ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના ૪૯માંથી ૪૫ ઉમેદવાર કરોડપતિ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારોને લઈને ADR સંસ્થાનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં ઉમેદવારો પર કેસ, સંપત્તિ સહિત અન્ય વિગતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
દેશમાં બે તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે ૭મી મેએ ત્રીજા તબક્કામાં ૮૮ સીટો પર મતદાન થવાનું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૬ લોકસભા સીટો પર પણ મતદાન થશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. ગુજરાતના ઉમેદવાર પર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR) નો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં ઉમેદવારો પર કેસ, સંપત્તિ સહિત અન્ય વિગતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ૭મી મેએ મતદાન થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની સમગ્ર પ્રક્રિયા બાદ હવે એડીઆર દ્વારા ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે ગુજરાત ભાજપના ૨૬માંથી ૨૪ ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના ૨૩ ઉમેદવારોમાંથી ૨૧ ઉમેદવારો કરોડપતિ છે. ગુજરાતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોપ-૩ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના છે.
એડીઆરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં જામનગરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુનમ માડમ પાસે સૌથી વધુ સંપત્તિ છે. પુનમ માડમ પાસે ૧૪૭ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્યારબાદ બીજા નંબર પર અમિત શાહ છે. અમિત શાહ પાસે ૬૫ કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ યાદીમાં ત્રીજું નામ ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલનું છે. સીઆર પાટિલ પાસે ૩૯ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
જે ઉમેદવાર પર સૌથી વધુ દેવું હોય તેની વાત કરવામાં આવે તો જામનગરના ઉમેદવાર પુનમ માડમ તેમાં પણ પ્રથમ સ્થાને છે. પુનમ માડમ પર કુલ ૫૩ કરોડ રૂપિયાનું દેવું છે. ત્યારબાદ કોંગ્રેસના ચંદનજી ઠાકોર ઉપર નવ કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમર પર ૩ કરોડ રૂપિયાનું દેવું છે.
એડીઆરના રિપોર્ટમાં જે ઉમેદવારો પર કેસ નોંધાયેલા છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભરૂચથી લોકસભાના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા ઉપર ૧૩ કેસ નોંધાયેલા છે. આ સિવાય અનંત પટેલ પર ચાર કેસ, અમિત શાહ પર ૩ કેસ, હીરાભાઈ જોટવા પર ૨ કેસ, દિલીપ વસાવા પર ૧ કેસ, આ સિવાય રાજેશ ચુડાસમા, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, સુખરામ રાઠવા, જશુભાઈ રાઠવા પર એક-એક કેસ છે.
અહીં એ યાદ રાખવું રહ્યું કે, એડીઆર સંસ્થા છેલ્લાં ઘણાં વર્ષોથી ચૂંટણીમાં નેતાઓ દ્વારા કરવામાં આવતા એફિડેવિટ સહિત તેમની સંપત્તિમાં થતા વધારા, ક્રિમિનલ કેસો સહિતની માહિતી ભેગી કરીને તેનું એનાલિસીસ કરીને રિપોર્ટ રજૂ કરે છે. આ સંસ્થા અગાઉ પણ લોકશાહીની તરફેણમાં અનેક પીઆઈએલ પણ કરી ચૂકી છે. હાલ બહુ ગાજેલા ઈલેક્ટોરલ બોન્ડના ભાજપે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનું જે બહાર આવ્યું છે તે એડીઆર સંસ્થાના કારણે શક્ય બન્યું છે. ઈવીએમ અને વીવીપેટની કાપલીની સો ટકા ગણતરી કરવાની અરજી તેણે જ સુપ્રીમ કોર્ટમાં કરી હતી. તેની વેબસાઈટ પર નેતાઓની સંપત્તિથી લઈને મોટાભાગની વિગતો તમને વાંચવા મળશે. તો ચોક્કસ તેની વેબસાઈટની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.
આ પણ વાંચોઃ મેં ભૂખા તો નહીં મરુંગા, ચમાર હું...
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
GOHIL SAVABHAI PATHUBHAIસી આર પાટીલ પર કેટલા કેશ છે તે જણાવવા માં નથી આવ્યું