ગણપતિ પૂજા પર PM મારા ઘરે આવે એમાં કંઈ ખોટું નથી: ડી.વાય. ચંદ્રચૂડ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે ગણપતિ પૂજા દરમિયાન પીએમ મોદી તેમના ઘરે આવ્યા તે મામલે હવે નિવેદન આપ્યું છે.

સીજેઆઈ ધનંજય ચંદ્રચૂડને વડાપ્રધાન તેમના ઘરે ગણપતિ પૂજામાં હાજરી આપવા આવે તેમાં કશું ખોટું નથી લાગતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગણપતિ પૂજા પર તેમના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લે છે તેમાં “કંઈ ખોટું નથી” અને આવા મુદ્દાઓ પર “રાજકીય વર્તુળોમાં પરિપક્વતાની ભાવના” ની જરૂર છે.
સીજેઆઈએ કહ્યું હતું કે એ બાબતનું સન્માન થવું જોઈએ કે ન્યાયતંત્ર અને કારોબારી વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા મજબૂત આંતર-સંસ્થાકીય મિકેનિઝમ્સ હેઠળ થાય છે અને સત્તાના વિભાજનનો અર્થ એ નથી કે તેઓ એકબીજાને મળશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ગણેશોત્સવ દરમિયાન પીએમ મોદી ચંદ્રચૂડના ઘરે ગણપતિ પૂજામાં હાજરી આપવા ગયા હતા. જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આ મામલે સીજેઆઈની આકરી ઝાટકણી કાઢી હતી. શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, હવે કદાચ અમારા પેન્ડિંગ કેસો મામલે અમારા વિરોધમાં કોઈ ચૂકાદો આવે છે તો અમને ખ્યાલ આવી જશે કે આવું શા માટે થયું. આ મામલે ચોતરફથી ટીકાઓ થઈ રહી હતી ત્યારે સીજેઆઈ ચંદ્રચૂડે કશો પણ જવાબ વાળ્યો નહોતો. હવે તેમણે આ મામલે ખુલાસો કર્યો છે કે, એમાં કશું ખોટું નથી.
આ ઘટના બની એ દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળ વિરોધ પક્ષો અને વકીલોના એક વર્ગ દ્વારા વડા પ્રધાનની ચંદ્રચૂડના ઘરની મુલાકાતની યોગ્યતા અને ન્યાયતંત્ર અને કાર્યપાલિકાની મર્યાદાઓ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. બીજી તરફ, ભાજપે ટીકાને અવગણીને કહ્યું હતું કે “આ દેશની સંસ્કૃતિનો એક ભાગ છે.”
ચંદ્રચુડે કહ્યું, “સત્તાઓના વિભાજનની વિભાવનાનો અર્થ એ નથી કે ન્યાયતંત્ર અને કાર્યપાલિકા એકબીજાથી અલગ છે તે અર્થમાં તેઓ એકબીજાને મળશે નહીં અથવા તર્કસંગત સંવાદ નહીં કરે. રાજ્યોમાં મુખ્ય ન્યાયાધીશનો પ્રોટોકોલ હોય છે અને હાઈકોર્ટની વહીવટી સમિતિ મુખ્ય પ્રધાન અને મુખ્ય ન્યાયાધીશને તેમના નિવાસસ્થાને મળે છે. આમાંની મોટાભાગની બેઠકોમાં બજેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી વગેરે જેવા મૂળભૂત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.”
પીએમ મોદીની તેમના ઘરની મુલાકાતને લઈને ચંદ્રચૂડે કહ્યું, “વડાપ્રધાન મારા ઘરે ગણપતિ પૂજા માટે આવ્યા હતા. આમાં કંઈ ખોટું નથી કારણ કે સામાજિક સ્તરે ન્યાયતંત્ર અને કાર્યપાલિકા સાથે જોડાયેલા લોકો વચ્ચે નિયમિત બેઠકો થતી રહે છે. આપણે રાષ્ટ્રપતિ ભવન, પ્રજાસત્તાક દિવસ વગેરે પર મળીએ છીએ. અમે વડાપ્રધાન અને મંત્રીઓ સાથે વાત કરીએ છીએ. આ સમય દરમિયાન અમે એવા મુદ્દાઓની ચર્ચા કરતા નથી કે જેના પર અમારે નિર્ણય લેવાનો હોય, પરંતુ સામાન્ય રીતે જીવન અને સમાજ સાથે સંબંધિત બાબતોની ચર્ચા કરીએ છીએ.”
તેમણે કહ્યું, “રાજકીય પદ્ધતિમાં આને સમજવા અને તેના ન્યાયાધીશો પર વિશ્વાસ કરવા માટે પરિપક્વતાની ભાવના હોવી જોઈએ, કારણ કે અમે જે કામ કરીએ છીએ તેનું મૂલ્યાંકન અમારા લેખિત શબ્દો દ્વારા કરવામાં આવે છે. અમે જે પણ નિર્ણય લઈએ છીએ તે ગુપ્ત રાખવામાં આવતો નથી અને ખુલ્લેઆમ ચર્ચા કરી શકાય છે. એ રીતે વહીવટી સ્તરે કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેની વાતચીતને ન્યાયિક બાજુ સાથે કોઈ લેવાદેવા નથી.”
આ પણ વાંચો: માય લોર્ડ, સામાજિક ન્યાયનો ભાર દલિતો-આદિવાસીઓને ખભે શા માટે?