દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર્યો અને પછી શેરીમાં ઢસડ્યો

દેશમાં એકબાજુ ચૂંટણીનો માહોલ જામતો જાય છે ત્યારે બીજી તરફ જાતિવાદીઓએ એક દલિત યુવકને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારી શેરીઓમાં ફેરવ્યાની ઘટના બની છે.

દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર્યો અને પછી શેરીમાં ઢસડ્યો

દલિતો પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભારતના લગભગ દરેક રાજ્યમાં દરરોજ કોઈને કોઈ એવી દલિત અત્યાચારની ઘટના બને છે જેનાથી સૌ કોઈનું લોહી ઉકળી ઉઠે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં કેટલાક માથાભારે જાતિવાદી તત્વોએ એક દલિત યુવકને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં યુવકને માર્યા બાદ ગામની શેરીઓમાં ઢસડ્યો હતો.

મામલો જાતિવાદ અને મહિલાઓ માટે નરક સમાન રાજસ્થાનનો છે. અહીંના સાલાસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે રાજિયાસર ગામમાં જૂની અદાવતમાં કેટલાક માથાભારે જાતિવાદી તત્વોએ ગામના એક દલિત યુવકને ઝાડ સાથે બાંધીને જાહેરમાં તેને ઢોર માર માર્યો હતો. જો કે તેમ છતાં પણ કોઈ તેને બચાવવા માટે આવ્યું નહોતું. એ પછી બદમાશોએ તેને બેલ્ટ અને પટ્ટા વડે ફરી માર્યો હતો અને ગામની શેરીઓમાં ઢસડીને તેને ફેરવ્યો હતો. જેના કારણે યુવકની પીઠમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ અંગે પીડિત યુવકે સાલાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પીડિત યુવક ન્યાયની આશા સાથે તેના પરિવારજનો સાથે એસપી ઓફિસ પહોંચ્યો હતો. જ્યાં તેણે સમગ્ર વાત એસપીને જણાવી હતી. 

એસપી ઓફિસમાં પીડિત નાનુરામે જણાવ્યું કે રાજિયાસર ગામમાં જૂની અદાવતના કારણે ગામના ભંવર સિંહ, ગોવિંદ સિંહ, ડુંગર સિંહ, ભીનવ સિંહ, શિવ સિંહ અને હંસાએ 28 એપ્રિલે તેને લીમડાના ઝાડ સાથે બાંધી દીધો અને દોરડા, પટ્ટા વડે ઢોર માર માર્યો હતો. મારના કારણે યુવકની પીઠ પર ઊંડા ઘા પડી ગયા હતા. તેણે કહ્યું કે હુમલાની ઘટનાને અંજામ આપ્યા પછી આ લોકો તેને ગામની શેરીઓમાં ખેંચીને લઈ ગયા હતા અને ગામલોકોમાં ધાક બેસાડવા માટે થઈને તેને શેરીઓમાં ફેરવ્યો હતો.

આ પણ વાંચો: મહુવાના અમૃતવેલ ગામે દલિત બાળકે ગરબીમાં મૂકેલા જગમાંથી પાણી પી લેતા જાતિવાદીઓએ માતા-પિતાને માર માર્યો, 4 સામે ફરિયાદ

પીડિત યુવકે આ અંગે સાલાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. તેથી યુવક તેના પરિવારના સભ્યો સાથે એસપી ઓફિસ પહોંચ્યો, જ્યાં તેણે એસપી જય યાદવને પોતાની પીડા જણાવી હતી. 

ન્યાય અપાવવાને બદલે પીડિતને આરોપી બનાવી દીધો

ગુજરાત સહિત દેશભરમાં એસસી કે એસટી પર અત્યાચારની ઘટનાઓમાં એક નવી તરકીબ જોવા મળી રહી છે, જેમાં પીડિતને જ આરોપી બનાવીને કેસ લૂલો કરી દેવામાં આવે છે. આ પેટર્નથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દલિત, આદિવાસી સમાજના ભોગ બનનાર વ્યક્તિને જ આરોપીના કઠેડામાં ખડો કરી દેવામાં આવે છે. આ ઘટનામાં પણ એવું જ કંઈક રંધાતું જોવા મળ્યું છે. એસપી જય યાદવે જણાવ્યું હતું કે, આ બાબતે સંબંધિત પોલીસ પાસેથી માહિતી લેવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે યુવક દારૂના નશામાં રાજિયાસર ગામે ગયો હતો. જ્યાં કોઇ છેડતીનો બનાવ બન્યો હતો. જેના કારણે ગામના લોકોએ યુવકને માર માર્યો હતો. યુવકના મેડિકલ રિપોર્ટમાં પણ નશાની પુષ્ટિ થઈ છે.

પોલીસ જ આરોપીઓને ક્રોસ ફરિયાદ દાખલ કરવા કહે છે?

દેશભરમાં દલિત અત્યાચારની ઘટનામાં હવે ક્રોસ ફરિયાદની નવાઈ નથી રહી. દેશભરમાં એટ્રોસિટીની ફરિયાદ થાય ત્યારે ખુદ પોલીસ જ માથાભારે આરોપીઓના સપોર્ટમાં આવીને તેમને ક્રોસ ફરિયાદ નોંધાવવાનું કહીને પીડિત યુવકના ન્યાયના દરવાજા બંધ કરી નાખતી હોય છે. ગુજરાતમાં પણ આવા અનેક કેસો આપણે જોયા છે જેમાં દલિત-આદિવાસી સમાજના લોકો પર ખૂલ્લેઆમ માથાભારે જાતિવાદી તત્વોએ હુમલો કર્યો હોય કે જાતિવાચક શબ્દો કહ્યા હોય, છતાં પોલીસ તેમની ક્રોસ ફરિયાદ નોંધીને પીડિત પરિવાર પર દબાણ ઉભું કરતી હોય છે. ચોક્કસ જાતિના લોકોની પોલીસમાં બહુમતી હોવાથી દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજ માટે ન્યાય મેળવવો દુષ્કર બનતો જાય છે. જો કાયદો કાયદાનું કામ કરે તો માથાભારે તત્વો એસસી, એસટી સમાજના લોકો પર આંગળી ઊંચી કરતા પણ સો વાર વિચાર કરે. પરંતુ અહીં તો કાયદાના રક્ષકોનું જ જાણે જાતિવાદીઓને રક્ષણ મળેલું હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે.

આ પણ વાંચો: ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Parmar Ashwin Mohanbhai
    Parmar Ashwin Mohanbhai
    Bhai badha sara hoy che amukaj nicheni okay hoy che bija na pet na avane kaho chup raho bhai jaher ma kapda kadhi ne mare koi bachavava nahi aave
    10 months ago
  • Sanjay sonara
    Sanjay sonara
    Ava sp ne jaherma marva joye
    11 months ago