યુવકને 3 દિવસ બાંધીને પેશાબ પીવડાવ્યો, ઘાઘરો પહેરાવી ગામમાં ફેરવ્યો
આપણી કલ્પનામાં પણ ન આવે તેવા અત્યાચારો ક્યારેક પોતાના જ લોકો નિર્દોષ વ્યક્તિ સાથે કરતા હોય છે. આ ઘટના કંઈક આવી જ છે.
એકવીસમી સદીના વિકસિત ભારતમાં દલિતો, આદિવાસીઓ અને ભટકતું જીવન ગાળતા સમાજ પર અત્યાચારની જે ઘટનાઓ બને છે તે આપણને વિચારતા કરી મૂકી તેવી છે. ખાસ કરીને હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યો, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કથિત નીચી ગણાતી જાતિના લોકો સાથે થતા અત્યાચારની વાત કરતા પણ ક્યારેક કંપારી છુટી જાય છે.
મામલો રખડતું-ભટકતું જીવન ગાળતા વણઝારા સમાજનો છે અને એ પણ આંતરિક છે. એક વણઝારા યુવકને તેના જ સમાજના લોકોએ પકડીને બાંધી દીધો અને પછી પેશાબ પીવડાવ્યો, માથું મુંડાવ્યું અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી આખા ગામમાં ફેરવ્યો હતો. આ ઘટનાથી યુવક એટલો આઘાતમાં આવી ગયો કે તેણે પોલીસમાં ફરિયાદ કરી છે કે, જો મને ન્યાય નહીં મળે તો હું આત્મહત્યા કરી લઈશ.
મામલો મધ્યપ્રદેશના ગુના વિસ્તારનો છે. અહીં વણઝારા સમાજના એક વ્યક્તિ સાથે અમાનવીય અત્યાચારની એક અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. યુવકના સંબંધીઓએ મહેન્દ્રસિંહ નામના આ વ્યક્તિને ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યો હતો. એ દરમિયાન તેને પેશાબ પીવડાવીને જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો, માથું મુંડાવીને તેનું મોં કાળું કરવામાં આવ્યું. એ પછી તેને ઘાઘરો પહેરાવીને આખા ગામમાં ફેરવવામાં આવ્યો. આ આખી ઘટનાનો આરોપીઓએ વીડિયો બનાવીને વાયરલ કર્યો.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થિની સાથે હોસ્ટેલમાં ભેદભાવ થતાં ધાબા પરથી કૂદી ગઈ
પીડિત યુવક મહેન્દ્ર વણઝારાના જણાવ્યા પ્રમાણે તે ગામમાં નાનુંમોટું કામ કરે છે. અહીંના ફતેહગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સેનબોટ ચોક પર સૌદાન સિંહ, ગુમાન સિંહ, ઓમકાર સિંહ વણઝારાએ તેનું અપહરણ કરી લીધું હતું. એ પછી તેને રાજસ્થાનના અટરુ, ઝાલાવાડમાં લઈ જવાયો. જ્યાં બદન વણઝારા, છોટૂ, રમેશ, તોફાન, પ્રેમ, ગેંદા, કાલુરામ, ગુલાબ અને મથુરીબાઈએ માર માર્યો. એ પછી તેને પેશાબ પીવડાવવામાં આવ્યો, જૂતાની માળા પહેરાવીને માથું મુંડાવી દેવામાં આવ્યું. મોં કાળું કરીને ઘાઘરો પહેરાવવામાં આવ્યો અને પછી ગામમાં ફેરવવામાં આવ્યો. પીડિત મહેન્દ્રનું કહેવું છે કે, આ ઘટનાથી તે એટલો હતપ્રભ થઈ ગયો છે કે તે ઘરની બહાર પણ નીકળવામાં શરમ અનુભવે છે. જો આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ જશે.
યુવતીના વાંકે યુવક સાથે બર્બરતા
પીડિત મહેન્દ્રનું કહેવું છે કે, તેની સાથેની બર્બરતાનો વીડિયો બનાવીને રૂ. 25 લાખની માંગ કરવામાં આવી હતી. પણ આખરે 20 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો ત્યારે જતાં આરોપીઓએ ત્રણ દિવસ બાદ તેને છોડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે મહેન્દ્રના કાકાની દીકરીના લગ્ન રાજસ્થાનમાં રમેશ વણઝારા સાથે થયા હતા. રમેશ અને તેના પરિવારજનો દીકરીને માર મારતા હતા એટલે તે સાસરિયું છોડીને ભાગી ગઈ હતી. એ વાતથી નારાજ થઈને આરોપીઓએ તેના કાકાના દીકરા મહેન્દ્રનું અપહરણ કરી લીધું અને ગોંધી રાખ્યો. પછી લગ્નમાં થયેલા ખર્ચ ઉપરાંત વધારાનો દંડ ઉમેરીને રૂ. 25 લાખની માંગણી કરી હતી. અંતે જેમતેમ કરીને 20 લાખમાં મામલો સેટલ કરવામાં આવ્યો હતો અને મહેન્દ્રને છોડી મૂકવામાં આવ્યો. સાથે જ ત્રણ દિવસની અંદર તમામ રકમ ચૂકવવા માટેની શરત રખાઈ હતી. જો કે મહેન્દ્ર સાથેના બર્બરતાપૂર્ણ અત્યાચારની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દેશભરમાં હોબાળો મચી ગયો હતો.
આ મામલે પોલીસ અધિકારી સંજીવકુમાર સિંહાએ જણાવ્યું હતું કે, પીડિતે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુનેગારો રાજસ્થાનના રહેવાસી છે. વાયરલ વીડિયો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને ઝડપથી પકડી લેવામાં આવશે. મામલાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: દલિત મહિલા જાહેર કૂવા પાસે ગઈ તો મનુવાદીએ માર મારી બ્લાઉઝ ફાડી નાખ્યું