એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM-A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!

પહેલી નજરે કોઈ પરીકથા જેવી લાગતી આ કહાની સો ટકા સાચી છે. દલિત સમાજનો એક યુવાન કિશોરાવસ્થામાં ભણતરનો ખર્ચ ઉઠાવવા ઘરોનું વાયરિંગ કરી આપતો હતો. પણ તેને તો પોતાનો બિઝનેસ કરવો હતો. સફર આસાન નહોતી, પણ સ્વયં પર વિશ્વાસ અને મહેનત કરવાની તૈયારી હતી, જે આખરે રંગ લાવી. આજે IIM અમદાવાદ, અમૂલ અને ઈન્ડિયન રેલવે જેવી દિગ્ગજ કંપનીઓ તેની ગ્રાહક છે. 

એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM-A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!

Khabarantar.com ના સમાજલક્ષી અનેક ઉદ્દેશ્યો પૈકીનો એક મહત્વનો ઉદ્દેશ્ય બહુજન સમાજના યુવાનોને બિઝનેસ માટે પ્રોત્સાહિત કરવાનો પણ છે. અનુભવે એટલું સમજાયું છે કે, સામાન્ય રીતે આપણાં યુવાનોમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે બિઝનેસ કરવું આપણું કામ નહીં, એ તો સવર્ણો જ કરી શકે. એટલે જ અહીં સમયાંતરે બહુજન સમાજના એવા ઉદ્યોગસાહસિકોની સફળતાની વાત માંડીશું, જેમણે આ માન્યતાને તોડી પાડીને સફળતાના શિખરો સર કર્યા છે.

આવા જ એક સફળ ઉદ્યોગસાહસિક એટલે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા ડભોઈના મહેન્દ્રભાઈ સોલંકી. એક સમયે હાઉસ વાયરિંગના નાનામોટા કામ કરતા મહેન્દ્રભાઈ સોલંકી આજે પોતાનો ઍર વેન્ટિલેટરનો બિઝનેસ ધરાવે છે અને અનેક લોકોને રોજગારી પુરી પાડે છે.

બહુજન સમાજમાંથી આવતા મહેન્દ્રભાઈને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ભણતી વખતે પણ શાળા અને ઘરખર્ચ કાઢવા માટે કમાવું પડતું હતું. અભ્યાસ દરમિયાન જ તેઓ વાયરિંગનું કામ શીખ્યાં અને હાઉસ વાયરિંગના નાના મોટાં કામો કરતા. એ રીતે તેઓ પરિવારને શક્ય તેટલો આર્થિક ટેકો કરતા. તેમણે ઈલેક્ટ્રોનિક અને ટેલિકોમ્યુનિકેશન ડિપ્લોમા કરીને ટાટા ડોકોમોમાં માર્કેટિંગની નોકરી કરી. અત્યંત બોરિંગ ગણાતી માર્કેટિંગની નોકરીએ જ આગળ જતાં તેમની બિઝનેસ સ્કિલ ડેવલપ કરવામાં મદદ કરી. એમાંથી જ તેમને લોકો સાથે કેવી રીતે વાતચીત કરવાથી લઈને ઉદ્યોગપતિઓ કે વેપારીઓ સાથે સંબંધો કેળવવાની એક આગવી સૂઝ શીખવી.

કહેવાય છે કે કરેલી મહેનત કરી એળે જતી નથી. દરેક કામ કંઈક ને કંઈ શીખવી જાય છે. માર્કેટિંગની નોકરીએ મહેન્દ્રભાઈનામાં સૂતેલાં પોતાના બિઝનેસના સપનાને જગાડ્યું. તેમણે નોકરી છોડી દીધી અને પોતાનો એક ગ્રાહક વાપીમાં ઍર વેન્ટિલેટર (હવાથી ચાલતા એક્ઝોસ્ટ ફેન) બનાવવાનું કામ કરતો હતો તેની સાથે દોસ્તી થતા તેની પાસેથી જ ઍર વેન્ટિલેટર લઈને વેચવાનું શરૂ કર્યું. 

પણ શરૂઆત જરાય સરળ નહોતી. એક તો આ નવી ટેક્નોલોજી અને એમાં સોલંકી અટક, એટલે ઘણી તકલીફો પડી. ટેક્નોલોજી નવી હોવાથી ગ્રાહકને રૂબરૂ જઈને સમજાવવું પડતું. કેટલીક ઓફિસમાં પટાવાળા સાથે વિઝિટિંગ કાર્ડ મોકલાવ્યા પછી જવાબ એવા આવતા કે સાહેબ ફ્રી નથી, તમારું કાર્ડ રાખ્યું છે જરૂર પડશે ત્યારે તમને બોલાવી લેશે. અને પછી ફરી ક્યારે બોલાવ્યા જ ના હોય. એકથી વધુ વખત એવું પણ બન્યું કે, નીચેના લેવલે એમની પ્રોડક્ટ ફાઇનલ થઇ ગઈ હોય, ઓર્ડર આપવાના સ્ટેજ ઉપર હોય અને ફાઇનલ ઓથોરિટી ‘સોલંકી’ અટકથી મોઢું બગાડી ‘તમને બે દિવસ પછી કહેવડાવું’ કહીને ઓર્ડર બીજા કોઈને આપી દીધો હોય.

છતાં મહેન્દ્રભાઈ હિંમત હાર્યા નહીં અને એકલા હાથે એક એક ફેક્ટરી એક એક ઓફિસ ફરતા રહયાં. તેમનું કહેવું છે કે ગુજરાતમાં જો મોટી મોટી કંપનીઓમાં પરચેજ અને મેઈન્ટેનન્સ વિભાગના વડાઓ તરીકે હિન્દી ભાષીઓ ન હોત તો તેમણે આ બિઝનેસ ચલાવવા વધુ લોઢાનાં ચણાં ચાવવા પડત. કેમ કે, ગુજરાતીઓ શરૂઆતમાં ખાસ તો તેમની અટક જોઈને જાકારો આપતા હતા.

મહેન્દ્રભાઈ કહે છે, “હું મહેનત કરતો હતો પણ ક્યાંય મેળ પડતો નહોતો. પણ અમુક ગુજરાતી પટેલ અને જૈન મિત્રોએ મારા કામ અને પ્રોડક્ટથી મતલબ રાખ્યો. જેમાં સમયસર કામ અને ઓછા નફાએ વધુ વેચાણનો મારો મંત્ર કામ કરી ગયો. વેપારીઓની આ ખાસિયત હોય, બે પૈસાનો ફાયદો અને તેમનો સમય સચવાઈ જાય તો ધંધાના બીજા માઇનસ પોઇન્ટને તેઓ સાઈડમાં કરી દેતા હોય છે.” 

મહેન્દ્રભાઈ સામાન્ય પરિવારમાંથી આવતા હોવાથી ધંધા માટે જરૂરી એવી મોટી મૂડી હાથ ઉપર નહોતી. પણ તેમના પત્ની વિભાબેને સેમી ગવર્નમેન્ટ કર્મચારી હોવાના કારણે જ્યાં સુધી બિઝનેસ સેટ ન થાય ત્યાં સુધી ઘરસંસાર ચલાવવાની જવાબદારી પોતાના માથે ઉપાડી લીધેલી.

મહેન્દ્રભાઈએ અમદાવાદ, વડોદરા, વાપી, સુરત, મહેસાણા,  કડી, પાલનપુર, પાટણ સહિતના શહેરોના ઔદ્યોગિત વિસ્તારોમાં જાતે માર્કેટિંગ કર્યું. નાનામાં નાના વેપારી અને ફેકટરીમાં પણ મિટિંગો કરી પોતાની પ્રોડક્ટ સમજાવતા રહયાં. પોતે જ માર્કેટિંગ કરે, પોતે જ માલ ભરેલી ગાડી ખાલી કરે, પોતે જ ડિલિવરી કરવા ટેમ્પામાં સાથે બેસીને જાય, પોતે જ એકાઉન્ટ લખે અને ઉઘરાણી પણ કરે. જ્યાં સુધી ધંધો સ્થિર ન થયો ત્યાં સુધી દરેક જવાબદારી મહેન્દ્રભાઈએ એકલા હાથે સાંભળી ને ઓછા ખર્ચે ધંધાને સ્થિર કરવા પ્રયત્નો કર્યા. ધીરે ધીરે ધંધાને વેગ મળતા કઠવાડા જીઆઈડીસીમાં એક શેડ ભાડે રાખીને પોતાનું મેન્યુફેક્ચરીંગ યુનિટ નાખ્યું. તેમની પાસે આજે 15 લોકોનો પોતાનો સ્ટાફ છે. આ સિવાય જરૂર પડે તેમ કોન્ટ્રાક્ટ પર કામ પણ આપતા રહે છે. 

પોતાની ધગશ અને આવડતથી તેઓ એક નાની રેસ્ટોરન્ટના રસોડાથી લઈને ઍરફોર્સ સ્ટેશન સુધીની જગ્યાઓ પર ઍર વેન્ટિલેટર લગાવે છે. આજે આઈઆઈએમ અમદાવાદ, વટવા, વડોદરા અને સુરતના રેલવે સ્ટેશનો, અમૂલ ડેરી, બાંદ્રા ટર્મિનસ અને જોધપુર ઍરફોર્સ સ્ટેશન જેવા મોટા નામો મહેન્દ્રભાઈની કંપની સાન્વી એન્ટરપ્રાઈઝના ગ્રાહકોની યાદીમાં શોભી રહ્યાં છે.

ઍર વેન્ટિલેટરથી ચાલુ કરેલા બિઝનેસમાં આજે તેમની પાસે બિઝનેસ રેન્જ ટેક્નોલોજી પૂર્ણ અને આવકાર અપાવે તેવી ડેવલપ થઇ ચુકી છે. ઍર વેન્ટિલેટર એટલે જેમાં કોઈ ઇલેક્ટ્રિક કે સોલાર પેનલની જરૂર નથી, તે ફેક્ટરીની અંદરની ગરમ હવાને બહાર કાઢવાનું કામ કરે છે. તેમણે હૈદરાબાદની એક કંપની સાથે બિઝનેસ ડીલ કરીને લાઈટ પાઇપ નામની એક બીજી ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટનો સમાવેશ કર્યો. તે એક એવો રીફલેકટર પાઇપ છે, જે બહારના પ્રકાશને પાઇપ દ્વારા લોકોના ઘરો કે ફેક્ટરીઓમાં લાવે છે. આ પણ એક પાવર સેવર પ્રોડક્ટ છે. ફેક્ટરી શેડમાંથી જ સીધો પ્રકાશ અંદર આવે તેવા ફાઈબરના પારદર્શક પતરાં પણ તેમણે બનાવવાનું અને વેચવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત અનબ્રેકેબલ પૉલીકાર્બોનેટ સીટના ડોમ અને પાર્કિંગ શેડ બનવવાની લાઈનમાં આવ્યા છે. આજે આ દરેક પ્રોડક્ટની સાથે સાથે તેઓ પ્રિ એન્જિનિયરીંગ બિલ્ડીંગ જેવા મોભાદાર કામમાં નામ અને દામ કમાઈ રહયા છે. પ્રિ એન્જિનિયરીંગ બિલ્ડીંગ એટલે ફેકટરીનું આખું સ્ટ્રક્ચર ટુકડાઓમાં બનાવીને સ્થળ ઉપર લઈ જવાનું અને બોલ્ટીંગ કરીને બિલ્ડીંગ ઉભું કરી દેવાનું. ગયા વર્ષે 2023માં જ તેમણે આ રીતે રૂ. 1 કરોડનું એક બિલ્ડીંગ આ જ રીતે એક મહિનામાં તૈયાર કરીને આપ્યું હતું. તેમના ફિલ્ડમાં તેઓ એવી જગ્યા બનાવી ચુક્યા છે કે તેઓ હવે જાતિથી નહીં તેમના કામ અને પ્રોડક્ટથી આવકાર પામી રહયા છે. જે લોકો જાતિ જોઈને દૂર રહેતા હતા તે લોકો પણ સ્વીકારી રહ્યાં છે કે, માણસની કિંમત તેની જાતિને કારણે નહીં પરંતુ આવડતને કારણે હોય છે અને મહેન્દ્રભાઈ જે સમાજમાંથી આવે છે તે સમાજને પણ જો સહકાર મળે તો તે પણ નવી ઊંચાઈઓના શિખરો સર કરવાની શક્તિ ધરાવે છે.

મહેન્દ્રભાઈ યુવાનોને મેસેજ આપતા કહે છે કે, “જે કરો એ શ્રેષ્ઠ કરજો. સપના જુઓ અને પુરા ન થાય ત્યાં સુધી શાંતિથી બેસો નહીં. તેના માટે તનતોડ મહેનત જાતે જ કરવી પડે છે. તમારી લાયકાત ઓળખીને તમારી કારકિર્દી બનાવવાનું ક્ષેત્ર શોધી લો. ધંધા કરવો છે તો ધંધાને ઉદ્દેશ્ય બનાવો, ધંધો ચાલુ કર્યા પછી ચાલશે તો ઠીક નહીં તો પાછી નોકરી જોઈન કરી લઈશ આવા ઓપ્શન સાથે ધંધામાં ન ઉતરો. કારણ કે ધંધો નોકરીની જેમ મહિનો થાય અને પગાર નથી આપવાનો, તેને સ્થિર થવામાં સમય અને સખત મહેનતની સાથે ધીરજની જરૂર પડે છે. નોકરીની જેમ પાંચ વાગ્યે છુટ્ટા કાલ સવાર સુધી હવે આઝાદ તેવું ચાલતું નથી. ચોવીસ કલાક જવાબદારીથી જોડાયેલા રહેવું પડે છે. નવા નવા સંબંધો કેળવવા પડે છે. માર્કેટને શું જોઈએ છે તે પારખવામાં સફળ થયા તો તમે જે કંઈ પણ વેચશો માર્કેટ તમને વધાવી લેશે. એક મંત્ર યાદ રાખજો, સારી ક્વોલિટી, ઓછો નફો, સમયસર ડિલિવરી અને યોગ્ય સર્વિસ આટલું સાચવી રાખશો તો તમે કોણ છો, તેનાથી બહુ ફર્ક નહીં પડે. તમે શું આપી રહ્યા છો, તમે ક્લાયન્ટને કેટલા ઉપયોગી છો એ જ યાદ રાખે છે. તમારી ઉપયોગીતા જ આ હરિફાઈની દુનિયામાં તમને જગ્યા બનાવી આપશે. જો તમે મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા હો તો ખાસ ધ્યાન રાખજો કે ધંધો ચાલુ કરો કે તરત શેઠના રોલમાં ના આવી જાવ, મોટી હાઈફાઈ ઓફિસ અને વધુ પડતો સ્ટાફ રાખવાને બદલે ધીરે ધીરે પગ જમાવો. જાતે થાય તેટલું કરો. ધંધાને સ્થિરતા મળે તેમ સુવિધાઓ વધારો. ધંધામાં કેટલાક ટકા ઉઘરાણી ફસાઈ જવાનાં રિસ્ક ફેક્ટરને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે. સૂઝ સમજથી કરવામાં આવે તો ધંધો તમને અકલ્પનિય ઊંચાઈએ પહોંચાડી શકે છે.”

મહેન્દ્રભાઈના આ અનુભવો બિઝનેસમાં ઝંપલાવવા માંગતી કોઈપણ વ્યક્તિ માટે સોનેરી સલાહ સાબિત થઈ શકે છે. તેઓ જાતઅનુભવોથી જ સફળ છે, અને તેનો અંદાજ તેના પરથી પણ લગાવી શકાય તેમ છે કે, એક સમયે પોતાના ભણતરનો ખર્ચ ઉઠાવવા માટે કોઈના ઘરનું વાયરીંગ કરી આપતા મહેન્દ્રભાઈ આજે ભારતના ખૂણેખૂણેથી કામના ઓર્ડર ખેંચી લાવે છે. તેમની કંપની સાન્વી એન્ટરપ્રાઈઝ આજે રૂ. 10 હજારથી લઈને 1 કરોડ સુધીના સિંગલ ઑર્ડર પર કામ કરીને આગળ વધી રહી છે. બહુજન સમાજના યુવાનો માટે મહેન્દ્રભાઈની આ સફળતા નવી દિશા ચીંધનારી સાબિત થશે તેમાં કોઈ શંકા નથી.

જિતેન્દ્ર વાઘેલા (લેખક વ્યવસાયે એન્જિનિયર અને અંધશ્રદ્ધા નિર્મૂલન પ્રવૃત્તિમાં સક્રિય કાર્યકર છે)

આ પણ વાંચો : મળો ભારતના પહેલા દલિત અબજોપતિ પદ્મશ્રી Rajesh Saraiyaને, જેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર છે રૂ. 26.42 અબજ!

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.