ગણેશ જાડેજા મામલે 2 લાખ દલિતો ગાંધીનગર સુધી બાઈક રેલી યોજશે

જૂનાગઢના દલિત યુવકને માર મારી, ગોંધી રાખવાના કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના છોકરા ગણેશ ગોંડલની વિરુદ્ધ દલિતોએ નવો મોરચો ખોલ્યો છે.

ગણેશ જાડેજા મામલે 2 લાખ દલિતો ગાંધીનગર સુધી બાઈક રેલી યોજશે
image credit - khabarantar.com

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબાના છોકરા ગણેશે જૂનાગઢમાં દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કર્યા બાદ તેને ગોંધી રાખી, માર મારી જાતિસૂચક ગાળો ભાંડી હતી. આ મામલે ગણેશ જાડેજાની દાદાગીરીના વિરોધમાં ગુજરાતભરના દલિતોએ ભેગા મળી ગોંડલમાં શક્તિ પ્રદર્શન કરતું સંમેલન યોજ્યું હતું. જેના ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા. 

આ મામલે હજુ પણ પીડિત પરિવારને ન્યાય મળ્યો નથી ત્યારે 6 જુલાઈના રોજ જૂનાગઢ પાસેના મોટી મોણપરી ગામમાં દલિત સમાજનું વધુ એક મોટું સંમેલન યોજાયું હતું. જેમાં ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. 

એ મુજબ આગામી 15મી ઓગસ્ટના રોજ જૂનાગઢથી ગાંધીનગર સુધી બે લાખ બાઈકો સાથેની રેલી યોજાશે. જેમાં જૂનાગઢનો પીડિત પરિવાર અને દલિત અત્યાચારના અન્ય કેસોમાં હજુ પણ ન્યાય માટે વલખાં મારી રહેલા પરિવારોના સભ્યો તથા મોટી સંખ્યામાં ભીમયોદ્ધાઓ જોડાશે.

દલિત સમાજના આ આક્રોશને કારણે ગણેશની મુશ્કેલીમાં વધારો થયો છે. કેમ કે, આ બાઈક રેલીમાં દલિત સમાજ ગાંધીનગર પહોંચીને મુખ્યમંત્રી, રાજ્યપાલ અને ભાજપ કાર્યાલય કમલમ પહોંચીને ન્યાયની માંગણી સાથે આવેદનપત્ર આપશે. જેમાં જયરાજસિંહ જાડેજાની અટકાયત, ધારાસભ્ય ગીતાબા જાડેજાના રાજીનામા અને ગણેશ જાડેજા સામે ગુજસીટોક(ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) હેઠળ ધરપકડની માગણી કરશે.

મોટી મોણપરીમાં યોજાયેલા સંમેલનમાં બે લાખ બાઈક લઈ ભીમયોદ્ધાઓ દ્વારા ગાંધીનગર સુધી બાઈક રેલી લઈ જવાની જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં પણ પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો મુસ્લિમ ધર્મ અંગિકાર કરવાની ચીમકી આપવામાં આવી છે. ગણેશ અને તેના સાગરિતોએ જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કરી તેને ગોંડલ સ્થિત તેના ઘરમાં ગોંધી રાખી, નિર્વસ્ત્ર કરી જાતિસૂચક ગાળો ભાંડીને હડધૂત કર્યો હતો. એટલું જ નહીં યુવકનો વીડિયો પણ ઉતાર્યો હતો. આટલા ટોર્ચર પછી ગણેશ તેના સાગરિતો સાથે યુવકને જૂનાગઢ ઉતારીને ભાગી ગયો હતો. 

આ ઘટનામાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ છેલ્લા ૪૦ દિવસથી પ્રયાસો કરી રહ્યો છે. છતાં આજદિન સુધી તેમને સંતોષકારક ન્યાય ન મળતા વિસાવદરના મોટી મોણપરી ગામમાં યોજાયેલ દલિત સમાજના સંમેલનમાં સરકારને ૪૦ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જો ન્યાય નહીં મળે તો રેલી યોજીને ગાંધીનગર સુધી કુચ કરવાની ચિમકી આપવામાં આવી છે.
પીડિત યુવક સંજય સોલંકીના પિતા અને જૂનાગઢ અનુસુચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, "તેમની લડાઈ તેમના દીકરા પુરતી નથી પરંતુ દલિત સમાજના દરેક દીકરા માટેની છે. સંજય સોલંકીના કેસમાં ગણેશ અને તેના સાગરિતો સામે ગુજસીટોક દાખલ કરવામાં આવે, કેસમાં ૧૨૦બી ની કલમ દાખલ કરીને જયરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવે, ધારાસભ્ય ગીતાબાનું રાજીનામું લેવામાં આવે તેમજ આ કેસમાં સરકાર સ્પેશિયલ પીપીની નિમણૂંક કરીને કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી મુખ્ય માંગણીઓ છે. જો તેમની માંગણી નહીં સંતોષાય તો તા.૧૦ ના રોજ તેમના સોલંકી પરિવારના ૧૫૦ સભ્યો જૂનાગઢ કલેકટર કચેરી ખાતે ઈસ્લામ ધર્મ અંગીકાર કરશે."

બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર પણ ઉપસ્થિત રહ્યાં

આ સંમેલન પૂર્વે ડો. બાબાસાહેબ આંબેડકરના પ્રપૌત્ર ભીમરાવ યશવંતરાય આંબેડકર પણ જૂનાગઢ આવી પહોંચ્યા હતા. અહીં તેઓએ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કાળવા ચોક ખાતે ડો.બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કર્યા હતા, બાદમાં બપોરે ૩ કલાકે જૂનાગઢ મધુરમ ખાતે આવેલા આંબેડકર હોલ ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યાંથી રેલીનું મોટી મોણપરી જવા પ્રસ્થાન થયું હતું. રેલી મેંદરડા, વિસાવદર થઈ સાંજે 7.30 કલાકે મોટી મોણપરીમાં સભાના સ્થળે પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજના આગેવાનો, કાર્યકરો, ભીમ સેનાના યુવાનો, ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, અને બાદમાં દરેક આગેવાનોએ એક પછી એક સમાજને સંબોધન કરીને દલિત સમાજ ઉપર થતા અત્યાચાર અંગેની વાત કરી હતી.

ગણેશ જાડેજાનો વધુ એક વીડિયો વાયરલ

એક બાજુ દલિત સમાજ ન્યાય માટે વલખાં મારી રહ્યો છે, બીજી તરફ ગણેશ જાડેજા અને તેના સાગરિતોને તેમણે આચરેલી હિંસા અને કૃત્યનો કોઈ જ પસ્તાવો ન હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. અગાઉ જ્યારે ગણેશ અને તેના સાગરિતોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પણ તે પોલીસ અને મીડિયા સામે હસતો હતો. આવો જ વધુ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેમાં જેલમાં જતા સમયે ગણેશ જાડેજાએ મીડિયાના કેમેરા સામે વિકટ્રીની નિશાની બતાવી હતી. 

આ પણ વાંચો: Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?

એટલું જ નહીં પોલીસ જાપ્તામાં રહેલા ગણેશ સહિતના તમામ આરોપીઓનાં ચહેરા પર હાસ્ય રેલાઈ રહ્યું છે. આરોપીઓને પોલીસનો કોઈ ડર ન હોય તેમ આ તેઓ લોકો સામે હાથ ઊંચા કરીને હસી રહ્યા છે. વાયરલ આ વીડિયોથી પોલીસની કાર્યવાહી અને સમગ્ર કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. ગણેશ અને તેના સાગરિતોને પોલીસ કે કાયદો વ્યવસ્થાનો જરાય ડર ન હોય તેમ તેઓ વર્તી રહ્યાં છે. આના પરથી એવું જણાય છે કે, તેમને એવો વિશ્વાસ છે કે, તેમને કશું થવાનું નથી. વર્તમાન અને પૂર્વ ધારાસભ્યનો પુત્ર હોવાથી પોલીસ પોતાનું કશું બગાડી શકશે નહીં તેવી તેને ખાતરી હોય તેમ જણાય છે. સાથે જ પોલીસ પર પણ ગણેશ અને તેના સાગરિતોને છાવરવાનો આક્ષેપ લાગ્યો છે. ગણેશ સહિતના પાંચ આરોપીઓએ હાલમાં જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. પણ તેમના જામીન કોર્ટે નકારી કાઢ્યા છે.

ઘટના શું હતી?

જૂનાગઢના દાદર રોડ પર સંજય રાજુભાઈ સોલંકી (ઉંમર ૨૬) રહે છે. સંજય સોલંકી કોરિયોગ્રાફી કરે છે અને કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઈ સાથે પણ સંકળાયેલા છે. ગત તા. 30 મેના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ તેઓ જૂનાગઢના કાળવા ચોકમાં કાળુભાના પૂતળા પાસેથી તેમના 6 વર્ષના દીકરા રાજવીર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની સાવ નજીક એક ફોર વ્હીલરે અત્યંત જોખમી રીતે પસાર થઈને બ્રેક મારી હતી. જેથી સંજયભાઈએ તેમને કાર સરખી રીતે ચલાવવાનું કહ્યું હતું. આથી કારમાં બેઠેલા લોકો નીચે ઉતરી આવ્યા હતા. આથી સંજયભાઈએ તેમને કહ્યું હતું કે, તમારે ઝઘડો કરવો હોય તો હું મારા દીકરાને ઘેર મૂકીને આવું. આમ કહીને તેઓ દાતાર રોડ પર આવેલા તેમના ઘર તરફ મોટરસાઈકલ લઈને રવાના થયા હતા. એ દરમિયાન ફોર વ્હીલરે તેમનો ઘર સુધી પીછો કર્યો હતો અને તેઓ ઘરે પહોંચ્યાં ત્યાં સુધીમાં બીજી એક કાર ત્યાં આવી પહોંચી હતી. બંને કારમાંથી અંદાજે 10 જેટલા લોકો ઉતરી આવ્યા હતા અને સંજયભાઈ સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા ત્યાં જ તેમના પિતા આવી ગયા હતા. દરમિયાન એ કારમાં જોયું તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ જાડેજા બેઠો હતો. તેની સાથે તેના માણસો પણ હતા. ગણેશ સંજયભાઈના પિતાને ઓળખતો હોવાથી એ વખતે આ મામલે સમાધાન થયું હતું અને સૌ જતા રહ્યા હતા.

એ પછી સંજયભાઈ તેમના ઘર બહાર થોડીવાર બેસીને જૂનાગઢમાં ફરીને રાત્રિના પોણા ત્રણ વાગ્યા આસપાસ પોતાનું મોટરસાઈકલ લઈને ઘરે જતા હતા ત્યાં દાતાર રોડ ગાયત્રી દાળિયા ભંડાર સામે ગણેશ જાડેજા સહિતના લોકોએ ફરી સંજયભાઈનો પીછો કરી કારને ફૂલ સ્પીડમાં ચલાવી તેમની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથી તેઓ નીચે પછડાયા હતા. એ પછી કારમાંથી પાંચેક લોકોએ નીચે ઉતરી તેમને લોખંડના પાઈપથી આડેધડ માર મારવો શરૂ કરી દીધો હતો. એ દરમિયાન બીજી બે ફોરવ્હિલર પણ ત્યાં આવી પહોંચી હતી અને તેમાંથી પણ કેટલાક લોકો નીચે ઉતર્યા હતા અને સંજયભાઈને ઉપાડીને કારમાં બેસાડીને અપહરણ કરીને ગોંડલ તરફ લઈ ગયા હતા. અપહરણકર્તાઓમાં એક વ્યક્તિ પોતે પોલીસ હોવાનું જણાવતો હતો અને સંજયભાઈને ઢીંકાપાટુ મારતો હતો. આ લોકો તેમને એક અવાવરૂ વાડી વિસ્તારમાં લઈ ગયા હતા જ્યાં ગણેશ જાડેજા અને તેના સાગરિતો અગાઉથી હાજર હતા. અહીં સંજયભાઈને ફરી આ લોકોએ ઢોર માર માર્યો હતો અને "ઢે& ને મારો, આ લોકોનો ત્રાસ વધી ગયો છે." એમ જાતિસૂચક શબ્દો બોલી ગાળો ભાંડી હતી.

એ પછી ગણેશ જાડેજા ફરી સંજયભાઈને તેની કારમાં બેસાડીને ગોંડલ સ્થિત તેના ગણેશગઢ નામના ઘરે લઈ ગયો હતો. ત્યાં પાંચ-છ લોકો પિસ્તોલ અને લોખંડના પાઈપ સાથે હાજર હતા. જેઓ સંજયભાઈને ગણેશની ઓફિસમાં લઈ ગયા હતા. જ્યાં ગણેશના કહેવાથી તેમણે સંજયભાઈના કપડાં ઉતારી નાખ્યા હતા અને ફરી આડેધડ ઢીંકાપાટુનો માર માર્યો હતો અને તેનો વીડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો અને માફી મંગાવડાવી હતી. સાથે જ ધમકી આપી હતી કે, "જૂનાગઢ કોંગ્રેસ એનએસયુઆઈમાંથી રાજીનામું આપી દે જે અને જો આ બાબતે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું." 

ગભરાયેલા સંજયભાઈએ માફી માગતા આખરે તેમને એક કારમાં બેસાડીને જૂનાગઢની ભેંસાણ ચોકડી પાસે કીયાના શોરૂમ નજીક ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ ખાનગી વાહન કરીને સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમના પિતા અને દલિત સમાજના આગેવાનો રાવણભાઈ પરમાર, હરસુખભાઈ મકવાણા, મીત સોલંકી વગેરે હાજર હતા. જ્યાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. એ દરમિયાન સંજયભાઈને ઢોર મારને કારણે શરીરમાં ભારે દુખાવો થતો હોવાથી તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ તેમણે પોલીસ રક્ષણની પણ માંગ કરી હતી. સમગ્ર મામલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે આઈપીસીની કલમ 143, 147, 148, 149, 307, 365, 323, 504, 506(2), આર્મ એક્ટની કલમ 25(1-બી)(એ) અને એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(આર)(એસ), 3(2)(5) મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.