Global Peace Index 2024: વિશ્વની સરેરાશ શાંતિમાં 0.56 ટકાનો ઘટાડો થયો
ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2024 આવી ગયો છે. એ મુજબ દુનિયાભરની સરેરાશ શાંતિમાં 0.56 ટકાનો ઘટાડો થયો છે. જાણો તેની પાછળના કારણો.
ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2024 આવી ગયો છે અને આ વખતના આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે વિશ્વની સરેરાશ શાંતિમાં ઘટાડો થયો છે. નવા ઈન્ડેક્સ મુજબ દુનિયાના વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધો અને અરાજકતાભરી સ્થિતિને કારણે વિશ્વની સરેરાશ શાંતિમાં 0.56 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સના રિપોર્ટ મુજબ સમગ્ર વિશ્વમાં યુદ્ધના ઓછાયા વધુ ઘેરા બન્યા છે. જો તેને ફેલાતો રોકવામાં નહીં આવે તો ગમે ત્યારે દુનિયા આખીને તે બાનમાં લઈ શકે છે.
જીપીઆઈના ૧૮મા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ વૈશ્વિક સંઘર્ષનો આંકડો 56ના મહત્તમ સ્તર પર પહોંચી ગયો છે. દુનિયાના તાકતવર દેશો હવે પરંપરાગત શસ્ત્રોને બદલે ડ્રોન અને સંરક્ષણ સિસ્ટમ પર વધુ ખર્ચ કરી રહ્યા છે, જેમાં સૈન્યના વપરાશ માટે લેવામાં આવતા ઉપગ્રહોનો પણ સમાવેશ થાય છે.
સૈન્ય ઉપગ્રહો પર વધતા ખર્ચને કારણે હવે લડાઈ છેક અવકાશ સુધી પહોંચી ગઈ છે. ડ્રોનના આવવાથી હવે નાના દેશો અને આતંકી ગ્રુપો પણ સરળતાથી તેમની હુમલા કરવાની કેપેસિટી વધારી રહ્યા છે.
વૈશ્વિક સ્તરે વધતી હિંસાને કારણે ૨૦૨૩માં આર્થિક નુકસાન ૧૯.૧ ટ્રિલિયન ડોલર હોવાનો અંદાજ છે, જે વિશ્વની જીડીપીના ૧૩.૫ ટકા થવા જાય છે. આ નુકસાન પ્રતિ વ્યક્તિ ૨૩૮૦ ડોલર એટલે કે લગભગ રૂ. ૧૯૮૯૪૯ આંકવામાં આવ્યું છે.
ચિંતાજનક બાબત એ છે કે હવે યુદ્ધો પણ આંતરરાષ્ટ્રીય બની રહ્યા છે. વિશ્વના ૯૨ દેશો તેમની સરહદો પર યુદ્ધની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તે જ સમયે, ૨૦૨૪માં, ૯૭ દેશોમાં શાંતિપૂર્ણ સ્થિતિમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ભારત સહિત ૬૫ દેશોમાં સ્થિતિમાં સુધારો થયો છે.
સિંગાપોર એશિયાનો સૌથી શાંતિપૂર્ણ દેશ છે
ગ્લોબલ પીસ ઈન્ડેક્સ મુજબ સિંગાપોરને વિશ્વનો પાંચમો સૌથી શાંતિપૂર્ણ દેશ અને એશિયાનો પહેલા નંબરનો શાંતિપૂર્ણ દેશ માનવામાં આવે છે. આ યાદીમાં મલેશિયાને જાપાન કરતાં વધુ શાંતિપ્રિય માનવામાં આવ્યો છે અને તેને ૧૦મો વૈશ્વિક ક્રમ આપવામાં આવ્યો છે. જ્યારે જાપાનને ૧૭મું સ્થાન આપવામાં આવ્યું છે. આ પીસ ઈન્ડેક્સમાં ચીનને ૮૯મું સ્થાન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મુખ્યધારાના મીડિયામાં મુખ્ય પદો પર એકેય દલિત, આદિવાસી કે ઓબીસી નહીં – રિપોર્ટ
વૈશ્વિક સ્તરે વધતા સંઘર્ષને કારણે વિશ્વના ૧૦૮ દેશોએ તેમની સૈન્ય ક્ષમતા વધારી છે. જેના કારણે સમગ્ર વિશ્વની સૈન્ય ક્ષમતામાં ૧૦ ટકાનો વધારો થયો છે. અમેરિકાની ઘાતક સૈન્ય ક્ષમતા ચીન કરતા ત્રણ ગણી વધારે છે, જોકે ચીને છેલ્લા ૧૦ વર્ષમાં તેની સૈન્ય ક્ષમતામાં સૌથી વધુ વધારો કર્યો છે. આ પછી રશિયા, ફ્રાન્સ અને યુકેની સૈન્ય ક્ષમતા સૌથી વધુ છે.
ભારતમાં છેલ્લાં 10 પૈકી 9 વર્ષોમાં શાંતિ ઘટી
ગ્લોબલ પીસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં છેલ્લાં એક દાયકામાં ૧૦ માંથી ૯ વર્ષોમાં શાંતિમાં ઘટાડો થયો છે. દુનિયાના અન્ય દેશોમાં વિક્રમજનક સંખ્યામાં સંઘર્ષો, લશ્કરી તાકાતમાં વધારો અને આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક સ્પર્ધામાં પણ વધારો થયો છે. આ સિવાય યુક્રેન યુદ્ધને કારણે વિશ્વના સૌથી શાંતિપૂર્ણ વિસ્તાર યુરોપના ત્રણ-ચતુર્થાંશ દેશોએ ૨૦૨૩માં તેમના સૈન્ય ખર્ચમાં વધારો કર્યો છે. યુરોપમાં હજુ પણ વિશ્વના ૧૦ સૌથી શાંતિપૂર્ણ દેશોમાંથી સાત દેશો છે, તેમ છતા અહીંના ૩૬ દેશોમાંથી ૨૩માં શાંતિ ઘટી છે. ૨૦૨૪ના પીસ ઈન્ડેક્સ અનુસાર સમગ્ર વિશ્વમાં સરેરાશ શાંતિમાં ૦.૫૬ ટકાનો ઘટાડો થયો છે. આઇસલેન્ડ, આયર્લેન્ડ અને ઓસ્ટ્રિયાને વિશ્વના ત્રણ સૌથી શાંતિપૂર્ણ દેશોમાં સ્થાન આપવામાં આવ્યું છે. અમેરિકાને ૧૩૨મું સ્થાન મળ્યું છે અને આશ્ચર્યજનક રીતે ભારતને 116મું સ્થાન મળ્યું છે. જેનો અર્થ એવો થાય કે શાંતિના મામલે અમેરિકા ભારત કરતા વધુ અસ્વસ્થ છે.
આ પણ વાંચો: દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ