ મહાસભા હેઠળ કરવામાં આવતી વિધિઓ માટે કોઈ શુભ અથવા અશુભ સમય નથી.
તેનું જ પાલન કરી અમદાવાદના લાંભા ગામમાં આયુષ્યમાન કરણ અને આયુષ્યમતી ખુશ્બુના બૌદ્ધ લગ્ન યોજાઈ ગયા. બૌદ્ધ ધમ્મ અનુસાર બૌદ્ધ ભિખ્ખુની હાજરીમાં આ લગ્ન કરતી વખતે પાલી ભાષાની ગાથાઓ ગવાઈ હતી. પ્રથમ ત્રિશરણ, પંચશીલ, બુદ્ધ વંદના, ભીમ સ્મરણ, ભીમસ્તુતિ, મહામંગલ ગાથા, પ્રતિજ્ઞા, જય મંગલ, અષ્ટાંગ માર્ગ ગાથા, આશિર્વાદ ગાથા બોલીને લગ્ન સમારોહ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
એવું માનવામાં આવે છે કે, બૌદ્ધ ધમ્મની ઉત્પત્તિ સનાતન ધમ્મમાંથી થઈ છે. પરંતુ આ પછી પણ બૌદ્ધ અને હિન્દુ ધર્મમાં લગ્નના રિવાજો ખૂબ જ અલગ છે. બૌદ્ધ લગ્ન અનુસાર સિંદૂર, મગલસૂત્રનો ઉપયોગ થયો નહોતો.
હિન્દુ ધર્મમાં લગ્ન અને શુભ કાર્ય માટે સફેદ રંગને અશુભ માનવામાં આવે છે. પરંતુ સફેદ રંગ અશુભ નથી. બૌદ્ધ ધમ્મ સિવાય ખ્રિસ્તી ધમ્મમાં પણ લગ્ન દરમિયાન સફેદ રંગ પહેરવાને શુભ માનવામાં આવે છે. બૌદ્ધ ધમ્મમાં સફેદ રંગને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. એટલે જ આ લગ્નમાં કન્યા અને વરરાજાએ લાલને બદલે સફેદ વસ્ત્રો પહેર્યા હતા.
બૌદ્ધ ધમ્મમાં સફેદ રંગને શુદ્ધ માનવામાં આવે છે. બૌદ્ધ ધમ્મમાં લગ્ન માટે, ગૌતમ બુદ્ધ અને બાબાસાહેબ ડો. આંબેડકરની પ્રતિમા કે તસવીર મૂકવામાં આવી હતી અને મીણબત્તી પ્રગટાવવામા આવી હતી અને લગ્ન માટે સાત ફેરા નહીં પરંતુ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કન્યા અને વરરાજાએ જીવન માટે સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભગવાન ગૌતમ બુદ્ધને અર્પણ કરવામાં આવેલી ફૂલો દંપતીને આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!
આ મામલે આકાશવાણી અમદાવાદનાં પત્રકાર તરીકે કામ કરતા વરરાજા કરણ કહે છે, "બહુજન સમાજના યુવાનોને હવે એ સમજાઈ ચૂક્યું છે કે બૌદ્ધ એ કોઈ ધર્મ નહીં પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તેમાં જે કંઈપણ કહેવામાં આવ્યું છે તેની પાછળ ચોક્કસ વૈજ્ઞાનિક કારણો છે.
દંભ, અંધશ્રદ્ધાને અહીં કોઈ સ્થાન નથી. અમે બૌદ્ધ ધર્મમાં વિશ્વાસ ધરાવીએ છીએ એટલે વિચાર્યું કે સમાજને પણ બૌદ્ધ ધર્મની વિશેષતાનો મેસેજ આપવો જોઈએ. માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. બૌદ્ધ ધર્મમાં શુભ-અશુભ જેવી માન્યતાઓને સ્વીકારવામાં નથી આવતી, રંગ કે ચોઘડિયા જેવા દંભ પણ નથી. ચોક્કસ જાતિ-વર્ગને સુપ્રીમસી નથી.
આ બધાં પાસાઓ તેને ખરા અર્થમાં માનવધર્મ બનાવે છે. એટલે હું તો ઈચ્છું છું કે, જેઓ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા હોય તે સૌએ બૌદ્ધ રીતિરિવાજોનું અનુસરણ કરવું જોઈએ."
આ પ્રસંગે બૌદ્ધ ધર્મના અનેક અનુયાયીઓ અને પ્રગતિશીલ વિધારધારાના વાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વરકન્યાને આવા ઉમદા વિચારો માટે અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: અનુસૂચિત જાતિ સમાજમાં બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કરવાનો ટ્રેન્ડ, કડીમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Maheshbhai Ramabhai MakwanaMany many Congratulations ????????????????????