તું અમારા પર જાદુટોણાં કેમ કરે છે કહી પાંચ લોકોએ દલિત યુવકને ફટકાર્યો

એક ગામમાં બિમાર દીકરી માટે દવા લેવા ગયેલા દલિત યુવકને માથાભારે તત્વોએ 'તું કેમ અમારી પર જાદુટોણાં કેમ કરે છે?' કહીને માર મારીને બગીચામાં ફેંકી દીધો હતો.

તું અમારા પર જાદુટોણાં કેમ કરે છે કહી પાંચ લોકોએ દલિત યુવકને ફટકાર્યો
image credit - Google images

અનુસૂચિત જાતિ સમાજના લોકોને માર મારવા માટે માથાભારે તત્વો કોઈપણ બહાનું કાઢી શકે છે. આવા જ એક વિચિત્ર બહાના હેઠળ એક ગરીબ દલિત યુવકને ગામના પાંચ માથાભારે તત્વોએ મળીને માર માર્યો હતો. દબંગોએ પીડિત યુવકને એટલો માર્યો હતો કે તે બેભાન થઈને લોહીલુહાણ હાલતમાં બગીચામાં ઢળી પડ્યો હતો. સાંજ પડવા છતાં યુવક ઘરે ન આવતા તેના પરિવારજનોને તેની શોધખોળ કરવાનું શરુ કર્યું હતું અને કોઈએ યુવક લોહીલુહાણ હાલતમાં એક બગીચામાં પડ્યો હોવાનું જણાવતા પરિવાર ત્યાં પહોંચ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે યુવકની પત્નીએ ગામના પાંચ લોકો વિરુદ્ધ જાનથી મારી નાખવાની કોશિશની ફરિયાદ નોંધાવી છે.

મામલો ઉત્તરપ્રદેશના કૌશાંબી જિલ્લાના ગિરિયા ખાલસા ગામનો છે. આ ગામ પિપરી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. મળતી માહિતી પ્રમાણે ગામમાં રહેતો મનોજ સરોજ નામના દલિત યુવકને ગામના માથાભારે તત્વોએ માર મારીને અધમૂઓ કરી નાખ્યો હતો. લોહીથી લથપથ હાલતમાં તેને બગીચામાં છોડીને જતા રહ્યા હતા. જેની જાણ તેના પરિવારજનોને થતા તેમણે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

મનોજ સરોજ ગિરિયા ખાલસા ગામમાં ખેતમજૂરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રે મનોજની દીકરીની તબિયત સારી ન હોવાથી તે તેના માટે દવા લેવા બજારમાં ગયો હતો. જો કે અડધી રાત થઈ જવા છતાં તે પરત ન આવતા તેની પત્ની સહિતના પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. એ દરમિયાન કોઈએ તેમને જણાવ્યું કે, મનોજ ગામના બગીચામાં લોહીલુહાણ હાલતમાં પડ્યો છે. આથી પરિવાર ત્યાં પહોંચ્યો હતો અને જોયું તો મનોજ અધમૂઓ થઈ ગયો હતો અને તેના હાથપગ અને માથામાંથી ઘણું લોહી વહી રહ્યું હતું. તાત્કાલિક તેની પત્નીએ પોલીસને જાણ કરી, એમ્બ્યૂલન્સ બોલાવીને મંઝનપુર મેડિકલ કોલેજ લઈને પહોંચી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ સુરક્ષા સાધનો વિના ગટરમાં ઉતરેલા ત્રણ કામદારોના ઝેરી ગેસથી મોત

આ મામલે મનોજે તેની પત્ની સુમન અને પોલીસને જણાવ્યા પ્રમાણે ગામના પાંચ માથાભારે લોકો મનોજ જ્યારે દવા લઈને બજારમાંથી પરત ઘરે આવી રહ્યો હતો ત્યારે તેના પર તૂટી પડ્યા હતા. અને તેને લાકડીઓ-દંડા સહિત અન્ય ધારદાર હથિયારોથી ફટકારવા લાગ્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે મનોજ ત્યાં જ ઢળી પડ્યો હતો. એ પછી હુમલાખોરો તેને બગીચામાં છોડીને જતા રહ્યા હતા. હવે આ પાંચેય લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

મનોજની પત્ની સુમને જણાવ્યું હતું કે, ગામના આ પાંચેય આરોપીએ તેના પતિ પર એમ કહીને હુમલો કર્યો હતો કે, તું અમારા પર જાદુટોણાં કરે છે અને ભૂતપ્રેત દ્વારા અમને હેરાન કરે છે. આરોપીઓએ આવી જ રીતે અગાઉ પણ મનોજને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

દિવ્ય ભાસ્કર, સુદર્શન ન્યૂઝના રિપોર્ટમાં આરોપીઓના નામ નહીં
ખબરઅંતર.કોમનો પ્રયત્ન રહ્યો છે કે, દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજ પર થતા અત્યાચારોના કેસોમાં આરોપીઓ કોણ છે તેની લોકોને જાણ થાય. પણ કથિત સવર્ણોને વફાદાર કોર્પોરેટ મીડિયા એટ્રોસિટીના ગંભીર કેસોમાં આરોપીઓના નામ ન લખીને વાચકોને ગેરમાર્ગે દોરે છે. આ કેસમાં પણ દિવ્ય ભાસ્કર અને સુદર્શન ન્યૂઝ સહિતના પોર્ટલ પર તેનો રિપોર્ટ કરાયો છે પરંતુ એકેયમાં આરોપીઓનો કોઈ જ ઉલ્લેખ જોવા મળતો નથી. આવી સ્થિતિમાં દલિતો પર અત્યાચાર કરનાર લોકો કોણ છે, કઈ જાતિના છે તેનો વાચકોને ખ્યાલ જ નથી આવતો. આ રમત સદીઓથી દલિતો, આદિવાસીઓ સાથે રમાતી આવી છે અને હજુ પણ રમાઈ રહી છે. આ સમસ્યાનો કાયમી અને એકમાત્ર ઉપાય એ જ છે કે, સવર્ણોને વફાદાર કોર્પોરેટ મીડિયાને છોડીએ અને ખબરઅંતર.કોમ જેવા બહુજન સમાજના પ્લેટફોર્મને મજબૂત કરીએ. તેના માટે જરૂરી છે કે, તમે ખબરઅંતર.કોમ પરના સમાચારોને નિયમિત રીતે વાંચો, વિચારો અને અન્ય લોકોમાં તેને શેર પણ કરો. આપની આ નાનકડી મદદ ખબરઅંતર.કોમને મજબૂત કરવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચોઃ ખેતરનું ભૂંસું સળગાવી દેવાની આશંકાએ દલિત વડીલ પર હુમલો થતા મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.