બળાત્કારનો કેસ પાછો ખેંચાવવા દલિત મહિલા પર 8 ખોટી ફરિયાદો કરી
એક દલિત મહિલાને બ્રાહ્મણ શખ્સે પોતે ડીએસપી હોવાનું કહીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું. મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી. પછી જે થયું તે ચોંકાવનારું હતું

જો તમે કથિત ઉચ્ચ જાતિના હો, તમારી જાતિના લોકો સાથે ઉપર સુધી તમારી પહોંચ હોય, રાજકારણીઓ, આઈએએસ-આઈપીએસ અધિકારીઓ સાથે તમારી ઓળખાણ હોય તો કાયદો અને વ્યવસ્થાને પણ લાંબા સમય સુધી મેનેજ કરી શકાય છે. આવા સેંકડો ઉદાહરણો આપણો જોયા છે અને તેનું વધુ એક ભયાનક ઉદાહરણ હાલમાં જ સામે આવ્યું છે. જેમાં પોતાના પર થયેલો બળાત્કારનો કેસ પાછો ખેંચી લેવા દબાણ ઉભું કરવા માટે આરોપીએ પોતાના એક આઈપીએસ મિત્રની મદદથી પીડિત દલિત મહિલા પર એક પછી એક 8 ખોટી એફઆઈઆર નોંધાવી દીધી હતી. જેના કારણે પીડિતા અને તેના આખા પરિવારે કશા જ વાંક ગુના વિના સતત જેલમાં જવું પડ્યું હતું. આ મામલે પીડિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે પોલીસના વલણ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને પોતાનો જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો.
મામલો છત્તીસગઢના બિલાસપુરનો છે. અહીં એક પરિણીત દલિત મહિલાએ બિલાસપુર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2018 થી 12 ડિસેમ્બર 2019 વચ્ચે રાયપુરની ન્યૂ કોલોનીમાં રહેતા પિષૂય તિવારી(35) એ પોતાને અપરિણીત બતાવીને અને પોતે ડીએસપી હોવાનું જણાવીને તેને લગ્નની લાલચ આપીને તેની સાથે દુર્ષકર્મ કર્યું હતું. બાદમાં પિડીતાને ખ્યાલ આવ્યો હતો કે આરોપી ન તો ડીએસપી છે, ન અપરિણિત છે. ત્યારથી તેણે તેની સાથે સંબંધ રાખવાનું ખતમ કરી દીધું હતું અને તેની સામે દુષ્કર્મ અને એસસી એસટી એક્ટની કલમ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.
એ પછી આરોપી પિયૂષ તિવારીએ તેના આઈપીએસ મિત્ર અરવિંદ વિ. કુજૂર સાથે મળીને પીડિતાને ધમકી આપી કે જો તે કેસ પરત નહીં ખેંચે તો તેને ખોટા કેસમાં ફસાવી દેશે. જો કે પીડિતાએ તેને ગણકારી નહોતી. બાદમાં તેણે ઈન્દોરમાં લગ્ન કરી લીધાં હતા. જેની જાણ આરોપી પિષૂય તિવારીને થતા તેણે કુંમ્હારી પોલીસ સ્ટેશનમાં પીડિતા વિરુદ્ધ છેતરપિંડીનો ખોટો કેસ નોંધાવ્યો હતો. જેમાં પોલીસે પીડિતાના પિતા, ભાઈ અને પતિની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા હતા. આ રીતે આરોપી પિષૂય તિવારીએ પીડિતા અને તેના પરિવાર પર એક પછી એક કુલ 8 ખોટી ફરિયાદો નોંધાવી હતી. જેના કારણે પીડિતાના પરિવારને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું. પીડિતાને એક કેસમાં જામીન મળે કે તરત આરોપી પિષૂય તિવારી બીજી ફરિયાદ નોંધાવી દેતો હતો. આ રીતે પીડિતાને માનસિક રીતે હેરાન કરવામાં આવતા તેણે હાઈકોર્ટનું શરણું લેવું પડ્યું હતું.
આ પણ વાંચોઃ દલિત યુવકને ત્રણ દિવસ બાંધીને પેશાબ પીવડાવ્યો, ઘાઘરો પહેરાવી ગામમાં ફેરવ્યો
કોર્ટમાં પિડીતાના વકીલ અમન સક્સેનાએ જણાવ્યું હતું કે, આ જ રીતે પીડિતા અને તેના પરિવાર પર ખોટી રીતે 8 એફઆઈઆર કરવામાં આવી છે. એક કેસમાં પીડિતાને જામીન મળતા હતા, તો બીજી એફઆઈઆર કરી દેવામાં આવતી હતી. આવું અનેકવાર થયું હતું, જેના કારણે પીડિતાનો પરિવાર સતત જેલમાં રહ્યો.
આ મામલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રમેશ સિન્હા અને જસ્ટિસ સચિન સિંહ રાજપૂતની ડિવિઝન બેંચે પોલીસના આ પ્રકારના વલણ પર ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ રીતે તો પીડિતા અને તેના પરિવારનું આખું જીવન જ કેસ લડવામાં વીતી જશે. કોર્ટમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે, બે કેસ ખતમ થઈ ગયા છે અને બાકીના કેસો પર તપાસ ચાલી રહી છે. હાઈકોર્ટે આકરું વલણ અપનાવતા બાકીના તમામ કેસોની ટ્રાયલ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
હાઈકોર્ટે આરોપી પિયૂષ તિવારી, તેના આઈપીએસ મિત્ર અરવિંદ કુજૂર અને અભિષેક ગઝલવારને બે અઠવાડિયાની અંદર સોગંદનામા પર જવાબ આપવાનો આદેશ કર્યો છે. સાથે જ અરજીકર્તાને પણ આવતા બે વીકમાં સોગંદનામું રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ભારતમાં દરરોજ 10 દલિત મહિલાઓ પર બળાત્કાર થાય છે