ભૂંસું સળગાવી દેવાની આશંકાએ દલિત વડીલ પર જીવલેણ હુમલો થતા મોત

કથિત સવર્ણના ખેતરમાં પડેલું ભૂંસું સળગી ગયું હતું. તેને ગામના એક દલિત પર શંકા જતા હુમલો કરી દીધો હતો. જેમાં દલિતનું મોત થઈ ગયું.

ભૂંસું સળગાવી દેવાની આશંકાએ દલિત વડીલ પર જીવલેણ હુમલો થતા મોત
all image credit - Google images

જાતિવાદ એવો સાપ છે જે ડંખ મારવા માટે સામેની વ્યક્તિનો કોઈ વાંક જોતો નથી, તેના માટે તમારું દલિત, આદિવાસી હોવું પુરતું થઈ પડે છે. જાહેર પરબ પરથી પાણી પીવું, નવા કપડાં પહેરવા, નવું વાહન ખરીદ્યું હોય, જમીન ખરીદી હોય, જાતિવાદી તત્વો કરતા કંઈક સારું તમારું પાસે હોય આ તમામ બાબતો તમાને જાતિવાદના સાપના ડંખ મારવા માટે પુરતી છે. ઘણીવાર તો કોઈ કારણ ન હોય તો પણ તમે જાતિવાદનો શિકાર થઈ શકો છો. 

કંઈક આવું જ હમણાં એક ગામમાં બની ગયું. જ્યાં એક દલિત વ્યક્તિને જાતિવાદીઓએ એટલા માટે લાકડીઓ-દંડાથી ઢોર માર માર્યો કેમ કે, તેમના ખેતરમાં પડેલું ભૂંસું સળગી ગયું હતું અને તેમને આશંકા હતી કે એ દલિત વ્યક્તિએ તે સળગાવ્યું છે. આવી આશંકા માત્રથી જાતિવાદી તત્વો દલિત વ્યક્તિના ઘરે પહોંચી ગયા હતા અને તેમને લાકડીઓ-દંડાથી એવા ફટકાર્યા હતા કે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે દમ તોડી દીધો હતો.

એટ્રોસિટીનો એક કેસ ચાલતો હતો છતાં હુમલો કર્યો

મામલો જાતિવાદ અને ક્રાઈમ કેપિટલ ગણાતા ઉત્તરપ્રદેશનો છે. અહીં હરદોઈ જિલ્લાના બેહટા ગોકુલ પોલીસ સ્ટેશનના શિરોમણ નગર ગામમાં કેટલાક માથાભારે જાતિવાદી તત્વોએ પ્રેમચંદ નામના દલિત વ્યક્તિ પણ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેમનું મોત થઈ ગયું હતું. આરોપીઓ સામે એસસી-એસટી એક્ટ હેઠળ પહેલેથી જ એક કેસ ચાલી રહ્યો હતો, તેમ છતાં તેમણે પ્રેમચંદ પર હુમલો કર્યો હતો, જે બતાવે છે કે આ રાજ્યમાં જાતિવાદી તત્વોને દલિતો પર હુમલો કરવામાં કાયદો વ્યવસ્થા જેવી કોઈ ચીજનો ડર નથી.

શું મામલો હતો?

મોટાભાગના એટ્રોસિટીના કેસોમાં બને છે તેમ સવર્ણ મીડિયાએ આ કેસના આરોપીઓની પણ અટક છુપાવી રાખી છે. ઘણી તપાસ કરવા છતાં પણ ક્યાંય અમને આરોપીઓનું આખું નામ જાણવા મળ્યું નથી. એટલે આરોપીઓ કઈ જાતિના છે તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. એ જ રીતે દલિત વ્યક્તિની પણ અટક દબાવી રાખી છે, જેથી તેની પણ ચોક્કસ જાતિ બહાર ન આવે.

આ પણ વાંચો: આજ તકના એન્કર સુધીર ચૌધરી પર SC-ST એક્ટ હેઠળ ફરિયાદ, આદિવાસી સમાજ પર કર્યું હતું વાંધાજનક નિવેદન

મૃતક પ્રેમચંદની પત્ની કાંતિના જણાવ્યા પ્રમાણે 29મી મેના રોજ તેમના ગામના સુનીલના ખેતરમાં રાખેલું ભૂંસું સળગી ગયું હોવાથી તે ભારે ગુસ્સામાં હતો. તેને શંકા હતી કે આ ભૂંસું પ્રેમચંદે સળગાવ્યું છે. જેને લઈને તેણે તેના ભાઈઓ નિર્માણ, નરેશ અને પિતા ગજરાજ સાથે રાત્રે નવ વાગ્યા આસપાસ પ્રેમચંદના ઘરે જઈને તેના જાતિસૂચક શબ્દો સાથે ગાળો ભાંડી હતી. એ પછી ત્રણેયે લાકડીઓ અને દંડા વડે પ્રેમચંદ પર હુમલો કરી દીધો હતો. જેમાં પ્રેમચંદ લોહીલુહાણ થવાની સાથે ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને તાત્કાલિક હરદોઈ મેડિકલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આરોપીઓ ફરાર થઈ ગયા

મેડિકલ કોલેજમાં પણ તેમની સ્થિતિમાં સુધારો ન દેખાતા તેમને લખનઉના ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું એ જ રાત્રે મોત થઈ ગયું હતું. બીજા દિવસે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. એ પછી તેમના પત્ની કાંતિએ આરોપીઓ વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો હતો.

પ્રેમચંદના મોતની સમાચાર મળતા જ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મામલામાં જે કલમો નોંધાવેલી છે તેના આધારે આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજકોટ કસ્ટોડિયલ ડેથમાં હમીરભાઈ રાઠોડ બાદ તેમના મિત્રનું પણ મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.