રસ્તાના અભાવે આદિવાસી મહિલાએ ઝોળીમાં જ બાળકને જન્મ આપ્યો
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના ચાપટ ગામની ઘટના. રસ્તાના અભાવે પ્રસૂતાને ઝોળીમાં દવાખાને લઈ જવાઈ રહી હતી. પણ દવાખાને પહોંચે તે પહેલા જંગલમાં જ પ્રસૂતિ થઈ ગઈ.
ગુજરાતના કહેવાતા વિકાસનો ફૂગ્ગો આમ તો વર્ષો પહેલા ફૂટી ગયો છે, છતાં તેમાં રહીસહી હવા કાઢી નાખતી કેટલીક ઘટનાઓ પણ સમયાંતરે બનતી રહે છે. હાલમાં જ કૂપોષણ મામલે દેશના ટોપ 10 જિલ્લાઓમાં ગુજરાતના 5 આદિવાસી જિલ્લાઓ આવ્યા હતા. એ પહેલા રસ્તાના અભાવે આદિવાસી વિસ્તારોમાં પડતી હાલાકીને લઈ હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. આ ઘટનાઓની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ગુજરાતના કહેવાતા વિકાસની પોલ ખોલી નાખતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં નર્મદા જિલ્લામાં રસ્તાના અભાવે એક પ્રસૂતાએ જંગલ વચ્ચે ઝોળીમાં જ બાળકને જન્મ આપ્યો છે. અગાઉ આવી જ એક ઘટના છોટા ઉદેપુરમાં બની હતી અને ત્યારે ગુજરાત હાઇકોર્ટે સરકારને ભારે ફટકાર લગાવી રસ્તા બનાવવાનો આદેશ કર્યો હતો.
મામલો શું હતો?
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામમાં પાયલ વસાવા નામની મહિલાને રાત્રે પ્રસવની પીડા ઉપડી હતી. જોકે, ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ ન હોવાથી પરિવારે પ્રસૂતાને સાડીની ઝોળી બનાવી હૉસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી. જો કે, પરિવારજનો પ્રસૂતાને હૉસ્પિટલ સુધી પહોંચાડે તે પહેલાં જ તેણે જંગલમાં બાળકને જન્મ આપી દીધો હતો. બાળકને જન્મ આપ્યા બાદ પરિવારજનો ફરી મહિલા અને બાળકને ઝોળીમાં નાખી હૉસ્પિટલ સારવાર માટે લઈ જવા નીકળી પડ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ચાપટ ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે. અહીંથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે 10 કિલોમીટર સુધી જંગલમાંથી પસાર થવું પડે છે. રસ્તો ન હોવાથી ગામમાં કોઈ એમ્બ્યુલન્સ જેવું વાહન આવી શકતું નથી.
દરમિયાન આ શરમજનક વીડિયો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગે ખુલાસો આપ્યો છે કે, 19 વર્ષીય પાયલ વસાવા સગર્ભા બનતાં આરોગ્ય વિભાગ સતત કાળજી લેતું હતું. તેઓ મમતા દિવસમાં તપાસ માટે આવ્યા ત્યારે કોઈ તકલીફ નહોતી તેથી તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા. જોકે, ઘરે પહોંચ્યા બાદ રાત્રે પ્રસવ પીડા ઉપડતાં રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સ ગધેર ગામ પાસેથી મહિલા અને બાળકને લઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુર લાવ્યા. ત્યાં મેડિકલ ઑફિસર અને નર્સ દ્વારા બાળક અને માતાની જરૂરી સારવાર કરવામાં આવી. હાલ, બાળક અને માતા બંને સુરક્ષિત છે.
અહીં એ યાદ રાખવું રહ્યું કે, અગાઉ 2 ઑક્ટોબરે છોટાઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી. જ્યાં 108ના અભાવના કારણે મહિલા સમયસર હૉસ્પિટલ ન પહોંચી શકી અને હૉસ્પિટલના પ્રાંગણમાં જ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળકના જન્મ બાદ માતાનું મોત થઈ જતાં સરકાર અને તંત્રની ભારે ટીકા થઈ હતી. ત્યારબાદ હાઇકોર્ટે સુઓમોટો લઈ સરકારનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે, આ ઘટનાથી અમારા માથા શરમથી ઝૂકી ગયા છે. ત્યારબાદ હાઇકોર્ટે 15 દિવસમાં રોડ બનાવવાનો સરકારને આદેશ આપ્યો હતો. જો કે એ ઘટના પછી પણ બીજી એવી જ એક ઘટના પણ બની હતી.
આ પણ વાંચો: રસ્તાના અભાવે આદિવાસી પ્રસુતાને ઝોળીમાં નાખી દવાખાને લઈ જવી પડી